રૂપિયો ડોલર સામે 92.91ના સ્તરે: ત્રણ મહિનાની વધઘટ બાદ ફરી મજબૂતી ગુમાવી, આયાત-નિકાસ અને મોંઘવારી પર શું થશે અસર?
વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વિદેશી રોકાણકારોની હિલચાલ વચ્ચે ભારતીય ચલણમાં ભારે ઉતાર-ચઢાવ. આયાતકારો માટે મુશ્કેલી તો નિકાસકારો માટે નવી તકો ઊભી થઈ શકે છે.
ભારતીય રૂપિયામાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયાની નબળાઈએ ભારતીય અર્થતંત્ર માટે અનેક પડકારો ઊભા કર્યા છે. જોકે નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજાર તરફ વધેલો રસ અને રિઝર્વ બેન્કની નીતિઓને કારણે રૂપિયામાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો હતો. 23 નવેમ્બર 2026ના રોજ રૂપિયો પાંચ દિવસની સતત મજબૂતી બાદ ફરી 30 પૈસા ઘટીને ડોલર સામે 92.91ના સ્તરે બંધ રહ્યો હતો.
છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયાની સ્થિતિ કેવી રહી?
ઓગસ્ટ 2026ના અંતે રૂપિયો ડોલર સામે 95.16ના સ્તરે હતો. સપ્ટેમ્બરના અંત સુધીમાં તે વધુ નબળો પડીને 95.83 થયો હતો. આ સમયગાળા દરમિયાન મોંઘા ક્રૂડ ઓઇલ, વૈશ્વિક બોન્ડના વધતા વ્યાજદર અને વિદેશી રોકાણકારોની નબળી ભાગીદારીએ દબાણ ઊભું કર્યું હતું. ઓક્ટોબરમાં રૂપિયાનો સરેરાશ ભાવ 95.51 રહ્યો હતો. નવેમ્બરમાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો અને 21 નવેમ્બરે રૂપિયો 92.67 સુધી મજબૂત થયો હતો. જોકે 23 નવેમ્બરે ફરી ઘટીને 92.91 થયો હતો. આમ છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયાએ નબળાઈ અને મજબૂતી બંનેનો અનુભવ કર્યો છે.
આયાત પર શું થશે અસર?
ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, ઇલેક્ટ્રોનિક્સ, સોના અને ઔદ્યોગિક કાચા માલની આયાત દ્વારા પૂરો કરે છે. ડોલર મોંઘો થાય ત્યારે આયાતકારોએ સમાન માલ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડે છે. તેની સીધી અસર પેટ્રોલિયમ કંપનીઓ, કેમિકલ, પેઇન્ટ, ટાયર, ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર પર પડી શકે છે. જો કંપનીઓ વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખે તો પેટ્રોલ-ડીઝલ, પરિવહન અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે.
નિકાસકારો માટે રૂપિયાની નબળાઈ ફાયદાકારક?
બીજી તરફ રૂપિયો નબળો પડે ત્યારે વિદેશમાં માલ અને સેવાઓ વેચતી કંપનીઓને ડોલરમાં મળતી આવકનું રૂપિયામાં રૂપાંતર કરતાં વધુ રકમ મળી શકે છે. IT સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ નિકાસકારોને તેનો લાભ મળી શકે છે. જોકે આયાતી કાચા માલ પર આધારિત નિકાસકારો માટે આ ફાયદો મર્યાદિત રહી શકે છે.
સામાન્ય લોકો અને ભારતીય અર્થતંત્ર પર અસર
રૂપિયાની નબળાઈથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી, વિદેશ પ્રવાસ, આયાતી મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો મોંઘાં થઈ શકે છે. બીજી તરફ નિકાસમાં વૃદ્ધિ થાય તો સ્થાનિક ઉદ્યોગો માટે ઉત્પાદન અને રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. સતત નબળો રૂપિયો આયાત બિલ વધારીને ચાલુ ખાતાની ખાધ અને મોંઘવારી પર દબાણ ઊભું કરી શકે છે.
ભાવિ દિશા
આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિ, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને RBIના હસ્તક્ષેપ પર રૂપિયાની દિશાનો આધાર રહેશે. નવેમ્બરમાં વિદેશી રોકાણકારોની ખરીદીથી રૂપિયાને ટેકો મળ્યો છે. જો આ પ્રવાહ ચાલુ રહેશે તો રૂપિયાને વધુ મજબૂતી મળી શકે છે. જોકે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊંચા આયાત ખર્ચને કારણે સાવચેતી જરૂરી રહેશે. ભારત માટે માત્ર મજબૂત રૂપિયો જ નહીં પરંતુ સ્થિર ચલણ અને સ્પર્ધાત્મક નિકાસ ક્ષમતા પણ લાંબા ગાળે વધુ મહત્વપૂર્ણ સાબિત થશે.
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
99390 80808
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.