વર્તમાન કારોબારી સેશનમાં બુલિયન માર્કેટમાં ભારે વોલેટિલિટી યથાવત રહી છે. અમેરિકા–ઈરાન વચ્ચે વધતા જીઓપોલિટિકલ તણાવ છતાં સોનાં અને ચાંદીમાં જોવા મળેલો ઘટાડો રોકાણકારોમાં સાવચેતીનો માહોલ બતાવે છે.
ગત એક મહિને સોનાંના ભાવમાં અંદાજે ૧૬% ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં ૨૭% સુધીનું ધોવાણ જોવા મળ્યું છે. બજારમાં આ તેજ ઘટાડાનું મુખ્ય કારણ લિક્વિડિટી દબાણ અને અમેરિકા ફેડરલ રિઝર્વના વ્યાજદર ઘટાડા અંગેના અનિશ્ચિત સંકેતો ગણાવવામાં આવી રહ્યા છે.
બજારના મુખ્ય પરિબળો :
વિશ્લેષકો જણાવે છે કે વૈશ્વિક બજારોમાં આવેલા બ્રેકડાઉન બાદ અનેક રોકાણકારોએ માર્જિન કોલ પૂરી કરવા માટે સોનાં–ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં નફારૂપી વેચવાલી કરી છે. વધુમાં ક્રુડ ઓઈલના ઊંચા ભાવને કારણે અમેરિકા માં મોંઘવારીનો દબાણ યથાવત છે, જેના કારણે ડોલર મજબૂત બન્યો છે. ડોલર મજબૂત બનતા બુલિયન માર્કેટમાં બેરિશ બાયસ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.
૨૦૨૫માં સોનાંમાં ૭૦% અને ચાંદીમાં ૧૫૦% સુધીનો ઉછાળો નોંધાયો હતો. આવા મજબૂત દોડાણ બાદ વર્તમાન ઘટાડો “કૂલિંગ ફેઝ” તરીકે જોવામાં આવી રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ સોનાં અને ચાંદી હાલ લિક્વિડેશન ચક્રમાંથી પસાર થઈ રહ્યા છે. માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા મુજબ ગોલ્ડ–સિલ્વર રેશિયો જાન્યુઆરી ૨૦૨૬માં ૪૨ની આસપાસ હતો, જે પ્રથમ રેલીના અંતને સૂચિત કરે છે. હવે આ રેશિયો ફરી ૮૦ની નજીક પહોંચે ત્યાં સુધી ઘટાડાનું દબાણ યથાવત રહી શકે છે.
ઈતિહાસ મુજબ કિંમતી ધાતુઓમાં આવી થાંભલાવાળી ફેઝ ૬ થી ૬૦ મહિના વચ્ચે રહેતી જોવા મળી છે. છેલ્લે ૧૯૯૮માં આ ચક્ર લગભગ ચાર વર્ષ ચાલ્યું હતું, જ્યારે ૨૦૦૮માં માત્ર નવ મહિના ચાલ્યો હતો.
ભાવિ દિશા :
વૈશ્વિક દેવું, સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી અને ચલણની કમજોરી અંગેની ચિંताओं વચ્ચે સોનાં–ચાંદી માટે લાંબા ગાળે બુલિશ બાયસ યથાવત રહેવાની સંભાવના છે. માર્કેટ વિશ્લેષકો માને છે કે સોનાં આ વર્ષે ૪૦૦૦–૫૬૦૦ ડોલર પ્રતિ ઔંસની રેન્જ બાઉન્ડ ચાલ બતાવી શકે છે, જ્યારે અનુકૂળ પરિસ્થિતિમાં ૬૦૦૦ ડોલર સુધીનો પરીક્ષણ શક્ય છે.
ચાંદી માટે ૯૦ ડોલર ઉપરનું ટકાણ મજબૂત માનવામાં આવી રહ્યું છે અને આવતા તબક્કામાં ૧૨૦ ડોલર સુધીના સ્તર જોવા મળી શકે છે. વર્તમાન કૂલિંગ ફેઝમાં સોનાંનો સપોર્ટ લેવલ ૪૦૦૦ ડોલર અને ચાંદીનો સપોર્ટ લેવલ ૪૦ ડોલર પ્રતિ ઔંસ માનવામાં આવી રહ્યો છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ વધુ યોગ્ય ગણાય છે. વિશ્લેષકો સૂચવે છે કે હાલની પોઝિશન જાળવવી અને ગોલ્ડ–સિલ્વર રેશિયો ૮૦ પાર કરે ત્યારે ફરી તબક્કાવાર ખરીદી પર ધ્યાન આપવું યોગ્ય રહેશે.







