રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૩૧ સામે ૮૫૩૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૯૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૭૭ સામે ૨૬૧૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત-અમેરિકા વેપાર કરાર ટૂંક સમયમાં થઈ જવાની અપેક્ષા, વિદેશી રોકાણકારોના શરૂ થયેલા પ્રવાહ તથા વૈશ્વિક અનિશ્ચિતતાઓના વાદળો હવે દૂર થઈ રહ્યાના ચિહ્નો જેવા પોઝીટીવ પરિબળો સાથે વૈશ્વિક બજારોમાં એક તરફ અમેરિકી બજારોમાં સતત ધોવાણ અને બિટકોઈનમાં કડાકો બોલાઈ જવા સાથે થઈ રહેલી મોટી ઉથલપાથલ વચ્ચે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક પતન થઈ વિક્રમી નીચી સપાટીએ ખાબકી જતાં ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરોમાં દિવસ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યા બાદ અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
હમણાં સુધી વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારોમાં તેજી જોવાયા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ છેલ્લા કેટલાક દિવસોથી શેરોમાં વેચવાલી અટકાવી ખરીદદાર બન્યા બાદ આજે સાવચેતીમાં નવી તેજીથી દૂર રહ્યા હતા. ક્રુડ ઓઈલમાં ભારતનું આયાત બિલ અમેરિકાથી વધતી આયાતની સાથે વધવાના અંદાજોએ પણ આજે ઓઈલ કંપનીઓની ડોલર માટેની માંગ મોટી રહેતાં રૂપિયો તૂટવા સાથે ફંડો શેરોમાં સાવચેતીમાં હળવા થયા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડિસેમ્બરના અંત સુધીમાં સંભવિત યુએસ-ભારત ટ્રેડ ડીલ અંગેના આશાવાદ સાથે નબળા અમેરિકન ચલણ, બેંકો દ્વારા અમેરિકન ડોલરનું વેચાણ અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તક્ષેપને પગલે સોમવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરેથી પાછો ફર્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી અને ટેક સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૩૫ અને વધનારની સંખ્યા ૧૨૦૮ રહી હતી, ૨૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૩%, એશિયન પેઈન્ટ ૦.૪૬%, એચસીએલ ટેકનોલોજી ૦.૩૫%, ઈન્ફોસિસ લિ. ૦.૩૧%, અદાણી પોર્ટ્સ ૦.૧૮%, એચડીએફસી બેન્ક ૦.૦૯%, સન ફાર્મા ૦.૦૮% અને કોટક બેન્ક ૦.૦૨% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે બીઈએલ ૦.૯૮%, ટાટા સ્ટીલ ૧.૬૧%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૫૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૮%, ટ્રેન્ટ લિ. ૧.૧૬%, બજાજ ફિનસર્વ ૧.૧૪%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૧૦%, બજાજ ફાઈનાન્સ ૧.૦૯%, આઈટીસી ૧.૦૩% અને એનટીપીસી ૦.૮૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૭ લાખ કરોડ ઘટીને ૪૬૯.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ૪૩ દિવસના લાંબા શટડાઉન પછી ગાડી પાટા પર આવી રહી છે પરંતુ આ શટડાઉનને કારણે અનેક આર્થિક ડેટા બહાર આવ્યા નથી. તને કારણે ઓક્ટોબરના જોબ્સ ડેટા જાહેર થયા ન હતા, જે હવે આગામી ગુરુવારે જાહેર થશે. આવા સંજોગોમાં ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડશે કે કેમ તે અંગે પ્રશ્નો થવા લાગ્યા છે. વળી, અમેરિકામાં એઆઈ બબલ અંગે પણ ખાસ્સા પ્રશ્નો થઈ રહ્યા છે જેને કારણે વોલેટિલિટી વધવાની સંભાવના છે.
અમેરિકાના માર્કેટમાં વોલેટિલિટી વધશે તેની અસર ભારતીય બજાર પર પડી શકે છે. આગામી દિવસોમાં બીજા ત્રિમાસિકના જીડીપી ડેટા, જી-૨૦ સમિટથી લઈને વિવિધ પરિબળો બજાર પર અસર કરશે, ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે સકારાત્મક સંકેત મળવા લાગ્યા છે અને હવે આ ડીલ અંતિમ તબક્કામાં હોવાનું જણાય છે. આથી આ ઘટનાક્રમ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







