વર્તમાન કારોબારી સેશનમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે. યુએસ–ઈરાન ટેન્શન, કાચા તેલના ભાવમાં ઉછાળો અને રુપિયામાં ઘટાડાને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ દેખાઈ રહ્યો છે. મેટલ અને પીએસયુ સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ અને રિટેલ રોકાણકારોમાં ગભરાટ જેવી સ્થિતિ નજરે પડી રહી છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે એસઆઈપી ચાલુ રાખવી, થોડીવાર માટે રોકવી કે પછી બહાર નીકળવું?
બજારના મુખ્ય પરિબળો :
યુએસ–ઈરાન ટેન્શનના પગલે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે. પરિણામે કાચા તેલના ભાવમાં ઉછાળો અને રુપિયામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ યથાવત રહી છે, જેના કારણે કેટલીક સેક્ટરો પર દબાણ નોંધાયું છે.
સેન્ટિમેન્ટ આધારિત આ વોલેટિલિટી ટૂંકા ગાળાની હોવાનું નિષ્ણાતો માને છે, કારણ કે અર્થતંત્ર કે કંપનીઓના કમાણી પર હાલ સુધી કોઈ મજબૂત નકારાત્મક અસર દેખાઈ નથી.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ તાજેતરના ઘટાડા દરમિયાન ઘણા ફંડોના એનએવી સપોર્ટ લેવલ નજીક છે, જ્યાંથી રિકવરીની શક્યતા મજબૂત બની રહી છે. વધતી વોલેટિલિટી કારણે બજાર રેન્જ બાઉન્ડ રહે તેવી શક્યતા છે.
એવા સમયમાં એસઆઈપી રોકાણકારો માટે આ ઘટાડો તબક્કાવાર ખરીદી માટે તકરૂપ બની શકે છે, કારણ કે ઓછા એનએવી પર વધુ યુનિટ્સ એકત્ર થઈ શકે છે.
રોકાણ રણનીતિ :
માર્કેટ નિષ્ણાતોનો મત છે કે આ પ્રકારની વોલેટિલિટી વખતે એસઆઈપી રોકી દેવાનો નિર્ણય બેરિશ બાયસ વધારી શકે છે અને લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધતા જોખમ અને ગભરાટ વચ્ચે લેવાયેલાં નિર્ણયો ભાગ્યે જ પ્રોફિટેબલ રહે છે.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી રણનીતિ એસઆઈપી રોકાણકારો માટે યોગ્ય ગણાય છે. જો પોર્ટફોલિયો એસેટ એલોકેશન અસંતુલિત હોય તો મર્યાદિત ફેરફાર શક્ય છે, પરંતુ પેનિક એક્ઝિટ ટાળવી જરૂરી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ તંગદિલી લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ બની શકે છે. રુપિયામાં ઘટાડો અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ દેશના અર્થતંત્રના મૂળભૂત પરિબળો મજબૂત છે.
એસઆઈપી રોકાણકારો માટે સૌથી યોગ્ય અભિગમ ક્વોલિટી ફંડ્સમાં મજબૂત પોઝિશન જાળવી રાખવાનો રહેશે.






