વર્તમાન કારોબારી સેશનમાં પેટીએમ સંબંધિત મોટા પાયે હલચલ બજારમાં ચર્ચાનો વિષય બની છે. શરૂઆતના રોકાણકારો દ્વારા લગભગ ૧૧૦ મિલિયન ડોલર જેટલા શેર બ્લોક ડીલ મારફતે વેચવાના સંકેતો મળતાં શેરબજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
માહિતી મુજબ સાઇફ થ્રી મૌરિશિયસ, સાઇફ પાર્ટનર્સ ઇન્ડિયા ફોર અને એલિવેશન કેપિટલ વી મળી કુલ લગભગ ૮.૬ મિલિયન શેર વેચવાના છે, જે પેટીએમની કુલ મૂડીમાં અંદાજે ૧.૩ ટકાનો હિસ્સો બને છે.
બજારના મુખ્ય પરિબળો :
આ બ્લોક ડીલનું ફ્લોર પ્રાઇસ રૂપિયા ૧,૧૨૦.૬૫ નક્કી કરવામાં આવ્યું છે, જે તાજેતરના બીએસઇ ક્લોઝિંગની સરખામણીમાં થોડો ઘટાડો દર્શાવે છે. આ બ્લોક ડીલ સંપૂર્ણપણે સેકન્ડરી છે, એટલે કે આ રકમ કંપનીને નહીં પરંતુ રહેલા રોકાણકારોને જ મળશે.
બ્લોક ડીલ માટેની બુક બિલ્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્રેડ એક્ઝિક્યુશન અને સેટલમેન્ટ આગામી દિવસોમાં પૂર્ણ થવાની છે. વેચનારોએ પોતાની બાકી રહેલી હોલ્ડિંગ પર ૩૦ દિવસનું લોકઅપ પીરિયડ રાખ્યું છે, જે રોકાણકારોની સાવચેતીનું પ્રતિબિંબ છે.
કંપની વિશે :
પેટીએમની પેરેન્ટ કંપની વન ૯૭ કમીનિકેશન્સે આરબીઆઈના તાજેતરનાં પગલાંઓ બાદ પોતાની પેમેન્ટ સર્વિસિસને ધીરે-ધીરે સ્થિર બનાવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપની પ્રોફિટેબિલિટીમાં પરત ફરતાં રોકાણકારોમાં મર્યાદિત વિશ્વાસ દેખાયો છે. એન્ટફિન દ્વારા પહેલેથી પોતાના હિસ્સામાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે છેલ્લા બે વર્ષમાં તેમની હિસ્સેદારી નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ પેટીએમના શેરમાં તાજેતરના ઉછાળાઓ બાદ વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. ફ્લોર પ્રાઇસ નજીક સપોર્ટ લેવલનું પરીક્ષણ થાય તો બજાર રેન્જ બાઉન્ડ હાલતમાં રહી શકે છે. મોટા પાયે બ્લોક ડીલને કારણે ટૂંકા ગાળામાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળવાની શક્યતા છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની વ્યૂહરચના રોકાણકારો માટે યોગ્ય રહેશે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવું આવશ્યક છે કારણ કે બ્લોક ડીલ પૂર્ણ થતી વેળાએ વોલેટિલિટી વધી શકે છે. ક્વોલિટી પોઝિશન ધરાવતા લાંબા ગાળાના રોકાણકારોએ સાવચેતીપૂર્વક હોલ્ડિંગ જાળવવું ઉચિત રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર પેટીએમ સંબંધિત આ ડીલને લઈને મર્યાદિત પ્રતિક્રિયા આપી શકે છે. રોકાણકારો હોલ્ડિંગમાં થતા બદલાવને ધ્યાનમાં રાખી સાવચેતીપૂર્વક આગળ વધે એવી શક્યતા વધી છે.






