રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૦૧૩ સામે ૮૨૯૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૬૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૧૦ સામે ૨૫૪૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૩૫૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૪૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત – રશિયા – ચાઈનાની સંબંધો મજબૂત બતાવતી મુલાકાતને લઈ અમેરિકાની ટ્રમ્પ સરકાર અપેક્ષા મુજબ ભારત માટે કૂણું વલણ અપનાવતાં ભારત સાથે ટ્રેડ ડિલ માટે સક્રિય વાટાઘાટ સાથે ભારતના જીએસટી ઘટાડા સહિતના પોઝિટીવ પગલાં અને યુરોપના દેશો પણ ભારતની તરફેણમાં ટ્રેડ ડિલ કરવા તૈયાર હોવાના અહેવાલોએ સપ્તાહની શરૂઆતથી જ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે સપ્તાહના અંતે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક મોરચે ટ્રમ્પ સતત ટેરિફ હથિયારનો ઉપયોગ કરીને વિશ્વને દબાણમાં લેવા પ્રયત્ન કરતા, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવા યુરોપીયન યુનિયનને કરેલી તેમની હાકલ તેમજ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ તેમજ નેપાળ અને ફ્રાંસમાં ઉભી થયેલી આંતરિક અશાંતિના કારણે વૈશ્વિક સેન્ટીમેન્ટની સ્થાનિક બજાર પર નકારાત્મક અસર જોવા મળતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે જ ૦.૨૫%નો ઘટાડો કરવામાં આવતા અને ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વર્તમાન વર્ષમાં વધુ ઘટાડાના પણ સંકેત અપાતા ડોલર ઇન્ડેક્સમાં નીચા મથાળેથી રિકવરી નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનો સ્ટોક નોંધપાત્ર ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, એનર્જી, હેલ્થકેર, સર્વિસીસ, કોમોડીટીઝ, કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૧ અને વધનારની સંખ્યા ૨૧૩૪ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અદાણી પોર્ટસ ૧.૦૯%, ભારતી એરટેલ ૧.૦૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૧%, એનટીપીસી લિ. ૦.૫૫%, સન ફાર્મા ૦.૪૩%, મારુતિ સુઝુકી ૦.૩૯%, એક્સિસ બેન્ક ૦.૨૬%, એશિયન પેઈન્ટ ૦.૨૬% અને ટેક મહિન્દ્રા ૦.૨૪% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી ૧.૭૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૨%, ટાઈટન કંપની લિ. ૧.૨૬%, ટ્રેન્ટ લિ. ૧.૨૬%, કોટક બેન્ક ૧.૧૬%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૪%, એચડીએફસી બેન્ક ૦.૯૭% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૬.૩૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આર્થિક પ્રવૃત્તિમાં આવી તેજી કંપનીઓની આવક અને નફાકારકતામાં વધારો લાવી શકે છે, જેના પરિણામે શેરબજારમાં તેજી જાળવાય તેવી સંભાવના છે. નિકાસ ઓર્ડરોમાં ૧૪ મહિનાની ટોચે પહોંચેલો વધારો વિદેશી બજારોમાંથી મજબૂત સહાયતા દર્શાવે છે. સાથે સાથે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધતી રોકાણકારોની ભાગીદારી, વધતા એસઆઈપી પ્રવાહ અને લાંબા ગાળાના રોકાણ દૃષ્ટિકોણ બજારને વધુ સ્થિરતા આપે છે. અગાઉ જેમ વિદેશી રોકાણકારો પર આધાર રાખવો પડતો હતો, તે સ્થિતિમાં હવે સ્થાનિક મૂડીપ્રવાહ બજાર માટે મજબૂત આધાર બની રહ્યો છે. પરંતુ ટૂંકા ગાળે પડકારો હજી યથાવત જ છે.
અમેરિકાના ટેરિફના પગલે એફપીઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઊથલપાથલ થઈ શકે છે. વૈશ્વિક સ્તરે અમેરિકા – ભારત વચ્ચેના વેપારી સંબંધો, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને આગામી કોર્પોરેટ કમાણીના આંકડા બજાર માટે મુખ્ય નિર્ધારક બની રહેશે. જો વેપાર તણાવ ઘટે અને અમેરિકાના વધારાના ટેરિફ પાછા ખેંચાય, તો ફરીથી વિદેશી મૂડીપ્રવાહ વળવાની શક્યતા છે, જે બજારમાં વિશ્વાસ વધારશે. લાંબા ગાળે જોતા, ભારતની આર્થિક વૃદ્ધિ ક્ષમતા, મજબૂત સ્થાનિક મૂડીપ્રવાહ અને રોકાણકારોમાં વધતો વિશ્વાસ બજારને તેજી તરફ દોરી શકે છે. આમ, આગામી દિવસોમાં બજારમાં ટૂંકા ગાળાની અસ્થિરતા હોવા છતાં, મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારની દિશા સકારાત્મક રહેવાની શક્યતા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






