કોટક મહિન્દ્રા બેંકના સીઇઓ આશોક વસવાણીએ જણાવ્યું છે કે એઆઈ આધારિત વધતા સાઇબર જોખમો બેન્કિંગ ક્ષેત્ર માટે ચેતવણીરૂપ બની રહ્યા છે. મશીનની ઝડપે થતા સાઇબર હુમલાઓ સામે રક્ષણ મેળવવા બેંકોને પોતાની ટેક્નોલોજીકલ શક્તિઓ મજબૂત બનાવવાની જરૂર છે. વસવાણીએ ચોથા ત્રિમાસિકના પરિણામ દરમિયાન જણાવ્યું કે સાઇબર જોખમોનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તે બેન્કિંગ સિસ્ટમ માટે સતત પડકારરૂપ બની રહ્યું છે.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ ક્ષેત્રમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. એઆઈ આધારિત ધમકીઓ વધી રહી હોવાથી બેંકોમાં જોખમ સંચાલનમાં દબાણ જોવા મળી રહ્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પણ તમામ બેંકોને સાઇબર સુરક્ષા મજબૂત બનાવવા તથા શંકાસ્પદ ડિજિટલ પ્રવૃત્તિઓની સમયસર જાણ કરવાની સૂચના આપી છે. સરકાર સ્તરે પણ રેગ્યુલેટરી દેખરેખ વધારવાના સંકેત છે.
કંપની વિશે :
કોટક મહિન્દ્રા બેંકે ચોથા ત્રિમાસિકમાં ₹૪,૦૨૭ કરોડનો નફો નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે ૧૩ ટકા ઉછાળો અને ત્રિમાસિક ધોરણે ૧૭ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. લોન વૃદ્ધિ ૧૬ ટકા રહી હતી જ્યારે ડિપોઝિટમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો. પ્રોવિઝનમાં ઘટાડો નોંધાતા એસેટ ક્વોલિટી સ્થિર રહી છે.
નાણાકીય પરિણામો :
બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇનકમમાં ૮ ટકાનો ઉછાળો નોંધાઈ ₹૭,૮૭૬ કરોડ પર પહોંચી છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ૪.૬૭ ટકા નોંધાયો છે. મેનેજમેન્ટનું માનવું છે કે આવનારા ત્રિમાસિકોમાં માર્જિન રેન્જ બાઉન્ડ રહી શકે છે અને મર્યાદિત ઘટાડો શક્ય છે. વિશ્લેષકોના મતે બેંકની રિટેઇલ બિઝનેસ વૃદ્ધિ અને લોન પોર્ટફોલિયો મજબૂત રહેવાની ધારણા છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
બેન્કિંગ શેરોમાં તાજેતરના સેશનમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. રેઝિસ્ટન્સ ઝોન નજીક નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે જ્યારે સપોર્ટ લેવલની આસપાસ ઘટાડે તબક્કાવાર ખરીદી યથાવત રહે છે. સાઇબર જોખમોને લઈને વધતી ચિંતાએ બજારમાં વોલેટિલિટી વધારી છે. ટેકનિકલ ચાર્ટ મુજબ શેરોએ મહત્વના લેવલની આસપાસ સ્થિરતા દર્શાવી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં બેન્કિંગ સેક્ટરમાં સાવચેતી યથાવત રહેશે. એઆઈ આધારિત જોખમો, વ્યાજદરનું વલણ અને વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ બજારની દિશા નક્કી કરશે. લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી બેન્કિંગ શેરોમાં ધીરે ધીરે પોઝિશન જાળવવી ઉચિત ગણાય છે.






