વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં સોનાની કિંમતોમાં વોલેટિલિટી યથાવત જોવા મળી છે. મધ્યપૂર્વના તણાવ, તેલના ઉછાળા અને વધતા યુએસ યીલ્ડ્સને કારણે સાવચેતીનો માહોલ સર્જાયો છે.
સ્પોટ બજારમાં સોનાની કિંમત લગભગ ૪૫૨૪ ડોલર નજીક વેપાર કરતી જોવા મળી, જ્યાં દિવસ દરમિયાન નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ગયા સપ્તાહે પણ સોનાએ આશરે ૨ ટકાના ધોવાણ સાથે ક્લોઝિંગ આપ્યું હતું.
બજારના મુખ્ય પરિબળો :
તેલના ભાવમાં તેજી સાથે મધ્યપૂર્વના તણાવ ફરી ઉગ્ર બન્યા છે. યુએઈના ફુજૈરા વિસ્તારમાં મહત્વના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા ડ્રોન હુમલાઓએ ક્રૂડ માર્કેટમાં વોલેટિલિટી વધારી છે. હોર્મુઝ જળમાર્ગમાં ટેન્કરો પર હુમલાના અહેવાલો પણ વધ્યા છે.
યુએસ ડોલર ઈન્ડેક્સ ૯૮.૪૯ સુધી મજબૂત બન્યો છે, જ્યારે યુએસ બે વર્ષ અને દસ વર્ષના યીલ્ડ્સમાં ઉછાળો યથાવત છે. વધતા યીલ્ડ્સ સોનામાં બેરિશ બાયસ જાળવી રાખે છે.
ફેડ દ્વારા વ્યાજદર વધારાની સંભાવના આશરે ૦.૩૩ સુધી પ્રાઈસ થઈ રહી છે, જ્યારે રેટ ઘટાડાની સંભાવના હાલ માટે દૂર રહી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ સોનામાં ૪૫૦૦ ડોલર મહત્વનું સપોર્ટ લેવલ છે. આ લેવલ તૂટે તો આગળનું સપોર્ટ ૪૪૧૦ ડોલર આસપાસ રહેશે, જ્યારે ઈન્ટરિમ સપોર્ટ ૪૪૫૨ પર માનવામાં આવે છે. ઉપરની તરફ ૪૬૦૩, ૪૬૭૦ અને ૪૭૦૫ ડોલર રેઝિસ્ટન્સ ઝોન તરીકે કાર્ય કરી શકે છે.
વોલેટિલિટી વધતા ટૂંકાગાળાના ટ્રેડર્સ માટે સાવચેતી જાળવવી જરૂરી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
કોમોડિટી સેગમેન્ટમાં હાલમાં ક્રૂડ માર્કેટનું પ્રભાવ વધુ છે. તેલના ઉછાળાથી મોંઘવારીના દબાણની ચિંતાઓ વધતાં ઈક્વિટી માર્કેટમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય કિંમતી ધાતુઓમાં પણ મર્યાદિત ધોવાણ નોંધાયું છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી વધુ યોગ્ય બની શકે છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી કરવાની દિશામાં ટ્રેડર્સે વિચારવું જોઈએ. સ્ટોપલોસ કડક રાખવો અનિવાર્ય છે. વોલેટિલિટી વધતાં અનાવશ્યક પેનિક મૂવ્સ ટાળવા સલાહરૂપ છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં યુએસના મહત્વપૂર્ણ આર્થિક ડેટા – ખાસ કરીને નોન ફાર્મ પેરોલ અને JOLTS ડેટા – સોનાની દિશા નક્કી કરશે. જો આ ડેટા મજબૂત આવે તો સોનામાં વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
ફેડની નીતિ દૃષ્ટિ, મધ્યપૂર્વના તણાવ અને તેલના ભાવનું વલણ – આ ત્રણેય પરિબળો મળીને બજારમાં રેન્જ બાઉન્ડ મોમેન્ટમ બનાવી શકે છે.







