રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૬ સામે ૮૪૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૭૬ સામે ૨૫૯૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૭૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ઘટાડો નોંધાયો હતો. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારમાં આજે શરૂઆતી તબક્કામાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજારમાં ઇન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાએ ડોલર ઇન્ડેક્સ નબળો પડતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રુડઓઈલનો માલભરાવો થવાની ધારણાંએ ઓપેક દ્વારા ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરાશે તેવા અહેવાલે ક્રુડઓઈલના ભાવ વધતા અટકી સ્થિર જોવા મળ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, ટેક, કેપિટલ ગુડ્સ અને કોમોડિટીઝ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૩ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ભારતી એરટેલ ૧.૦૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૮%, બીઈએલ ૦.૮૪%, સન ફાર્મા ૦.૬૩%, આઈટીસી ૦.૩૦%, ટાટા સ્ટીલ ૦.૨૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૩%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૧૪% અને ટ્રેન્ટ ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે હિંદુસ્તાન યુનિલિવર ૩.૨૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૨%, કોટક બેન્ક ૧.૭૨%, અદાણી પોર્ટ્સ ૧.૬૫%, ટાઈટન લિ. ૧.૫૭%, એચડીએફસી બેન્ક ૧.૪૧%, એક્સિસ બેન્ક ૧.૩૮%, એનટીપીસી ૦.૯૨%, બજાજ ફિનસર્વ ૦.૮૨%, મારુતિ સુઝુકી ૦.૭૮%, સ્ટેટ બેન્ક ૦.૭૭% અને ટેક મહિન્દ્ર ૦.૫૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૮.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા હાલના મજબૂત લિક્વિડિટી પ્રવાહ અને મ્યુચ્યુઅલ ફંડોના વધતા સક્રિય રોકાણને ધ્યાનમાં લેતાં સકારાત્મક દિશામાં આગળ વધતી દેખાય છે. એસઆઈપી મારફતે સતત આવતા રોકાણે ઘરેલું મૂડીબજારની સ્થિતિને મજબૂત બનાવી છે, જેના કારણે બજાર વિદેશી રોકાણકારોના આધારથી વધુ સ્વતંત્ર બનતું જાય છે. પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી ભાગીદારી એ માર્કેટની ઊંડાણ અને સ્થિરતા બંનેમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત, એન્કર ઈન્વેસ્ટમેન્ટ અને ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (QIB) સેગમેન્ટમાં વધેલા ફન્ડ ફ્લો સૂચવે છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણકારો ભારતીય અર્થતંત્રના વિકાસ પર વિશ્વાસ ધરાવે છે.
આગામી મહિનાઓમાં અનેક નવી કંપનીઓ પોતાના આઈપીઓ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટમાં સક્રિયતા વધુ તેજ બનવાની સંભાવના છે. આથી એકંદર બજાર માહોલ ઉત્સાહજનક રહેવાની શક્યતા છે, ખાસ કરીને એવા સેક્ટરોમાં જ્યાં વૃદ્ધિની સંભાવના વધુ છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને કન્ઝ્યુમર ગુડ્સ. સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી અને લિક્વિડિટી સપોર્ટને ધ્યાનમાં લેતાં, બજાર ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે પણ મધ્યમથી લાંબા ગાળે વૃદ્ધિશીલ દિશામાં આગળ વધે તેવી શક્યતા વધુ છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






