રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૬૬ સામે ૮૪૫૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૨૫૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૪૭૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૮૬ સામે ૨૫૯૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે વિશ્વ સાથે કૂણાં પડયા હોવા સાથે હવે અમેરિકાના ટેલેન્ટની જરૂર હોઈ એચ ૧બી વીઝા ફીના કડક કરાયેલા નિયમો હળવા થવાની અને એક લાખ ડોલરની ફીમાં પણ ઘટાડો થવાની શકયતા તેમજ રશિયા પાસેથી ઓઈલની ભારતની ખરીદી પરના અંકુશો આગામી દિવસોમાં અમેરિકા તબક્કાવાર હળવા કરશે એવા અહેવાલોની પોઝિટીવ અસરે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળવાના એક્ઝિટ પોલના અંદાજો અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ, ટેરિફમાં ૫૦% ઘટાડાની તૈયારી, ટ્રમ્પ દ્વારા એચ ૧બી વીઝામાં રાહતના સંકેત અને ભારતમાં રિટેલ ફુગાવાનો આંક ઘટીને રેકોર્ડ નીચી સપાટીએ આવી જવાના સંખ્યાબંધ પોઝિટીવ ડેવલપમેન્ટે આજે ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ તેજી કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં શટડાઉન સમાપ્ત કરવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન હાથ ધરવામાં આવે તે પૂર્વે અમેરિકા-ચીન વચ્ચે વેપાર કરાર થતા અને ભારત સાથે પણ અમેરિકાનું વેપાર ડીલ થવાની તૈયારી છતાં ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે રશિયા ખાતેથી પૂરવઠા બાબતે અનિશ્ચિતતા વચ્ચે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, મેટલ, યુટિલિટીઝ, સર્વિસીસ, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને કોમોડિટીઝ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૦ અને વધનારની સંખ્યા ૧૮૪૬ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૩.૮૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૬%, લાર્સન લિ. ૧.૧૬%, બજાજ ફિનસર્વ ૦.૯૦%, ભારતી એરટેલ ૦.૭૩%, સન ફાર્મા ૦.૪૮% અને મારુતિ સુઝુકી ૦.૪૪% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ લિ. ૩.૬૩%, ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ ૨.૨૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૪૫%, ટ્રેન્ટ લિ. ૧.૧૮%, ટાટા સ્ટીલ ૧.૧૫%, બીઈએલ ૧.૧૦%, તાતા મોટર પેસેન્જર વ્હીકલ ૧.૦૬%, ટીસીએસ લિ. ૦.૮૧%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૭૦%, બજાજ ફાઈનાન્સ ૦.૬૭%, ઈન્ફોસિસ લિ. ૦.૫૮% અને અદાણી પોર્ટ્સ ૦.૫૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૪૯ લાખ કરોડ ઘટીને ૪૭૩.૨૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ડીમેટ ખાતાઓમાં વધારાનો આંકડો બજારમાં ફરીથી ઉર્જા અને વિશ્વાસ પરત આવી રહ્યો હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે. રોકાણકારોમાં નવી ઉત્સુકતા અને ભાગીદારી વધતા પ્રાઈમરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. અનેક નવા આઈપીઓ સફળતાપૂર્વક સબસ્ક્રાઈબ થઈ રહ્યા છે અને તેમાં રોકાણકારોને સારા વળતરની આશા છે. અમેરિકાની સાથે ભારત વચ્ચે ટ્રેડ ડીલની શક્યતા અને વૈશ્વિક સ્તરે ઇન્ફ્લેશનમાં રાહત મળતાં વિદેશી રોકાણકારોની આવકમાં પણ વધારો થવાની ધારણા છે. આ પરિસ્થિતિ શેરબજાર માટે પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, ખાસ કરીને એ સમયે જ્યારે રિટેલ રોકાણકારો ફરી સક્રિય બની રહ્યા છે અને સેકન્ડરી માર્કેટમાં વોલ્યુમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
આગામી મહિનાઓમાં ભારતીય શેરબજારની દિશા મોટાભાગે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોમેસ્ટિક કોર્પોરેટ અર્નિંગ્સ અને સરકારની સુધારાત્મક નીતિઓ પર આધારિત રહેશે. બજારમાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ પ્રાઈમરી માર્કેટની મજબુતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતા રોકાણ અને વ્યાજદર સ્થિર રહેવાની ધારણાને પગલે ઈક્વિટી માર્કેટમાં લાંબા ગાળે વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત છે. સ્મોલકૅપ અને મિડકૅપ શેરોમાં સાવચેતીપૂર્વક રોકાણ અને ગુણવત્તાવાળા શેરોમાં સિલેક્ટિવ ખરીદી રોકાણકારોને સારું વળતર આપી શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારનું મધ્યમથી લાંબા ગાળાનું દ્રશ્યકોણ હકારાત્મક દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







