રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૧૫ સામે ૮૧૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૦૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૧૧ સામે ૨૫૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૫૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના એચ-૧બી વીઝા માટે વનટાઈમ એક લાખ ડોલર ફીના નિર્ણયની સતત નેગેટીવ અસરે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનને સંબોધનમાં યુક્રેન મામલે રશિયાને નવી ચેતવણી આપતાં અને ભારત તેમજ ચાઈના દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદીને રશિયાને યુદ્ધ માટે ફંડ પૂરૂ પાડવામાં આવી રહ્યાના નિવેદન અને ટેરિફ વધારવાની ચીમકીએ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ફંડો સાવચેતીમાં વધુ વેચવાલ બન્યા હતા.
સ્થાનિક સ્તરે જીએસટીમાં ઘટાડાનું પોઝિટીવ પરિબળ પણ ડિસ્કાઉન્ટ થવા લાગ્યા સાથે તહેવારોની સીઝનમાં અપેક્ષિત કન્ઝયુમર ખરીદી નહીં જોવાઈ રહ્યાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલેના લેબર માર્કેટમાં નબળાઈ તથા ફુગાવાની ચિંતા વચ્ચે સમતુલા જાળવવાનું ફેડરલ રિઝર્વ ચાલુ રાખશે તેવા નિવેદન વચ્ચે આગામી વ્યાજ દર સંદર્ભમાં સાવચેતી અપનાવતા તેની પ્રતિકૂળ અસર ડોલર ઈન્ડેક્સ પડતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે અમેરિકામાં ગત સપ્તાહમાં સ્ટોક ઘટીને આવતા પૂરવઠા ખેંચ ઊભી થવાની ધારણાંએ ક્રુડઓઈલમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને મેટલ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૦૯ અને વધનારની સંખ્યા ૧૪૭૪ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બીઈએલ લિ. ૨.૦૫%, ભારતી એરટેલ ૦.૩૧% અને એક્સિસ બેન્ક ૦.૨૮% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૩.૧૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૦૫%, ટાટા મોટર્સ ૨.૭૧%, ટીસીએસ લિ. ૨.૫૦%, એશિયન પેઈન્ટ ૨.૨૩%, એનટીપીસી લિ. ૨.૦૩%, અદાની પોર્ટસ ૧.૭૦%, બજાજ ફાઈનાન્સ ૧.૬૬%, બજાજ ફિનસર્વ ૧.૩૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૩૧% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૩૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૭.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૩ કંપનીઓ વધી અને ૨૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરને ૬.૫૦% જાળવી રાખ્યો છે. મજબૂત સ્થાનિક સ્તરે માંગ, સારા ચોમાસા, આવક વેરામાં રાહત, ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડો અને સરકારી ઈન્વેસ્ટમેન્ટમાં તેજી જોવા મળતાં આર્થિક પ્રવૃત્તિ માટે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. જો કે અમેરિકાના ટેરિફના કારણે નિકાસ પર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ સ્થાનિક માંગ મજબૂત રહેવાના કારણે અર્થતંત્ર વ્યાપક દૃષ્ટિએ સ્થિર રહેવાની શક્યતા છે.
ફુગાવાના ઓછા દબાણને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે મોંઘવારી દર ૩.૨૦% સુધી નીચે રહેવાની ધારણા છે, જે રિઝર્વ બેન્કને રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડા માટે પ્રેરણા આપી શકે છે. નાણાંકીય નીતિમાં આ શાંતિ અને સ્થાનિક સ્તરે માંગ મજબૂત રહેવાની અપેક્ષા ભારતીય શેરબજારમાં સહારો આપી શકે છે. તીવ્ર સ્પર્ધા અને વૈશ્વિક ટેરિફ પડકારો હોવા છતાં, આ પરિણામો રોકાણકારો માટે રોકાણ વધારવાની સકારાત્મક સંકેત આપે છે, જે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર માટે સહાયક બની શકે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






