Editor's View
વૈશ્વિક અનિશ્ચિતતાથી શેરબજારમાં ૧૩૦૦ પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં સાવચેતીનું વલણ...!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને...!!
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત ભારે વધઘટ અને વેચવાલીના દબાણ સાથે જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં સકારાત્મક સંકેતો મળ્યા હોવા છતાં ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી શરૂ થતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.ખાસ કરીને બેન્કિંગ, મેટલ શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી. છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલી મજબૂત તેજી બાદ રોકાણકારોએ ઊંચા ભાવે નફો સુરક્ષિત કરવાનું પસંદ કરતાં બજારનું વલણ નકારાત્મક બન્યું હતું આ સ્થિતિ બજારમાં વ્યાપક વેચવાલીનું દબાણ દર્શાવે છે.
આજના ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છેલ્લા ચાર સપ્તાહની સતત તેજી બાદ ઊંચા સ્તરે થયેલી નફારૂપી વેચવાલી રહ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં અગાઉ નોંધાયેલા નોંધપાત્ર ઉછાળા બાદ રોકાણકારોએ વેચવાલી વધારી હતી. ખાનગી બેન્કોના શેરોમાં આશરે ૧.૯ ટકા અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૨.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેટલ ક્ષેત્રમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. ટાટા સ્ટીલના શેરમાં આશરે ૫.૫ ટકા અને એપીએલ એપોલો ટ્યુબ્સમાં ૧૪.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલ દ્વારા એપીએલ એપોલોમાં ૨૬.૩૮ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ બંને કંપનીઓના શેરોમાં નોંધપાત્ર હલચલ જોવા મળી હતી.
આ ઉપરાંત વૈશ્વિક બજારોની નબળાઈ, અમેરિકન વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારો સાવચેતી તરફ વળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.
અમેરિકન બજારમાં અગાઉના સત્ર દરમિયાન નાસ્ડેક સૂચકાંકમાં ૫.૨૮ ટકા અને એસએન્ડપી ૫૦૦ માં ૩.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને અમેરિકન વ્યાજદર અંગેની ચિંતાઓ મહત્વપૂર્ણ રહી હતી.
ભારતીય શેરબજાર સાથે એશિયાઈ બજારોમાં પણ નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. દક્ષિણ કોરિયાનો કોસ્પી સૂચકાંક એક તબક્કે લગભગ ૫ ટકા તૂટ્યો હતો. ચીન અને હોંગકોંગના બજારોમાં પણ વેચવાલી નોંધાઈ હતી. વૈશ્વિક બજારોમાં જોખમ ઘટાડવાના વલણને કારણે ભારતીય બજારમાં રોકાણકારોની સાવચેતી વધી હતી.
નવેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદી ભારતીય શેરબજારની તેજી પાછળ મહત્વપૂર્ણ પરિબળ રહી હતી. અંદાજે 13 અબજ ડોલરના વિદેશી રોકાણ પ્રવાહે બજારમાં વિશ્વાસ વધાર્યો હતો. જોકે, સતત ચાર સપ્તાહની તેજી બાદ બજારમાં થયેલી વેચવાલી દર્શાવે છે કે મજબૂત મૂડીપ્રવાહ હોવા છતાં ઊંચા સ્તરે નફારૂપી વેચવાલીનું જોખમ યથાવત્ રહે છે.આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં ભાવમાં નબળાઈ ભારતીય મેટલ કંપનીઓ માટે ચિંતાનું કારણ બની હતી. વૈશ્વિક ઔદ્યોગિક માંગ અંગેની અનિશ્ચિતતા અને મજબૂત અમેરિકન ડોલરને કારણે ધાતુઓના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું. તેની અસર સ્થાનિક મેટલ શેરોમાં પણ નોંધાઈ હતી.ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી માટે મહત્વપૂર્ણ રહેશે.
ભાવિ દિશા :-
આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઊંચા વેલ્યુએશન, વૈશ્વિક અનિશ્ચિતતા અને નફારૂપી વેચવાલીને કારણે વધઘટ સાથે નકારાત્મક વલણ જોવા મળી શકે છે. ખાસ કરીને બેન્કિંગ,નાણાકીય સેવાઓ અને મેટલ ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ યથાવત્ રહેવાની શક્યતા છે. અમેરિકાની નાણાકીય નીતિ, વૈશ્વિક ટેક્નોલોજી શેરોની સ્થિતિ, વિદેશી રોકાણકારોની લેવાલી અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની આગામી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.
જો કે, ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ, સ્થાનિક રોકાણકારોની ભાગીદારી અને કંપનીઓની આવકમાં સુધારો બજારને લાંબા ગાળે ટેકો આપી શકે છે. એકંદરે ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા અને ઘટાડાનું જોખમ યથાવત્ રહેવાની શક્યતા છે.
નિખિલ ભટ્ટ
બિઝનેસ એડિટર
ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
99390 80808
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.