વર્તમાન કારોબારી સેશનમાં સોનાચાંદીના ભાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉછાળાની ગતિમાં વિરામ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં સ્પોટ ગોલ્ડમાં આશરે ૨.૫ ટકા ઘટાડો નોંધાતાં સોનામાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહ્યું છે, જ્યારે સ્થાનિક MCX માર્કેટમાં પણ મર્યાદિત ધોવાણ જોવા મળ્યું છે.
સોનામાં વર્ષના શરૂઆતથી નોંધાયેલો ઉછાળો હવે આશરે ૯ ટકા આસપાસ છે, જે માર્કેટમાં સાવચેતીનો માહોલ દર્શાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં વધતા જિઓપોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. પરિણામે વૈશ્વિક સ્તરે મોંઘવારી અંગેની ચિંતા ફરીથી ઊભી થઈ છે. આ પરિસ્થિતિએ બોન્ડ યીલ્ડમાં વધારાનો દબાણ લાવ્યો છે, જે સોનાની માંગને મર્યાદિત કરે છે.
અમેરિકન ઇક્વિટી માર્કેટમાં મજબૂત ક્લોઝિંગ અને ઊંચા સ્તરોને કારણે Safe-haven માંગ ઘટી છે. સાથે જ અમેરિકન રોકાણકારોએ ETF હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે, જેના કારણે મેટલ માર્કેટમાં બેરિશ બાયસ મજબૂત જોવા મળી રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ સ્પોટ ગોલ્ડ માટે ૪૪૦૦ અને ત્યારબાદ ૪૩૦૦ ડોલર મહત્વના સપોર્ટ લેવલ તરીકે ગણાય છે, જ્યારે ઉપરની તરફ ૪૭૫૦ અને ૪૮૫૦ ડોલર રેઝિસ્ટન્સ ઝોન મહત્વ ધરાવે છે.
MCX પર ગોલ્ડ માટે ૧,૪૩,૦૦૦ અને ૧,૪૦,૦૦૦ મજબૂત સપોર્ટ લેવલ છે, જ્યારે ૧,૫૪,૫૦૦ અને ૧,૫૮,૦૦૦ ડોલર વિસ્તાર રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરશે. હાલમાં રેન્જ બાઉન્ડ ચાલ યથાવત રહી શકે છે અને બેરિશ બાયસ થોડો હાવી રહી શકે છે.
સિલ્વર બજારમાં પણ સમાન પ્રવૃત્તિ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ૭૧ અને ૬૮ ડોલર સપોર્ટ છે, જ્યારે ઉપરની તરફ ૭૬ અને ૮૦ ડોલર રેઝિસ્ટન્સ છે. MCX પર સિલ્વર માટે ૨,૨૯,૫૦૦ અને ૨,૨૨,૦૦૦ સપોર્ટ ઝોન મહત્વના માનવામાં આવે છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહી શકે છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી કરનાર રોકાણકારો માટે આ લેવલ્સ મહત્વના ગણાય છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ જાળવવું અત્યંત જરૂરી છે કારણ કે વોલેટિલિટી આગામી દિવસોમાં વધવાની શક્યતા છે.
મધ્યમ ગાળાના દૃષ્ટિકોણથી સોનામાં લાંબા ગાળાની પોઝિશન માટે ક્વોલિટી બુલિયન તરફ ધ્યાન રાખવું યોગ્ય ગણાય છે, કેમ કે લાંબા ગાળાનો વલણ હજુ પણ મજબૂત છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજારમાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહી શકે છે. વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરના મુદ્દે મોટા ફેરફારની શક્યતા ન હોવાથી માર્કેટનું ધ્યાન GDP અને PCE જેવા આર્થિક આંકડાઓ પર કેન્દ્રિત રહેશે.
જો અમેરિકા તરફથી GDP નબળો આવે તો સોનાને મજબૂત સપોર્ટ મળી શકે છે, જ્યારે ક્રૂડમાં વધુ ઉછાળો અથવા બોન્ડ યીલ્ડમાં તેજી આવશે તો દબાણ વધારાય તેવી સંભાવના છે.





