Wed, 04 Nov 2026  |  08:55:44 PM
SENSEX77,301.40
▲ 383.55
NIFTY 5023,960.60
▲ 149.75
BANK NIFTY55,913.60
▲ 373.55
INDIA VIX15.19
▼ 0.31
Home› Editor's View› બજારનો કડાકો : અંત કે નવી શરૂઆત...!?
Editor's View

બજારનો કડાકો : અંત કે નવી શરૂઆત...!?

23 September 2026 Nikhil Bhatt 1 view
બજારનો કડાકો : અંત કે નવી શરૂઆત...!?

બજારનો કડાકો : અંત કે નવી શરૂઆત...!?

ઇતિહાસની નજરે ભારતીય શેરબજારની સફર જોઈએ તો...

શેરબજારમાં જ્યારે લાલ રંગ છવાઈ જાય છે અને સૂચકાંકો કડાકા સાથે નીચે પટકાય છે, ત્યારે સામાન્ય રોકાણકારના મનમાં એક જ ભય ઘર કરી જાય છે : "શું આ બજારનો અંત છે... ?"

ઇતિહાસ સાક્ષી છે કે દરેક મોટા ઘટાડા વખતે રોકાણકારોને એવું જ લાગ્યું હતું કે અર્થતંત્ર ક્યારેય બેઠું નહીં થઈ શકે પરંતુ સત્ય એ છે કે ભારતીય શેરબજારનો ઇતિહાસ કટોકટીઓથી નહીં, પણ કટોકટીઓ પછીની ઐતિહાસિક રિકવરીઓથી અને તેજીથી લખાયો છે.

ઇતિહાસના મોટા કડાકા :

ભારતીય શેરબજારે છેલ્લા સાડા ત્રણ દાયકામાં અનેક મોટા આંચકા સહન કર્યા છે :

ભારતીય શેરબજારનો ઇતિહાસ દર્શાવે છે કે સમય-સમય પર આવેલા મોટા આંચકાઓએ બજારના પાયા હચમચાવી દીધા હતા, પરંતુ દરેક ઘટાડો આખરે નવી ઊંચાઈ તરફ દોરી ગયો છે.

વર્ષ 1992 (હર્ષદ મહેતા કૌભાંડ - 53.58% ઘટાડો) :

વર્ષ 1992માં બેન્કિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ ત્યારે લાગતું હતું કે બજાર ખતમ થઈ જશે. બેન્કિંગ ક્ષેત્ર અને શેરબજાર વચ્ચેના ગેરકાયદેસર વ્યવહારો સામે આવતાં બજારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અડધાથી વધુ મૂલ્ય ધોવાઈ ગયું હતું.

વર્ષ 2001 (ડોટ-કોમ બબલ - 39.57% ઘટાડો) :

વૈશ્વિક સ્તરે આઈટી અને ટેકનોલોજી કંપનીઓના અતિશય ઊંચા મૂલ્યાંકનનો પરપોટો ફૂટતાં ભારતીય આઈટી શેરોમાં ભારે વેચવાલી આવી હતી.

વર્ષ 2001 (કેતન પારેખ કૌભાંડ - 38.55% ઘટાડો) :

ટેકનોલોજી શેરોમાં થયેલી હેરાફેરી અને બિનસત્તાવાર ધિરાણના ઘટસ્ફોટને કારણે બજારમાં તરલતા સુકાઈ ગઈ અને સૂચકાંકો ગગડી ગયા.

વર્ષ 2004 (બ્લેક મન્ડે - 29.77% ઘટાડો) :

લોકસભા ચૂંટણીના અણધાર્યા પરિણામો અને આર્થિક સુધારા અટકી જવાની આશંકાએ મે મહિનામાં ઐતિહાસિક સિંગલ-ડે ઘટાડો નોંધાવ્યો હતો.

વર્ષ 2008 (વૈશ્વિક આર્થિક મંદી - 64.55% ઘટાડો) :

વર્ષ 2008માં વૈશ્વિક નાણાકીય માળખું તૂટી પડતાં સેન્સેક્સ 21,000 થી ઘટીને 8,000 ની આસપાસ પહોંચી ગયો હતો કારણ કે અમેરિકાની લેહમેન બ્રધર્સ બેંક તૂટી પડતાં ફેલાયેલી સબપ્રાઇમ કટોકટીએ ભારતીય શેરબજારમાં ઇતિહાસનો સૌથી મોટો કડાકો સર્જ્યો હતો.

વર્ષ 2015 (ચીન માર્કેટ ક્રેશ - 25.00% ઘટાડો) :

ચીની અર્થતંત્રમાં મંદી અને યુઆનના અવમૂલ્યનને કારણે વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારમાં પણ તીવ્ર કરેક્શન જોવા મળ્યું હતું.

વર્ષ 2020 (કોવિડ-19 મહામારી - 39.40% ઘટાડો) :

વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં લૉકડાઉન લાગ્યું ત્યારે અર્થતંત્ર મહિનાઓ સુધી ઠપ્પ હતું છતાં, વૈશ્વિક લોકડાઉન અને આર્થિક ગતિવિધિઓ અચાનક થંભી જવાના કારણે બજારમાં ટૂંકા ગાળામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

વર્ષ 2022 (રશિયા–યુક્રેન યુદ્ધ - 14.49% ઘટાડો) :

ભૌગોલિક-રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ અને વૈશ્વિક ફુગાવાના દબાણ હેઠળ વિદેશી રોકાણકારોએ મોટું વેચાણ કર્યું હતું.

વર્ષ 2026 (મિડલ ઇસ્ટ તણાવ અને ક્રૂડ સંકટ - 15.43% ઘટાડો) :

મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને તેલ પુરવઠામાં અવરોધ ઊભા થવાના ભયથી સ્થાનિક બજારોમાં તીવ્ર અસ્થિરતા અને સુધારો જોવા મળ્યો હતો.

મિત્રો ઉપર ના તમામ ઐતિહાસિક કડાકા બાદ પરિણામ શું આવ્યું...!?

દરેક કડાકા પછી બજારે ન માત્ર રિકવરી સમાન વાપસી કરી, પરંતુ અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવી ઊંચાઈઓ સર કરી. સેન્સેક્સ 100 થી શરૂ થઈને આજે ક્યાં પહોંચ્યો છે તે આ વૃદ્ધિની સાબિતી છે.

આ તમામ તબક્કા દર્શાવે છે કે આર્થિક કટોકટી કે યુદ્ધ જેવા વૈશ્વિક પરિબળો બજારમાં અસ્થિરતા લાવી શકે છે, પરંતુ ગુણવત્તાયુક્ત કંપનીઓમાં લાંબા ગાળાનું શિસ્તબદ્ધ રોકાણ હંમેશા આ કટોકટીઓમાંથી મજબૂત વળતર અપાવે છે.

👉🏼 રોકાણકારો ક્યાં ભૂલ કરે છે... ?

બજાર તૂટે ત્યારે મોટાભાગના રિટેલ રોકાણકારો નુકસાનના ડરથી ગભરાઈને વેચાણ કરે છે જેને મારી ભાષામાં પેનીક સેલિંગ કહેવાય છે

ભાવનાત્મક નિર્ણયો:

લોભ કે લાલચમાં આવીને બજાર ટોચ પર તેજીમાં હિલોળે ચડયું હોય ત્યારે ખરીદી કરવી અને મંદી નાં કડાકા ભડાકામાં ભયના કારણે બજાર તળિયે હોય ત્યારે વેચી દેવું—આ સંપત્તિ ધોવાણનું મુખ્ય કારણ બને છે.

SIP બંધ કરી દેવી :

ઘટાડા વખતે મ્યુચ્યુઅલ ફંડની SIP રોકી દેવી એ સૌથી મોટી ભૂલ છે. ઘટાડામાં સમાન રકમમાં વધુ યૂનિટ્સ ખરીદવાની ઉત્તમ તક મળે છે, જે લાંબા ગાળે જબરદસ્ત કમ્પાઉન્ડિંગ રિટર્ન આપે છે.

ટૂંકા ગાળાનો દ્રષ્ટિકોણ :

શેરબજાર લાંબા ગાળે દેશના આર્થિક વિકાસ (GDP) અને કંપનીઓની નફાકારકતાને અનુસરે છે, રોજબરોજના સમાચારોને નહીં.

👉🏼 ઘટાડાને તકમાં ફેરવવાની 4 સુવર્ણ વ્યૂહરચના :-

મિત્રો, દરેક ઘટાડો કૈંક ને કૈંક શીખવી જાય છે અને આ લેશન એ આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે જો કે અચાનક અને અણધાર્યું વધારે આવેલું અને બુક કરેલું નુકશાન એ ક્યારેય ભુલાય નહીં અને કરેલી ભૂલ ને બીજી વખત દોહરાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જે મારાં અંગત મત મુજબ અહી દર્શાવેલ મહત્વના મુદાઓ રોકાણ પધ્ધતિને તરીકે અપનાવી શકો છો...

1. એસેટ એલોકેશન (સંપત્તિનું સંતુલન)

બધો જ મૂડીભંડોળ એક જ જગ્યાએ ન રોકો. ઇક્વિટી, ડેટ (FD/બોન્ડ્સ), અને ગોલ્ડ વચ્ચે યોગ્ય સંતુલન જાળવો. ઉદાહરણ તરીકે, 60% ઇક્વિટી, 30% ડેટ અને 10% ગોલ્ડનું માળખું બજારના મોટા આંચકા વખતે તમારા પોર્ટફોલિયોનું રક્ષણ કરે છે.

2. કટોકટી ફંડ અલગ રાખો

મિત્રો, તમારા 6 થી 12 મહિનાના ઘરખર્ચ જેટલી રકમ હંમેશા લિક્વિડ અથવા સેવિંગ્સ એકાઉન્ટમાં અનામત રાખો. જ્યારે તમારી પાસે તાત્કાલિક જરૂરિયાત માટે અલગ ફંડ હશે, ત્યારે તમારે શેરબજારના ઘટાડા વખતે નુકસાનમાં શેર વેચવાની ફરજ નહીં પડે.

3. ક્વોલિટી કંપનીઓ પર ફોકસ

ઘટાડાના સમયે મજબૂત ફંડામેન્ટલ્સ, ઓછું દેવું અને ઉત્તમ મેનેજમેન્ટ ધરાવતી બ્લુચિપ કંપનીઓ સસ્તા ભાવે ઉપલબ્ધ થાય છે. "કચરો વેચાઈ જાય ત્યારે સોનું સસ્તું મળે છે"—આ નિયમ યાદ રાખીને ગુણવત્તાયુક્ત વ્યવસાયોમાં રોકાણ વધારવું જોઈએ.

4. ધીરજ અને કમ્પાઉન્ડિંગની શક્તિ

મહાન રોકાણકાર વોરેન બફેટ કહે છે તેમ, "શેરબજાર એ અધીરા લોકો પાસેથી ધીરજવાન લોકો તરફ નાણાં ટ્રાન્સફર કરવાનું સાધન છે."

બજારમાં 'ટાઈમિંગ' (ક્યારે પ્રવેશવું અને ક્યારે નીકળવું) કરતાં બજારમાં વિતાવેલો સમય ('ટાઈમ ઈન ધ માર્કેટ') વધુ મહત્વનો છે.

કડાકા એ શેરબજારની ખામી નથી, પરંતુ તેનો અનિવાર્ય હિસ્સો છે. અસ્થિરતા (Volatility) એ લાંબા ગાળાના ઊંચા વળતર મેળવવા માટે ચૂકવવી પડતી કિંમત છે.

ભારત જેવી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં દરેક સુધારો રોકાણકારો માટે ડિસ્કાઉન્ટ સેલ સમાન સાબિત થયો છે.
ભયભીત થઈને બજાર છોડવાને બદલે શિસ્તબદ્ધ રોકાણ, ધીરજ અને યોગ્ય અભિગમ અપનાવશો તો દરેક કટોકટી સંપત્તિ સર્જન માટે વરદાન સાબિત થશે.

Disclaimer :

Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.

Liked this article? Share it with friends
← All Editor's View articles
Facebook Instagram LinkedIn Mail Telegram YouTube WhatsApp