વૈશ્વિક સ્ટીલ બજારમાં ૨૦૨૬ અને ૨૦૨૭ માટે મધ્યમ ગતિનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલતા સંકટને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના તાજેતરના રિપોર્ટ મુજબ ૨૦૨૬માં વૈશ્વિક માંગ ૦.૩ ટકા વધી ૧,૭૨૪ મિલિયન ટન પહોંચવાની અને ૨૦૨૭માં વધુ મજબૂત ૨.૨ ટકા ઉછાળાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
બજારના મુખ્ય પરિબળો :
વૈશ્વિક સ્તરે સ્ટીલની માંગમાં હાલ મર્યાદિત ઉછાળો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતી તંગદિલી અને જીઓપોલિટિકલ જોખમોને કારણે ત્યાંના ક્ષેત્રમાં ધોવાણ અને માંગમાં ઘટાડાની સ્થિતિ રહી શકે છે. વિકસિત બજારોમાં ૨૦૨૫ પછી સ્ટીલની માંગે ફરી ઉછાળો પકડ્યો છે અને ૨૦૨૬-૨૭ દરમિયાન રિકવરી યથાવત રહેવાની ધારણા છે.
યુરોપ, યુએસ, કેનેડા, જાપાન અને કોરિયામાં ૨૦૨૭માં સકારાત્મક વૃદ્ધિની અપેક્ષા છે, જેનાથી ચીનને બાદ કરતાં વૈશ્વિક સ્તરે આશરે ૪ ટકાનો ઉછાળો શક્ય છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ચીનના હાઉસિંગ સેક્ટરમાં લાંબા ગાળાના બ્રેકડાઉન પછી માંગમાં ઘટાડો ધીમો થવા લાગ્યો છે. ૨૦૨૬માં માંગ -૧.૫ ટકા સુધી મર્યાદિત રહેવાની અને ૨૦૨૭માં સ્થિર રહેવાની ધારણા છે. સ્થાનિક ગવર્નમેન્ટ તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો થવાથી સપોર્ટ લેવલ જળવાઈ રહ્યો છે.
ભારત વૈશ્વિક સ્ટીલ માંગમાં સૌથી મજબૂત દેશમાં ગણાય છે. ૨૦૨૬માં ૭.૪ ટકા અને ૨૦૨૭માં ૯.૨ ટકાની વૃદ્ધિની ધારણા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, ઓટોમોબાઈલ, કેપિટલ ગૂડ્સ અને રેલવે ક્ષેત્રો તબક્કાવાર ખરીદીને ટેકો આપી રહ્યા છે, જે સમગ્ર ક્ષેત્રમાં બુલિશ બાયસ જાળવી રાખે છે.
આફ્રિકાના બજારમાં ૨૦૨૩થી જ રિકવરીનો ટ્રેન્ડ ચાલુ છે, ૨૦૨૬માં ૩.૮ ટકા અને ૨૦૨૭માં ૪.૬ ટકાની વૃદ્ધિની ધારણા છે, જે વૈશ્વિક માંગને પસંદગીયુક્ત સપોર્ટ આપે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ વૈશ્વિક સ્ટીલ ક્ષેત્ર હાલમાં રેન્જ બાઉન્ડ ગતિમાં છે. પશ્ચિમ એશિયામાં ચાલુ ટેન્શનને કારણે રેઝિસ્ટન્સ નજીક પ્રોફિટ બુકિંગની શક્યતા યથાવત છે. જો માંગમાં નોંધપાત્ર બ્રેકઆઉટ ન મળે તો ૨૦૨૬માં વોલેટિલિટી મર્યાદિત રહી શકે છે.
ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સ્થિરતા જોવા મળશે તો ૨૦૨૭માં સ્ટીલ માંગ માટે વધુ મજબૂત ક્લોઝિંગના સંકેત મળી શકે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં વૈશ્વિક સ્ટીલ માંગ માટે “મર્યાદિત બુલિશ બાયસ” જળવાઈ રહેવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં સંકટમાં રાહત મળે તો સ્ટીલ ક્ષેત્રમાં ઉછાળો વધુ મજબૂત થઈ શકે છે. ઊંચા સ્તરે ઉછાળે નફારૂપી વેચવાલી અને નીચેના સ્તરે તબક્કાવાર ખરીદી ચાલુ રહે તેવી ધારણા છે.
વિકસિત તથા વિકસતા બજારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન આધારિત માંગ વૈશ્વિક સ્ટીલ બજાર માટે સપોર્ટ લેવલ પૂરો પાડતી રહેશે.






