યુકે સરકારે સ્ટીલ આયાત પર કડક નિયંત્રણો અને ઊંચા ટેરિફ લાગુ કર્યા પછી ટાટા સ્ટીલ યુકેના ટર્નઅરાઉન્ડની આશાઓ થોડી મજબૂત થઈ છે. તેમ છતાં વર્તમાન કારોબારી સેશનમાં વિશ્લેષકોનું માનવું છે કે એફવાય૨૬માં બ્રેકઈવન શક્ય નથી અને હવે પુનઃપ્રાપ્તિ એફવાય૨૭ તરફ ખસી રહી છે.
યુકે સરકારના આશરે ૬૦% ક્વોટા ઘટાડા અને ૫૦% ટેરિફ લાગુ થવાથી સ્થાનિક ઉત્પાદકોને ભાવ આધાર મળવાની ધારણા મજબૂત થઈ છે.
બજારના મુખ્ય પરિબળો :
વિશ્લેષકો જણાવે છે કે યુકે માર્કેટમાં નબળા સ્ટીલ ભાવ, ટેરિફ પહેલાંની વધતી આયાત સ્પર્ધા અને સ્થાનિક ઉત્પાદકો પર દબાણ – આ બધું જ ટાટા સ્ટીલ માટે પડકારરૂપ રહ્યું છે. હાલ હોટ-રોલ્ડ કોઇલના ભાવ £૫૦૦–£૫૧૦ પ્રતિ ટનના નજીક છે, જે બ્રેકઈવન માટે જરૂરી ભાવ કરતાં આશરે £૧૦૦ ઓછા છે.
કંપની મેનેજમેન્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે સરકાર તરફથી નીતિ આધાર વગર યુકે ઓપરેશન્સમાં બ્રેકઈવન હાંસલ કરવું મુશ્કેલ રહેશે.
કંપની વિશે :
ટાટા સ્ટીલ યુરોપ બિઝનેસમાં યુકેનો ફાળો નોંધપાત્ર હોવા છતાં સતત ધોવાણ નોંધાયું છે. એફવાય૨૬ના પ્રથમ નવ મહિનામાં કંપનીને ઈબીટીડીએ સ્તરે £૧૭૦ મિલિયનનો ઘટાડો થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો ઘટીને £૬૩ મિલિયન નોંધાયો હતો.
પોર્ટ ટાલ્બોટમાં બ્લાસ્ટ ફર્નેસ બંધ થયા બાદ કંપની હાલમાં સ્ટીલ સબસ્ટ્રેટ આયાત કરીને ડાઉનસ્ટ્રીમ જરૂરિયાતો પૂરી કરી રહી છે. યુકેનો હિસ્સો કંપનીના કુલ વળતરમાં આશરે ૧૦% છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
યુકે સ્ટીલ માર્કેટમાં ભાવ લાંબા સમયથી રેન્જ બાઉન્ડ સ્તરે ચાલી રહ્યા છે, જેના કારણે ટાટા સ્ટીલની પ્રાઈસિંગ પાવર યથાવત નબળી રહી છે. ટેરિફ અને ક્વોટા ઘટાડો અમલમાં આવ્યા બાદ ભાવોમાં મજબૂત ઉછાળો જોવા મળવાની શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
ભાવોમાં સ્પષ્ટ બ્રેકઆઉટ આવ્યા બાદ કંપનીના માર્જિનમાં સુધારાની શક્યતા ઊભી થઈ શકે છે.
રોકાણ રણનીતિ :
ટાટા સ્ટીલ સમૂહ સ્તરે રોકાણકારો માટે સાવચેતી જરૂરી છે. યુકે સેગમેન્ટમાં સુધારાની પ્રક્રિયા ધીમી રહેશે, પરંતુ ભારત વ્યવસાયની મજબૂત સ્થિતિને કારણે લાંબા ગાળાના રોકાણકારો માટે આ ક્વોલિટી કંપની તરીકે યથાવત આકર્ષક માનાય છે.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ જાળવી રાખવી યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં યુકેના ટેરિફ અને ક્વોટા યોગ્ય રીતે અમલમાં આવે તો એફવાય૨૭માં કંપનીનો બ્રેકઈવન લક્ષ્ય વધુ વાસ્તવિક બની શકે છે. હાલ સાવચેતીનો માહોલ યથાવત છે, પરંતુ નીતિ આધાર ટાટા સ્ટીલ યુકેની સ્થિતિ ધીમે ધીમે સુધારી શકે એવી આશા છે.






