વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા તણાવ અને US ઇન્ફલેશન ડેટાને કારણે સોના અને ચાંદીના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે. એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં સ્થિતિ અને મુખ્ય અર્થતંત્રોના મોંઘવારીના આંકડા બુલિયન માર્કેટને પ્રભાવિત કરશે.
બજારના મુખ્ય પરિબળો :
વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને પશ્ચિમ એશિયામાં વધતા જીઓપોલિટિકલ ટેન્શનને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારો હવે US, જર્મની, જાપાન અને ભારત દ્વારા જાહેર કરવામાં આવનારા ઇન્ફલેશન ડેટા પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, USના નબળા લેબર ડેટા, અમેરિકન ડોલરના નબળા વલણ અને ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ (આશરે ૭૫ ડોલર પ્રતિ બેરલ) પણ કિંમતો પર અસર કરશે. ચીનના આર્થિક ડેટા પણ ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સ માટે મહત્વના સાબિત થશે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ભારતીય બજારમાં સોનાના ભાવમાં અઠવાડિયે અંદાજે ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે રૂપિયા ૧.૫૧ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો છે. ટૂંકા ગાળામાં સોનામાં રૂપિયા ૧.૫૭ લાખ સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. ચાંદીના ભાવમાં પણ અઠવાડિયે અંદાજે ૭ ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂપિયા ૨.૩૧ લાખ પ્રતિ કિલો પર સેટલ થયો છે. ચાંદી માટે રૂપિયા ૨.૮૦ લાખ પ્રતિ કિલોનો લક્ષ્યાંક સાધ્ય થઈ શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના વાયદામાં ૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે ૪,૩૯૯.૭ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે, જ્યારે ચાંદીના વાયદામાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે અને તે ૬૩.૫૦ ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મજબૂત બુલિશ બાયસ જોવા મળી રહ્યો છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. US ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ અને જીઓપોલિટિકલ પરિસ્થિતિઓને કારણે સોના અને ચાંદીના ભાવમાં અચાનક વધઘટ જોવા મળી શકે છે. જોકે, ટૂંકા ગાળા માટે બજારમાં પોઝિટિવ બાયસ જળવાઈ રહેવાની ધારણા છે.






