Editor's View
ક્રૂડ તેજીનું આયાત બિલ : શેરબજાર, ઓઈલ કંપનીઓ અને રોકાણકારો માટે શું છે સંકેત...?
ક્રૂડ તેજીનું આયાત બિલ : શેરબજાર, ઓઈલ કંપનીઓ અને રોકાણકારો માટે શું છે સંકેત...?
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી અસાધારણ તેજીએ ભારતની અર્થવ્યવસ્થા સામે નવો પડકાર ઊભો કર્યો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબર મહિનામાં ભારતનું નેટ ઓઈલ અને ગેસ આયાત બિલ વાર્ષિક ધોરણે ૬૦ ટકા વધીને ૧૬ અબજ ડોલર પર પહોંચી ગયું છે, જે ગત વર્ષે ઓક્ટોબરમાં ૧૦ અબજ ડોલર હતું. આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ છે, જે ઓક્ટોબરમાં સરેરાશ ૧૨૪.૭૭ ડોલર પ્રતિ બેરલ રહ્યા હતા — જે એક વર્ષ અગાઉના ૬૪.૭૫ ડોલરની સરખામણીએ લગભગ બમણા છે.
આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારતની ક્રૂડ આયાતનું વોલ્યુમ માત્ર ૧૧ ટકા વધીને ૨.૩૩ કરોડ ટન થયું છે, પરંતુ ઊંચા ભાવને કારણે ખર્ચ ૧૦.૪ અબજ ડોલરથી વધીને ૧૯.૫ અબજ ડોલર થઈ ગયો છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન નેટ આયાત બિલ ૯૭.૭ અબજ ડોલરને પાર કરી ગયું છે, જે ગત વર્ષે ૭૦.૩ અબજ ડોલર હતું. ભારતની કુલ ક્રૂડ જરૂરિયાતના ૮૮.૭ ટકા હિસ્સો આયાત પર નિર્ભર હોવાથી, વૈશ્વિક ભાવવધારાની સીધી અસર આપણી ચાલુ ખાતાની ખાધ (CAD) અને રૂપિયાના મૂલ્ય પર જોવા મળી રહી છે.
બીજી તરફ, ઈંધણના વપરાશમાં રસપ્રદ વિરોધાભાસ જોવા મળ્યો છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં શિપિંગ અવરોધોને કારણે LPG આયાતમાં મોટો ઘટાડો થયો છે, જેના પરિણામે ઓક્ટોબરમાં LPG વપરાશ ૧૨.૩ ટકા ઘટ્યો છે અને સક્રિય ઘરેલુ ગ્રાહકોની સંખ્યા પણ ૩૩.૪ કરોડથી ઘટીને ૩૨.૬ કરોડ થઈ છે. જોકે, ઔદ્યોગિક અને પરિવહન પ્રવૃત્તિઓ મજબૂત રહી છે, જે ડીઝલના વપરાશમાં ૧૨ ટકા અને બિટ્યુમેનમાં ૧૬.૫ ટકાના વધારા પરથી સાબિત થાય છે. પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ થવો એ એક મોટી રાહતની વાત છે.
શેરબજાર, ઓઈલ કંપનીઓ અને બજારભાવ પર અસર :-
ટૂંકા ગાળાની અસર :-
ઊંચા ક્રૂડ ભાવ અને નબળા રૂપિયાને કારણે ફુગાવાની ચિંતા વધે છે, જેનાથી શેરબજારના સેન્ટિમેન્ટ અને બજારભાવમાં વોલેટિલિટી આવી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના માર્કેટિંગ માર્જિન પર દબાણ આવે છે, જ્યારે અપસ્ટ્રીમ કંપનીઓને ઊંચા રિયલાઈઝેશનનો ફાયદો મળી શકે છે. પેઇન્ટ, ટાયર અને એવિએશન શેરોમાં દબાણ જોવા મળી શકે છે.
લાંબા ગાળાની અસર :-
જો ઊંચા ભાવ લાંબો સમય ટકે તો ઔદ્યોગિક ખર્ચ વધવાથી વૃદ્ધિ પર અસર પડી શકે છે. જોકે, રિફાઈનિંગ ક્ષમતાનો વિસ્તાર, ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ અને વૈકલ્પિક ઊર્જા તરફનો ઝોક લાંબા ગાળે આયાત નિર્ભરતા ઘટાડીને બજારને સંતુલન આપી શકે છે.
રોકાણકારો માટે દૃષ્ટિકોણ :-
આ તબક્કે રોકાણકારોએ ઉતાવળ કરવાને બદલે તબક્કાવાર અને પસંદગીયુક્ત અભિગમ અપનાવવો હિતાવહ છે. અપસ્ટ્રીમ ઉત્પાદકો, ગ્રીન એનર્જી અને ઇથેનોલ ક્ષેત્રની મજબૂત કંપનીઓ પર નજર રાખવી ફાયદાકારક રહી શકે છે.
*નિખિલ ભટ્ટ
બિઝનેસ એડિટર
ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
99390 80808
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.