વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય ઇક્વિટી બજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની (FPI) નફારૂપી વેચવાલી યથાવત રહી છે. મે મહિનામાં કુલ ૩૨,૯૬૩ કરોડ રૂપિયાનું ધોવાણ નોંધાયું છે અને વર્ષ ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધી કુલ આઉટફ્લો ૨.૨૪ લાખ કરોડને પાર કરી ગયો છે.
મધ્ય પૂર્વના જીઓપોલિટિકલ તણાવ, વધેલા ક્રૂડ ઓઈલ ભાવ અને વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી બજારો તરફ વળતા ફંડ ફ્લોઓના કારણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં બેરિશ બાયસ મજબૂત રહ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
મે મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડોલરથી ઉપર જતાં રોકાણકારોના વિશ્વાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલ ક્રૂડ ૧૦૦ ડોલર નીચે સ્થિર છે, છતાં વોલેટિલિટી યથાવત છે. ભારત મધ્ય પૂર્વમાંથી મોટી માત્રામાં ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે તેથી ઊંચા ભાવો બજાર પર દબાણ ઉભું કરે છે.
વર્ષના પહેલાના મહિનાઓમાં પણ એફપીઆઈ વેચવાલી ચાલુ રહી હતી – જાન્યુઆરીમાં ૩૫,૯૬૨ કરોડ, માર્ચમાં ૧,૧૭,૭૭૫ કરોડનું મોટું ધોવાણ અને એપ્રિલમાં ૬૦,૮૪૭ કરોડનું આઉટફ્લો. વચ્ચે ફેબ્રુઆરીમાં મર્યાદિત ઉછાળો જોવા મળ્યો હતો, પણ કુલ વલણ બેરિશ જ રહ્યું.
સેક્ટર દૃષ્ટિકોણ :
લાર્જકેપ શેરોમાં નફારૂપી વેચવાલી ચાલું છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી રહી છે. મિડકેપ ક્ષેત્રમાં મજબૂત ત્રિમાસિક પરિણામો અને પોઝિટિવ માર્ગદર્શિકા હોવાને કારણે વોલેટિલિટી વચ્ચે પણ મર્યાદિત ઉછાળો ટકી રહ્યો છે.
લાર્જકેપ શેરના મૂલ્યાંકન આકર્ષક હોવા છતાં વિદેશી વેચવાલીનો દબાણ હજી યથાવત છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બજારમાં “ઉછાળે નફારૂપી વેચવાલી” અને “ઘટાડે તબક્કાવાર ખરીદી” નો ટ્રેન્ડ યથાવત છે. ગેપ-ડાઉન ઓપનિંગ બાદ ઇન્ટ્રાડે મૂવમેન્ટમાં વોલેટિલિટી વધી રહી છે. મજબૂત રેઝિસ્ટન્સ ઝોન પાસે ક્લોઝિંગ ન મળતાં બુલિશ બાયસ કમજોર રહ્યો છે. મહત્વના સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
રોકાણ રણનીતિ :
ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવો જરૂરી છે. રેન્જ બાઉન્ડ બજારમાં ઊછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અસરકારક છે. પેનિક સેલિંગથી બચવું અને ક્વોલિટી શેરોમાં ધીરજ રાખવી યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બજાર વૈશ્વિક પરિબળો અને ક્રૂડના ભાવની દિશા પર આધારિત રહી શકે છે. રૂપીની સ્થિરતા, વિદેશી ફ્લો અને જીઓપોલિટિકલ સમાચાર બજારની દિશા નક્કી કરશે. લાર્જકેપમાં મર્યાદિત દબાણ સાથે મિડકેપ-સ્મોલકેપમાં પસંદગીયુક્ત ઉછાળો દેખાઈ શકે છે.






