નાણાકીય સ્વતંત્રતા : તમે ક્યાં છો, ક્યાં પહોંચવું છે અને કેવી રીતે મેળવવી...!?
આજના આધુનિક અને ઝડપથી બદલાતા યુગમાં 'ફાઇનાન્શિયલ ફ્રીડમ' કે 'નાણાકીય સ્વતંત્રતા' શબ્દ માત્ર એક વૈભવી વિભાવના નથી રહ્યો, પરંતુ દરેક વ્યક્તિ માટે જીવનની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ હોવું કે આલીશાન બંગલો અને ગાડીઓ હોવી એટલે નાણાકીય સ્વતંત્રતા પરંતુ વાસ્તવિકતા અલગ છે.
સાચી નાણાકીય સ્વતંત્રતા એટલે માત્ર પૈસા હોવા નહીં, પરંતુ પૈસાની ચિંતા કર્યા વગર પોતાની મરજી મુજબનું જીવન જીવવાની આઝાદી મેળવવી....!!!
જ્યારે તમારે રોજિંદા જીવનનિર્વાહ માટે નોકરી કે વ્યવસાય પર નિર્ભર ન રહેવું પડે અને તમારા રોકાણમાંથી મળતી 'પેસિવ ઇનકમ' તમારા તમામ ખર્ચાઓ પૂરા કરવા માટે પૂરતી હોય, ત્યારે તમે ખરા અર્થમાં નાણાકીય રીતે સ્વતંત્ર બન્યા ગણાવ.
જો કે, આ સિદ્ધિ મેળવવી એ કોઈ રાતોરાત બનતી ઘટના નથી, પરંતુ તે એક સુઆયોજિત અને શિસ્તબદ્ધ નાણાકીય પ્રક્રિયા અર્થાત આયોજન છે.
આ સફરને સરળતાથી સમજવા માટે તેને ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચી શકાય છે :
૧. તમે અત્યારે આર્થિક ક્યાં સ્થાને છો...!?
વર્તમાન આર્થિક સ્થિતિનું આંકલન વિચારીએ તો કોઈપણ નવી સફર શરૂ કરતાં પહેલાં તમે હાલમાં કયા સ્થાન પર ઊભા છો તે જાણવું સૌથી જરૂરી છે નાણાકીય આયોજનમાં આ તબક્કો સૌથી પાયાનો ગણાય છે :
તમારી નેટવર્થ શોધો :
તમારી પાસે રહેલી તમામ મિલકતો (જેમ કે બેંક બચત, મ્યુચ્યુઅલ ફંડ્સ, શેરબજારમાં રોકાણ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ)માંથી તમારા પર રહેલા તમામ દેવાં જેમ કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડનું દેવું બાદ કરો. આ ગણતરીથી તમને તમારી સાચી નાણાકીય તાકાતનો ખ્યાલ આવશે.
મહિનાના ખર્ચાઓનો ચોક્કસ હિસાબ :
તમારા માસિક ખર્ચાઓને બે ભાગમાં વહેંચો. આવશ્યક ખર્ચ જેમ કે ઘરનું ભાડું /ઇએમઆઇ, કરિયાણું, બાળકોની ફી, મેડિકલ ખર્ચ અને તકનીજી કે બિન-આવશ્યક ખર્ચ (બહાર જમવું, મનોરંજન, મોંઘા ગેજેટ્સ). ક્યાં બિનજરૂરી ખર્ચ ઘટી શકે તેમ છે તેને તુરંત ઓળખો.
ખરાબ દેવામાંથી મુક્તિ :
ક્રેડિટ કાર્ડ કે ઊંચા વ્યાજની પર્સનલ લોન જેવા ખરાબ દેવાને સૌથી પહેલાં ચૂકવીને પૂરા કરવા જોઈએ. દેવું એ નાણાકીય સ્વતંત્રતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે.
૨. તમારે ક્યાં પહોંચવું છે..?
તમે લક્ષ્ય નિર્ધારણ કરો કારણ કે દરેક વ્યક્તિ માટે નાણાકીય સ્વતંત્રતાનું ચિત્ર અલગ હોઈ શકે છે. કોઈને ૪૫ કે ૫૦ વર્ષની ઉંમરે વહેલી નિવૃત્તિ લેવી હોય છે, તો કોઈને પોતાના ક્ષેત્રમાં મુક્તપણે કામ કરવું હોય છે. આ માટે સ્પષ્ટ લક્ષ્ય હોવું ખૂબ જ જરૂરી છે :-
નાણાકીય કોર્પસ (Financial Target) નક્કી કરો :
સામાન્ય નાણાકીય નિયમ (25x Rule) અનુસાર, તમારા વાર્ષિક ખર્ચ કરતા ૨૫ થી ૩૦ ગણી રકમ તમારી પાસે એકઠી થયેલી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારો વાર્ષિક ઘરખર્ચ રૂ. ૬ લાખ હોય, તો નાણાકીય સ્વતંત્રતા માટે તમારી પાસે ઓછામાં ઓછું રૂ. ૧.૫ થી ૧.૮ કરોડનું રોકાણ કોર્પસ હોવું જોઈએ.
મોંઘવારીનો પ્રભાવ ધ્યાને લો :
આજે જે ખર્ચ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ માસ છે, તે આવનારા ૧૦ થી ૧૫ વર્ષમાં ૬% થી ૭% ના મોંઘવારી દરે વધીને રૂ. ૧ લાખથી વધુ થઈ જશે. આથી, તમારું લક્ષ્ય નક્કી કરતી વખતે ભવિષ્યની મોંઘવારીને ગણતરીમાં લેવી અત્યંત આવશ્યક છે.
૩. ત્યાં સુધી કેવી રીતે પહોંચવું...!?
વ્યવહારુ એક્શન પ્લાન તરીકે જોઈએ તો લક્ષ્ય નક્કી થયા પછી ત્યાં સુધી પહોંચવા માટે મજબૂત અને શિસ્તબદ્ધ યોજના બનાવવી પડે છે :
ઇમરજન્સી ફંડ ઊભું કરો : કોઈપણ પ્રકારનું રોકાણ શરૂ કરતાં પહેલાં, તમારા ૬ થી ૧૨ મહિનાના ઘરખર્ચ જેટલી રકમ બેંક એફડી કે લિક્વિડ ફંડમાં સુરક્ષિત રાખો. નોકરી જતી રહે કે અચાનક મોટી મેડિકલ ઈમરજન્સી આવે ત્યારે આ ફંડ તમને રક્ષણ આપશે અને તમારા મુખ્ય રોકાણને અટકાવવું નહીં પડે.
પરિવારનું નાણાકીય કવચ :
કમાનાર વ્યક્તિ પાસે તેના વાર્ષિક આવકના ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ ગણું કવરેજ આપતો 'ટર્મ ઇન્શ્યોરન્સ' અને પરિવાર માટે પૂરતો 'હેલ્થ ઇન્શ્યોરન્સ' હોવો જ જોઈએ. આ વીમો અણધાર્યા આઘાત સમયે તમારી બચતને ધોવાઈ જતાં બચાવે છે.
ચક્રવૃદ્ધિ વ્યાજ (Power of Compounding)નો લાભ લો :
રોકાણની સફરમાં જેટલા વહેલા શરૂ કરશો, એટલો વધારે લાભ મળશે. માસિક એસઆઇપી (SIP) દ્વારા સિસ્ટમેટિક રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફંડામેન્ટલી મજબૂત શેરોમાં લાંબા ગાળા માટે રોકાણ કરો. શેરબજાર લાંબા ગાળે મોંઘવારીને માત આપતું શ્રેષ્ઠ વળતર આપવા માટે સક્ષમ છે.
એસેટ એલોકેશન અને પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન :
તમારા બધા નાણાં એક જ જગ્યાએ રોકવાને બદલે ઇક્વિટી, ડેટ (Fixed Income), ગોલ્ડ અને રિયલ એસ્ટેટ જેવા અલગ-અલગ એસેટ ક્લાસમાં યોગ્ય પ્રમાણમાં વહેંચો આથી બજારની અસ્થિરતા સમયે તમારા પોર્ટફોલિયોમાં જોખમ ઘટે છે.
પેસિવ ઇનકમ સ્ત્રોતો ઊભા કરવા :
માત્ર એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર રહેવાને બદલે ડિવિડન્ડ આપતા શેરો, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટમાંથી ભાડું કે અન્ય બિઝનેસ દ્વારા વધારાની આવક ઊભી કરવાનો પ્રયાસ કરો.
નિષ્કર્ષ :-:
નાણાકીય સ્વતંત્રતા એ માત્ર એક સપનું નથી, પરંતુ યોગ્ય આયોજન અને નિયમિતતા દ્વારા પ્રાપ્ત કરી શકાય તેવું વાસ્તવિક લક્ષ્ય છે. આ રસ્તા પર ધૈર્ય, શિસ્ત અને સતત શીખતા રહેવાની વૃત્તિ અત્યંત જરૂરી છે. આજે જ તમારી વર્તમાન નાણાકીય સ્થિતિની સમીક્ષા કરો, બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકો, યોગ્ય રોકાણ વ્યૂહરચના બનાવો અને નાણાકીય સ્વતંત્રતા તરફ તમારું પ્રથમ શિસ્તબદ્ધ પગલું ભરો
👉🏽 Feel free to invite other investors who would benefit...!!!
Nikhil Bhatt
Business Editor
Investment Point
www.nikhilbhatt.in
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.