વર્તમાન કારોબારી સેશનમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અંગે બજારમાં ચર્ચા યથાવત રહી છે. ઇનપુટ કૉસ્ટમાં ઉછાળો હોવા છતાં, કંપની મેનેજમેન્ટે સાવચેતીના માહોલ વચ્ચે મજબૂત વલણ દર્શાવ્યું છે.
કંપની વિશે :
અલ્ટ્રાટેક સિમેન્ટે એપ્રિલ મહિનામાં ૨૦૦ એમટિપીએ ક્ષમતા પાર કરી છે, જેના કારણે તે ભારતનું સૌથી મોટું સિંગલ-કન્ટ્રી સિમેન્ટ ઉત્પાદક બની ગયું છે. કંપનીએ ઓર્ગેનિક એક્સપાન્સન, સમયસર એક્વિઝિશન અને કાર્યક્ષમ એક્ઝિક્યુશન દ્વારા આ વૃદ્ધિ હાંસલ કરી છે.
કંપની FY૨૭–૨૮ દરમિયાન વધારાની ૩૭ એમટિપીએ ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે અને આશરે ૮,૦૦૦–૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કેપેક્સ રોકાણ નિર્ધારિત છે. મેનેજમેન્ટનું લક્ષ્ય નેટ ડેટ-ટૂ-EBITDA ગુણોત્તર ૧થી નીચે જાળવવાનું છે.
નાણાકીય પરિણામો :
Q૪FY૨૬ માં અલ્ટ્રાટેકનો EBITDA ૫,૬૦૦ કરોડ સુધી પહોંચ્યો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે અને બજાર અંદાજ કરતાં લગભગ ૬% વધારે રહ્યો. ઈન્ડિયા સિમેન્ટ્સ અને કેસોરમ ઈન્ડસ્ટ્રીઝના ઝડપી ઇન્ટિગ્રેશનથી ઑપરેટિંગ લેવરેજ મજબૂત બન્યો છે. કેસોરમની યુનિટ હવે પ્રતિ ટન આશરે ૧,૦૦૦ રૂપિયાના સ્તરે કાર્યરત છે, જ્યારે ઈન્ડિયા સિમેન્ટ્સનું EBITDA પ્રતિ ટન ૪૯૭ છે અને FY૨૮ અંતે તેને ૧,૦૦૦ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
FY૨૬ દરમિયાન કંપનીનો કુલ વોલ્યુમ ૧૫૪.૩ એમટી રહ્યો હતો, જ્યારે Q૪FY૨૬ માં ૯.૩% ઉછાળો સાથે ૪૪.૭ એમટીનો આઉટપુટ નોંધાયો, જે ઉદ્યોગ સરેરાશ વૃદ્ધિ કરતાં વધુ છે.
બજારના મુખ્ય પરિબળો :
ઇમ્પોર્ટેડ કૉલ, પેટકોક, પેકેજિંગ અને લોજિસ્ટિક્સ કૉસ્ટમાં ઉછાળો નોંધાયો છે. તેમ છતાં મેનેજમેન્ટે આ ખર્ચને Q૧FY૨૭ માટે નિયંત્રિત ગણાવ્યો છે. એપ્રિલમાં થયેલો ભાવ વધારો ટકશે તો EBITDA પર દબાણ મર્યાદિત રહેશે. FY૨૫–૨૬ દરમિયાન કંપનીએ પ્રતિ ટન આશરે ૧૮૫ રૂપિયાની કૉસ્ટ બચત મેળવી હતી અને હવે તે FY૨૮ સુધીમાં ૩૦૦ પ્રતિ ટન બચતનો લક્ષ્ય ધરાવે છે.
ફ્યુઅલ કૉસ્ટ FY૨૭ના બીજા ત્રિમાસિકથી દબાણ બનાવી શકે છે, પરંતુ લાંબા ગાળાની સપ્લાય કોન્ટ્રાક્ટ્સ તથા દેશી કૉલના વધતા ઉપયોગને કારણે, અલ્ટ્રાટેક પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે.
રોકાણ રણનીતિ :
અલ્ટ્રાટેકનો શેર હાલ FY૨૮ના આધારે EV/EBITDA આશરે ૧૬ ગણાંના વ્યાજબી મૂલ્યાંકન પર ટ્રેડ થાય છે, જે અમ્બુજા, ACC અને શ્રી સિમેન્ટની સરખામણીએ થોડી પ્રીમિયમ પોઝિશન દર્શાવે છે. રોકાણકારો માટે ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી સાવચેતીપૂર્ણ રણનીતિ ઉપયોગી બની શકે છે.
ICICI સિક્યોરિટીઝ મુજબ, કૉસ્ટ હેડવિન્ડ્સ અને ઉદ્યોગમાં વધતી સ્પર્ધાને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. FY૨૬–FY૨૮ દરમિયાન આશરે ૧૮૪ એમટિપીએ નવી ક્ષમતા ઉમેરાવાથી સપ્લાય પ્રેશર વધવાની શક્યતા છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં અલ્ટ્રાટેક માટે ભાવમાં વધારો ટકી શકે તો બુલિશ બાયસ જોવા મળી શકે છે, પરંતુ કૉસ્ટ વોલેટિલિટી અને ઉદ્યોગ સ્તરના સ્પર્ધાત્મક દબાણને કારણે શેર રેન્જ બાઉન્ડ રહી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.






