વર્તમાન કારોબારી સેશનમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અંગે બજારમાં વિશેષ ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે કંપનીએ ૨૦૦ એમટીપીએ ક્ષમતા પાર કરીને ચીન બહારનો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદકનો દરજ્જો મેળવી લીધો છે.
કંપનીએ વિશાખાપટ્ટણમ, શાહજહાંપુર અને પત્રાતુ ખાતે ત્રણ નવા પ્લાન્ટનું કમિશનિંગ પૂર્ણ કર્યું છે, જેના કારણે કુલ ક્ષમતા ૨૦૦ એમટીપીએની સપાટીને પાર કરી છે.
કંપની વિશે :
અલ્ટ્રાટેકનું કહેવું છે કે કુલ ૯૦ મિલિયન ટનની ક્ષમતા વિવિધ એક્વિઝિશન દ્વારા ઉમેરાઈ છે. એલ એન્ડ ટી સિમેન્ટથી શરૂ થયેલી આ એક્વિઝિશન શ્રેણીમાં જયપી, બિના, સેન્ચ્યુરી, કેસોરામ અને તાજેતરમાં ઇન્ડિયા સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની પ્રમુખ કુમાર મંગલમ બિર્લાના જણાવ્યા મુજબ, ૧૦૦ મિલિયન ટન સુધી પહોંચવામાં ૩૬ વર્ષ લાગ્યા હતા, ત્યારબાદના ૫૦ મિલિયન ફક્ત ૫ વર્ષમાં અને આગામી ૫૦ મિલિયન માત્ર બે વર્ષમાં ઉમેરાયા હતા.
કંપની હવે ૨૦૨૮ સુધી ક્ષમતા વધારીને ૨૪૦ એમટીપીએ સુધી લઈ જવાના લક્ષ્ય સાથે લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
સિમેન્ટ ઉદ્યોગ હાલમાં વધતા ઈનપુટ ખર્ચ અને વૈશ્વિક પરિસ્થિતિના દબાણ હેઠળ કાર્યરત છે. ક્રિસિલ ઈન્ટેલિજન્સના તાજેતરના અહેવાલ મુજબ એનર્જી પ્રાઈસમાં ઉછાળો પાવર અને ફ્યુઅલ ખર્ચમાં વધારો લાવી રહ્યો છે, જ્યારે રો મટિરિયલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં મર્યાદિત ઉછાળો જોવા મળી રહ્યો છે. કુલ ઉત્પાદન ખર્ચ આ નાણાકીય વર્ષમાં આશરે ૪ થી ૬ ટકા જેટલો વધવાની સંભાવના છે.
સિમેન્ટના ભાવોમાં થયેલો ઉછાળો અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફનો વલણ રિયલાઈઝેશન મજબૂત રાખી શકે છે, જોકે ઓપરેટિંગ માર્જિન પર દબાણ યથાવત રહેવાની શક્યતા છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
અલ્ટ્રાટેકની ક્ષમતા વૃદ્ધિને ધ્યાનમાં રાખીને અંબુજા સિમેન્ટે જણાવ્યું છે કે તે ઝડપી વિસ્તરણ કરતા પ્રોફિટેબિલિટી અને કાર્યક્ષમતા પર વધુ ભાર આપશે. હાલમાં અંબુજાની ક્ષમતા આશરે ૧૦૯ એમટીપીએ છે, જેના કારણે તે દેશની બીજી સૌથી મોટી કંપની છે.
સિમેન્ટ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત છે. વધતા કાચા માલના ભાવ અને મર્યાદિત માંગ ઉદ્યોગની સપ્લાય-ડીમાન્ડ સ્થિતિને પ્રભાવિત કરી રહી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં સિમેન્ટ સેક્ટર રેન્જ બાઉન્ડ વલણ દર્શાવી શકે છે. એનર્જી ખર્ચ અને જીઓપોલિટિકલ પરિસ્થિતિને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખર્ચ નિયંત્રણ, ટેકનિકલ સુધારણા અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર ફોકસ જ કંપનીઓને મજબૂત ક્લોઝિંગ તરફ દોરી શકે છે.





