Editor's View
શેરબજારમાં મંદીના માહોલ વચ્ચે છેતરામણી તેજીનું પુનરાગમન,રોકાણકારોમાં ઉત્સાહ...!!
રોકાણકાર મિત્રો, આનંદ ને...!!
ભારતીય શેરબજારમાં અગાઉના કારોબારી સત્રમાં નોંધાયેલા ભારે કડાકા બાદ બુધવારે તેજીનું જોરદાર પુનરાગમન જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં નબળાઈ હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને અગ્રણી કંપનીઓના શેરોમાં આક્રમક ખરીદીને પગલે બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો. કારોબાર દરમિયાન એક તબક્કે સેન્સેક્સ 2,062 પોઇન્ટથી વધુ ઊછળ્યો હતો. જોકે, અંતિમ તબક્કામાં નફારૂપી વેચવાલીને કારણે તેજીનું પ્રમાણ થોડું મર્યાદિત બન્યું હતું.કારોબારના અંતે સેન્સેક્સ 1,502.29 પોઇન્ટ એટલે કે 1.82 ટકા વધીને 83,938.28ના સ્તરે બંધ રહ્યો હતો, અગાઉના સત્રમાં નોંધાયેલા ઘટાડાને બજારે લગભગ સંપૂર્ણપણે સરભર કર્યો હતો.
આજની તેજી પાછળ અગાઉના ભારે ઘટાડા બાદ આકર્ષક ભાવે ઉપલબ્ધ થયેલા અગ્રણી શેરોમાં નવેસરથી ખરીદી મહત્વપૂર્ણ પરિબળ બની હતી. વિદેશી રોકાણકારોની સતત લેવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈએ રોકાણકારોની ભાવનાને મજબૂત બનાવી હતી. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરની અગ્રણી કંપનીઓમાં ખરીદી વધતાં મુખ્ય સૂચકાંકોને નોંધપાત્ર ટેકો મળ્યો હતો.
ભારતીય રૂપિયામાં સુધારો અને કંપનીઓની આવકવૃદ્ધિ અંગેની સકારાત્મક અપેક્ષાઓએ પણ રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો હતો. બજારના પ્રારંભિક કારોબારમાં અસ્થિરતા દર્શાવતો ઇન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકાથી વધુ ઘટીને 17.10ના સ્તરે પહોંચ્યો હતો, જે રોકાણકારોમાં ઘટતી ચિંતાનો સંકેત હતો.
આંતરરાષ્ટ્રીય શેરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય બજારનું પ્રદર્શન નોંધપાત્ર રીતે અલગ રહ્યું હતું. દક્ષિણ કોરિયાના કોસ્પી સૂચકાંકમાં 6.16 ટકા, જાપાનના નિક્કીમાં 2.78 ટકા, ચીનના શાંઘાઈ સૂચકાંકમાં 1.87 ટકા અને હોંગકોંગના હેંગસેંગમાં 0.85 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આજના કારોબારમાં મુખ્ય 16 સેક્ટરમાંથી 14 સેક્ટરમાં તેજી નોંધાઈ હતી. એફએમસીજી સેક્ટરનો સૂચકાંક 3.79 ટકા વધીને તેજીમાં અગ્રેસર રહ્યો હતો. ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં 2.2 ટકા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં 1.1 ટકાનો સુધારો નોંધાયો હતો.હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં 6.08 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 4.66 ટકા અને નેસ્લે ઇન્ડિયામાં 4.03 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં પણ ત્રણ ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. એકંદરે મોટી કંપનીઓના શેરોમાં ખરીદીનું પ્રભુત્વ રહ્યું હતું, જ્યારે સ્મોલકેપ શેરોમાં મિશ્રથી નબળું વલણ જોવા મળ્યું હતું.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી ભારતીય શેરબજારની તેજી માટે મહત્વપૂર્ણ આધાર બની રહી છે. 23 નવેમ્બરના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ.5,672.99 કરોડની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.2,760.12 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.રોઇટર્સના અહેવાલ અનુસાર નવેમ્બર મહિનામાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 14.28 અબજ ડોલરનું વિક્રમી રોકાણ કર્યું છે. વિદેશી મૂડીપ્રવાહની સાતત્યપૂર્ણ મજબૂતી બજાર માટે સકારાત્મક સંકેત છે. આજના સત્રના અંતિમ સંસ્થાકીય રોકાણના આંકડા હજી ચકાસવાના બાકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 90થી 91 ડોલરની આસપાસ રહ્યો હતો. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 22.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભાવિ દિશા :-
ભારતીય શેરબજારમાં અગાઉની મંદી બાદ જોવા મળેલા જોરદાર સુધારાથી રોકાણકારોના વિશ્વાસને નવી મજબૂતી મળી છે. વિદેશી મૂડીપ્રવાહ, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ, સ્થાનિક આર્થિક વૃદ્ધિ અને કંપનીઓની નફાકારકતા આગામી સમયગાળામાં બજારને સકારાત્મક દિશા આપી શકે છે. જોકે, વૈશ્વિક વેપાર તણાવ, અમેરિકન વ્યાજદર અને ઊંચા મૂલ્યાંકનને કારણે તેજી સાથે નફારૂપી વેચવાલીનું જોખમ પણ યથાવત્ રહેશે.
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.