સોનાના ભાવમાં ઘટાડો છતાં વિશ્વભરની મધ્યસ્થ બેન્કોની ખરીદી યથાવત્
ઊંચા ભાવને કારણે ઘરેણાંની ખરીદી ઘટી રહી છે, જ્યારે રોકાણકારો અને સેન્ટ્રલ બેન્કો સોનાને સુરક્ષિત સંપત્તિ તરીકે પસંદ કરી રહ્યાં છે. ભારતના આયાત બિલથી લઈને જ્વેલરી ઉદ્યોગ અને સામાન્ય પરિવારો સુધી તેની વ્યાપક અસર જોવા મળી શકે છે.
સોનાના ભાવમાં તાજેતરના ઘટાડા છતાં વૈશ્વિક બજારમાં તેની માંગનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. એક તરફ મજબૂત અમેરિકન ડોલર અને વ્યાજદરમાં સંભવિત વધારાની આશંકાને કારણે ગોલ્ડ ETFના ભાવમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ વિશ્વની મધ્યસ્થ બેન્કો સોનાનો ભંડાર વધારી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિશ્વની મધ્યસ્થ બેન્કોએ 321 ટન સોનાની ખરીદી કરી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 8.5% વધુ છે. આ દર્શાવે છે કે વૈશ્વિક નાણાકીય અનિશ્ચિતતા વચ્ચે દેશો પોતાના વિદેશી હૂંડિયામણના ભંડારમાં ડોલર ઉપરાંત સોનાનું પ્રમાણ વધારવા માગે છે.
વિશ્વમાં સોનાની માંગ પાછળ કયા પરિબળો જવાબદાર?
વિશ્વમાં સોનાની માંગ મુખ્યત્વે ત્રણ કારણોથી પ્રભાવિત થાય છે. પ્રથમ, યુદ્ધ, ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા દરમિયાન સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. બીજું, મધ્યસ્થ બેન્કો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને પોતાના ભંડારમાં વિવિધતા લાવવા સોનું ખરીદે છે. ત્રીજું, વ્યાજદર ઘટવાની આશા અને ETFમાં રોકાણ વધવાથી સોનાની માંગને ટેકો મળે છે. ઓક્ટોબરમાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં સતત ચોથા મહિને નાણાંનો પ્રવાહ રહ્યો હતો અને અંદાજે 2.7 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું.
ભારતમાં સોનાની માંગ કેમ ઘટી રહી છે?
ભારતમાં સોનું માત્ર ઘરેણું નથી પરંતુ બચત, સામાજિક પરંપરા અને રોકાણનું મહત્વપૂર્ણ સાધન છે. જોકે ઊંચા ભાવને કારણે સામાન્ય પરિવારોની ખરીદશક્તિ પર અસર પડી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતની સોનાની માંગ વાર્ષિક ધોરણે 29% ઘટીને 162 ટન રહી હતી. ઘરેણાંની માંગમાં 20% અને રોકાણની માંગમાં 40% ઘટાડો નોંધાયો હતો. નબળું ચોમાસું, ગ્રામ્ય આવકમાં ઘટાડો, મોંઘવારી અને આયાત ડ્યૂટીમાં વધારાએ પણ માંગને અસર કરી છે. જોકે લગ્નગાળાની ખરીદી અને ભાવમાં ઘટાડાને કારણે ચોથા ત્રિમાસિક ગાળામાં માંગ સુધરવાની આશા છે.
ભારતીય અર્થતંત્ર અને સામાન્ય લોકો પર અસર :-
ભારત મોટા પ્રમાણમાં સોનાની આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય ભાવ ઘટે અને સ્થાનિક માંગ સ્થિર રહે તો દેશના આયાત બિલમાં ઘટાડો થઈ શકે છે. તેનાથી વિદેશી હૂંડિયામણની બચત અને ચાલુ ખાતાની ખાધને રાહત મળી શકે છે. બીજી તરફ સોનાની ખરીદી વધે તો આયાત ખર્ચ વધી શકે છે અને રૂપિયો તથા વિદેશી હૂંડિયામણ પર દબાણ ઊભું થઈ શકે છે. જ્વેલરી ઉદ્યોગમાં માંગ વધવાથી વેપારીઓ, કારીગરો અને રોજગારીને લાભ મળી શકે છે.
ભાવિ દિશા :-
આગામી સમયમાં સોનાની દિશા અમેરિકાના વ્યાજદર, ડોલરની મજબૂતી, મધ્યસ્થ બેન્કોની ખરીદી અને ભારતની ઘરેણાંની માંગ પર નિર્ભર રહેશે. વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોનાને લાંબા ગાળાનો ટેકો આપી શકે છે, પરંતુ ટૂંકા ગાળામાં ભાવમાં અસ્થિરતા રહી શકે છે. ભારતીય પરિવારો માટે સોનાના ભાવ કરતાં તેમની ખરીદશક્તિ અને જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ રહેશે.
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.