વર્તમાન કારોબારી સેશનમાં ક્રુડ ઓઈલના વધતા ભાવો અને પશ્ચિમ એશિયાના જીઓપોલિટિકલ તણાવને કારણે બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. SMC Global ના CEO અજય ગાર્ગે જણાવ્યું છે કે જો બ્રેન્ટ ક્રુડ ૧૦૦ ડોલરથી ઉપર લાંબો સમય ટકી રહે, તો ભારતીય કંપનીઓમાં કમાણીમાં ઘટાડાનો ચક્ર શરૂ થવાની શક્યતા વધી શકે છે.
હાલ બજાર મેક્રો રિસ્કના તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને વોલેટિલિટી વધતી જોવા મળી રહી છે.
બજારના મુખ્ય પરિબળો :
૧૦૦ ડોલરથી ઉપરના ક્રુડના ભાવોને કારણે ઈંધણ મોંઘું બનતું જતાં ઈન્ફ્લેશનમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અજય ગાર્ગે કહ્યું છે કે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાં અસ્થિરતા યથાવત હોવાને કારણે સપ્લાયની સ્પષ્ટતા નથી અને બજાર આ અનિશ્ચિતતાને કિંમતોમાં પ્રતિબિંબિત કરી રહ્યું છે.
સરકાર દ્વારા ફોરેક્સ બચાવવા સોનાના ઈમ્પોર્ટમાં મર્યાદિત પગલાં અને વિદેશી ખર્ચ ઘટાડવાના ઈશારાઓ પણ બજારમાં દબાણ વધારી રહ્યા છે. ભારત નેટ ઓઈલ ઈમ્પોર્ટર હોવાથી સતત ઊંચા ક્રુડના ભાવ દેશની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ પર અસરકારક સાબિત થઈ શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ક્રુડના ઊંચા ભાવો એવિએશન, પેઇન્ટ્સ, કેમિકલ્સ અને OMC જેવા સેક્ટરો પર સીધી અસર કરશે, કારણ કે આ ક્ષેત્રોના માર્જિન ઘટી શકે છે. બીજી બાજુ, ફાઈનાન્શિયલ્સ, કેપિટલ ગુડ્સ, ડિફેન્સ, ફાર્મા અને પાવર સેક્ટરમાં મજબૂત માંગને કારણે મર્યાદિત સપોર્ટ યથાવત રહ્યો છે.
દેશીય માંગ હજુ સ્થિર છે અને તાજેતરના ક્વાર્ટરના પરિણામો પરથી એવું જણાઈ આવે છે કે તાત્કાલિક મોટું ધોવાણ જોવા નથી મળતું. જો કે ક્રુડના ભાવ વધારે સમય સુધી ઊંચા રહે તો કંપનીઓની કમાણી પર નકારાત્મક અસર થઈ શકે છે.
રોકાણ રણનીતિ :
આ તબક્કે ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વધુ યોગ્ય ગણાય. ઊંચી વોલેટિલિટી જોતા સાવચેતી સાથે પોઝિશન બનાવવી જરૂરી છે. હાઈ બીટા સેક્ટરોમાં દબાણ યથાવત રહી શકે છે, તેથી કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય રહેશે.
ભાવિ દિશા :
અજય ગાર્ગનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ સ્થિર બને અને ક્રુડના ભાવમાં ઘટાડો થાય, તો બજારમાં ફરી બુલિશ બાયસ જોવામાં આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની GDP ફોરકાસ્ટ ૬.૯% નક્કી કરતી વખતે ક્રુડના ઊંચા ભાવોના પ્રભાવનો સમાવેશ કર્યો છે. જો ક્રુડ ૯૫ ડોલર આસપાસ રહે તો GDP ૬.૭% ની આસપાસ થઈ શકે છે.
હાલ SEBI પાસે અંદાજે ૧.૭૫ લાખ કરોડના IPO પાઈપલાઇનની મંજૂરી છે, જે આવતા દિવસોમાં પ્રાથમિક બજારમાં સકારાત્મક ગતિ લાવી શકે છે. વિદેશી રોકાણકારોનો પ્રવાહ ક્રુડના ભાવ અને રૂપિયાની સ્થિરતા પર નિર્ભર રહેશે.







