ભારત સરકારે યુરિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે ખેતીમાં એમોનિયાના સીધા ઉપયોગની મંજૂરી આપી છે. જો આ પ્રક્રિયા સફળતાપૂર્વક અમલમાં આવશે, તો ભારત અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પછી ખેતીમાં એમોનિયાનો સીધો ઉપયોગ કરનારો વિશ્વનો ચોથો દેશ બનશે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ એક સૂચના બહાર પાડવામાં આવી છે, જેમાં એન્હાઇડ્રસ એમોનિયાના ઉત્પાદન અને ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. આ એમોનિયામાં ઓછામાં ઓછો ૮૨ ટકા નાઈટ્રોજન હોય છે, જે યુરિયાના પ્રમાણ કરતા ઘણું વધારે છે.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન સમયમાં યુરિયાની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં યુરિયાની ૬૦ ટકાથી વધુ માંગ પહેલેથી જ પૂરી થઈ ગઈ છે. ભારત હાલમાં વાર્ષિક અંદાજે ૧૦૦ લાખ ટન યુરિયા આયાત કરે છે. આયાત પરની આ નિર્ભરતા ઘટાડવા માટે એમોનિયાનો વિકલ્પ એક મજબૂત અને જરૂરી પગલું સાબિત થઈ શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ફર્ટિલાઈઝર સેક્ટરમાં આ નિર્ણયથી નવા રોકાણની શક્યતાઓ વધશે. ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે અંદાજે ₹૧૩,૦૦૦ થી ₹૧૫,૦૦૦ કરોડના રોકાણની જરૂરિયાત છે. NTPC ના R&D વિભાગ NETRA દ્વારા આંધ્રપ્રદેશના પુડિમાડાકામાં ૧૫૦ TPD ગ્રીન યુરિયા પ્લાન્ટ વિકસાવવાની યોજના છે, જે આ ક્ષેત્રમાં ટેકનિકલ સંદર્ભ તરીકે કામ કરશે. આ પ્લાન્ટમાં CO2 ના ઉપયોગ દ્વારા ગ્રીન યુરિયા બનાવવાની પદ્ધતિ અપનાવવામાં આવશે.
ભાવિ દિશા :
આ ટેકનોલોજીનો અમલ કરવો એ એક મોટો પડકાર છે, કારણ કે ખેતરોમાં ગેસનું ઇન્જેક્શન કરવું પડે છે અને ગેસ લીકેજનું જોખમ રહેલું છે. ICAR દ્વારા કરવામાં આવેલા ટ્રાયલ રિપોર્ટ મુજબ, ગ્રીન એમોનિયાના ઉપયોગથી પાકની વૃદ્ધિમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ તેના ઉપયોગની પદ્ધતિમાં વધુ ચોકસાઈ અને સાવચેતી રાખવી અનિવાર્ય છે.







