ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર : રોજગાર, નિકાસ, સરકારી નીતિઓ અને વૈશ્વિક માંગ વચ્ચે ભારતીય કાપડ ઉદ્યોગની નવી દિશા...!!
ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર : રોજગાર, નિકાસ, સરકારી નીતિઓ અને વૈશ્વિક માંગ વચ્ચે ભારતીય કાપડ ઉદ્યોગની નવી દિશા...!!
ભારતીય અર્થતંત્રમાં કાપડ એટલે કે ટેક્સટાઇલ ક્ષેત્રનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્ર માત્ર કપડાં બનાવવાનો ઉદ્યોગ નથી, પરંતુ કપાસની ખેતીથી શરૂ થઈને તંતુ, યાર્ન, વણાટ, રંગકામ, છાપકામ, તૈયાર વસ્ત્રો, ઘરગથ્થુ કાપડ અને તકનીકી કાપડ સુધી ફેલાયેલી વિશાળ આર્થિક સાંકળ છે. તેથી તેનો સીધો સંબંધ ખેતી, રોજગાર, ઉત્પાદન, નિકાસ, નાના-મધ્યમ ઉદ્યોગો અને શેરબજારમાં નોંધાયેલી કંપનીઓ સાથે છે.
સરકારી આંકડા અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની કાપડ, તૈયાર વસ્ત્રો અને હસ્તકલા સહિતની નિકાસ ₹ ૩,૨૫,૩૩૯ કરોડ રહી હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫ની ₹ ૩,૧૯,૫૭૩ કરોડની નિકાસ કરતાં ૧.૮ % વધુ છે આ નિકાસમાં ૧૦૦ થી વધુ દેશોમાં વૃદ્ધિ નોંધાઈ હતી.
શેરબજારમાં ટેક્સટાઇલ ક્ષેત્રનું મહત્વ :-
ભારતીય શેરબજારમાં કાપડ ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની કંપનીઓ જોવા મળે છે. કેટલીક કંપનીઓ યાર્ન અને કાપડ બનાવે છે, કેટલીક તૈયાર વસ્ત્રો તથા ઘરગથ્થુ કાપડમાં કાર્યરત છે, જ્યારે કેટલીક તકનીકી તંતુ, ઔદ્યોગિક કાપડ અથવા પુનઃપ્રક્રિયા ક્ષેત્રે કામ કરે છે.
રોકાણકારોના અભ્યાસ માટે વર્ધમાન ટેક્સટાઇલ્સ, વેલસ્પન લિવિંગ, ટ્રાઇડેન્ટ, કે.પી.આર. મિલ, અરવિંદ, રેમન્ડ લાઇફસ્ટાઇલ, લક્સ ઇન્ડસ્ટ્રીઝ, ગારવેર ટેક્નિકલ ફાઇબર્સ, હિમાતસિંગકા સીડ અને ગણેશા ઇકોસ્ફિયર જેવી કંપનીઓ મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે પરંતુ આ તમામ કંપનીઓનો વ્યવસાય એકસરખો નથી. કોઈ કંપની ઘરગથ્થુ કાપડમાં મજબૂત હોઈ શકે, કોઈ તૈયાર વસ્ત્રોમાં, તો કોઈ યાર્ન અથવા તકનીકી કાપડમાં. તેથી સમગ્ર ક્ષેત્રને એક જ માપદંડથી જોવાને બદલે દરેક કંપનીની નાણાકીય સ્થિતિ અલગથી તપાસવી જરૂરી છે.
નફો, દેવું અને બેલેન્સશીટ :
નફો, દેવું અને બેલેન્સશીટ રોકાણકાર માટે મુખ્ય કસોટી છે કારણ કે ટેક્સટાઇલ કંપનીનો અભ્યાસ કરતી વખતે માત્ર વેચાણ કેટલું વધ્યું તે જોવું પૂરતું નથી. છેલ્લા પાંચ વર્ષમાં વેચાણ, સંચાલન નફો, ચોખ્ખો નફો અને પ્રતિ શેર કમાણી કેવી રીતે બદલાઈ છે તે જોવું વધુ મહત્વપૂર્ણ છે.
કંપનીની બેલેન્સશીટમાં કુલ દેવું, દેવું-મૂડીનું પ્રમાણ, વ્યાજ ખર્ચ અને ચાલુ મૂડીની જરૂરિયાત મહત્વપૂર્ણ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી મશીનરી અને ઉત્પાદન ક્ષમતા માટે મોટું મૂડીરોકાણ કરવું પડતું હોવાથી દેવું હોવું અનિવાર્ય રીતે નકારાત્મક બાબત નથી પરંતુ દેવું વધવાની સાથે નફો અને રોકડ પ્રવાહમાં સુધારો થાય છે કે નહીં તે જોવું જરૂરી છે.
રોકાણકારોએ ROE, ROCE, રોકડ પ્રવાહ, મુક્ત રોકડ પ્રવાહ, ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ અને પ્રમોટર હિસ્સો જેવા માપદંડો પણ ધ્યાનમાં લેવા જોઈએ.
ડિવિડન્ડ અને બોનસનો ઇતિહાસ :-
કંપની દ્વારા આપવામાં આવેલો ડિવિડન્ડ તેના નફાના વિતરણ અને રોકડ સ્થિતિ વિશે ઉપયોગી માહિતી આપી શકે છે. જોકે માત્ર ઊંચો ડિવિડન્ડ જ કંપનીને સારી ગણાવવા માટે પૂરતો નથી.
એ જ રીતે બોનસ શેરનો ઇતિહાસ પણ જોવો જોઈએ. બોનસથી શેરોની સંખ્યા વધે છે, પરંતુ તે પોતે કંપનીમાં નવી સંપત્તિ ઉમેરતું નથી તેથી ડિવિડન્ડ અને બોનસની સાથે કંપનીના નફા, રોકડ પ્રવાહ અને બેલેન્સશીટનો પણ અભ્યાસ કરવો જરૂરી છે.
સરકારની નીતિઓ બની શકે છે મહત્વપૂર્ણ :-
ભારત સરકાર ટેક્સટાઇલ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક, ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (PLI), નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન, સમર્થ, RoSCTL, RoDTEP અને એક્સપોર્ટ પ્રમોશન મિશન જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
PM મિત્ર યોજના હેઠળ દેશના સાત સ્થળોએ સંકલિત ટેક્સટાઇલ પાર્ક વિકસાવવામાં આવી રહ્યા છે. તેમાં ગુજરાતના નવસારીનો પણ સમાવેશ થાય છે. આ યોજનાનો કુલ ખર્ચ ₹ ૪૪૪૫ કરોડ છે અને દરેક પાર્ક પૂર્ણ થયા બાદ આશરે ૩ લાખ સીધી તથા આડકતરી રોજગારી ઊભી થવાની અપેક્ષા છે.
આ પ્રકારના સંકલિત પાર્કથી ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને તૈયાર વસ્ત્રો સુધીની સમગ્ર સાંકળને એક જ માળખામાં વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કપાસ : કાપડ ઉદ્યોગનું મૂળ
ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કપાસ સૌથી મહત્વપૂર્ણ કાચા માલમાંનો એક છે. કપાસના ભાવમાં મોટો ફેરફાર યાર્ન અને કાપડ બનાવતી કંપનીઓના ઉત્પાદન ખર્ચ અને નફાના દરને અસર કરી શકે છે.
આ પરિબળને ધ્યાનમાં રાખીને સરકારે મે ૨૦૨૬ માં *મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે ‘કપાસ કાંતિ’* ને મંજૂરી આપી છે.
વર્ષ ૨૦૨૬ -૨૭ થી વર્ષ ૨૦૩૦-૩૧ સુધીની પાંચ વર્ષની આ યોજનાનો કુલ ખર્ચ ₹ ૫૬૫૯.૨૨ કરોડ છે તેનો હેતુ કપાસની ઉત્પાદકતા, ગુણવત્તા, આધુનિક ખેતી પદ્ધતિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે.
કપાસની ઉપલબ્ધતા અને ગુણવત્તામાં સુધારો થાય તો સમગ્ર કાપડ મૂલ્ય સાંકળને લાંબા ગાળે લાભ મળી શકે છે.
વૈશ્વિક બજાર અને નિકાસની અસર :-
ભારતીય ટેક્સટાઇલ કંપનીઓ માટે અમેરિકા, યુરોપ અને અન્ય વૈશ્વિક બજારોની માંગ અત્યંત મહત્વપૂર્ણ છે. વૈશ્વિક ગ્રાહક ખર્ચમાં વધારો થાય તો નિકાસ ઓર્ડર વધવાની શક્યતા રહે છે, જ્યારે વૈશ્વિક મંદી અથવા ગ્રાહક ખર્ચમાં ઘટાડો ભારતીય નિકાસકારોને અસર કરી શકે છે.
વર્ષ ૨૦૨૫ -૨૬માં ભારતની ટેક્સટાઇલ અને તૈયાર વસ્ત્રોની નિકાસમાં તૈયાર વસ્ત્રોનો ફાળો રૂ ૧,૩૯,૩૫૦ કરોડ, કોટન ટેક્સટાઇલનો રૂ ૧,૦૨,૪૨૭ કરોડ અને કૃત્રિમ તંતુ આધારિત ટેક્સટાઇલનો રૂ ૪૭,૨૫૪ કરોડ રહ્યો હતો.
ચીન પરની વૈશ્વિક નિર્ભરતા ઘટાડવાની પ્રક્રિયા ભારત માટે નવી તકો ઊભી કરી શકે છે. જોકે ભારતને બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન જેવા દેશો સાથે ભાવ, ગુણવત્તા, ઉત્પાદન ઝડપ અને નિકાસ ક્ષમતાની સ્પર્ધાનો સામનો કરવો પડે છે.
નવા ક્ષેત્રોમાં નવી તકો :-
પરંપરાગત કાપડની સાથે તકનીકી કાપડ, કૃત્રિમ તંતુ, ઘરગથ્થુ કાપડ, ઔદ્યોગિક કાપડ, આરોગ્ય ક્ષેત્રના કાપડ, કૃષિમાં ઉપયોગી કાપડ અને પુનઃપ્રક્રિયા આધારિત કાપડ ભવિષ્યમાં મહત્વપૂર્ણ બની શકે છે.
વિશ્વભરમાં પર્યાવરણમૈત્રી ઉત્પાદન અને પુનઃપ્રક્રિયાને વધતું મહત્વ મળી રહ્યું છે. ભારતીય કંપનીઓ જો નવી ટેકનોલોજી, ગુણવત્તા અને ઊંચા મૂલ્યવાળા ઉત્પાદનો તરફ આગળ વધે તો નિકાસ બજારમાં નવી તકો ઊભી થઈ શકે છે.
રોકાણકારોએ ધ્યાનમાં લેવાના 10 મુદ્દા :-
ટેક્સટાઇલ કંપનીમાં રોકાણ અંગે અભ્યાસ કરતી વખતે વેચાણ વૃદ્ધિ, ચોખ્ખો નફો, નફાનો દર, દેવું, વ્યાજ ખર્ચ, રોકડ પ્રવાહ, ROE, ROCE, પ્રમોટર હિસ્સો અને વર્તમાન શેર મૂલ્યાંકન મહત્વપૂર્ણ માપદંડ છે. તે ઉપરાંત કંપનીની નિકાસ પર નિર્ભરતા, કાચા માલના ભાવ, ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ, નવી મૂડીરોકાણ યોજના, ડિવિડન્ડ અને બોનસનો ઇતિહાસ પણ તપાસવો જોઈએ.
ભાવિ દિશા :-
ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર માટે એક તરફ સ્થાનિક વપરાશ, નિકાસ, સરકારી પ્રોત્સાહન, PM મિત્ર પાર્ક, કપાસની ઉત્પાદકતા અને તકનીકી કાપડ જેવી તકો છે, તો બીજી તરફ કાચા માલના ભાવ, વૈશ્વિક માંગ, રૂપિયો-ડોલર વિનિમય દર, વ્યાજ ખર્ચ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જેવા પડકારો પણ છે.
આથી રોકાણકાર માટે માત્ર “ટેક્સટાઇલ ક્ષેત્રમાં વૃદ્ધિની તક છે કે નહીં..?” એ પ્રશ્ન પૂરતો નથી. વાસ્તવિક પ્રશ્ન એ છે કે કંપનીની બેલેન્સશીટ કેટલી મજબૂત છે, નફો કેટલો ટકાઉ છે, દેવું કેટલું નિયંત્રિત છે, રોકડ પ્રવાહ કેવો છે અને વર્તમાન શેરમૂલ્ય કંપનીની નાણાકીય સ્થિતિની સરખામણીમાં યોગ્ય છે કે નહીં.
ટેક્સટાઇલ ક્ષેત્ર ભારતના ઉત્પાદન, રોજગાર અને નિકાસમાં લાંબા ગાળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે પરંતુ રોકાણકારોએ ક્ષેત્રની વૃદ્ધિ સાથે દરેક કંપનીની પોતાની નાણાકીય સ્થિતિ અને જોખમોને અલગથી સમજવા જોઈએ.
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.