વર્તમાન કારોબારી સેશનમાં ઓએનજીસી તરફથી મહત્વપૂર્ણ કરારની જાહેરાત બાદ એનર્જી સેક્ટરમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. કંપનીએ પશ્ચિમ ઓફશોર ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવા માટે બીપી એક્સપ્લોરેશન સર્વિસીઝ ઈન્ડિયા (BPXS) ને ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડર તરીકે પસંદ કર્યું છે. આ કરાર મુંબઈ હાઈ ક્ષેત્ર સિવાયના તમામ પશ્ચિમ ઓફશોર બ્લોક્સ માટે લાગુ રહેશે.
કંપની વિશે :
ઓએનજીસી અનુસાર BPXS આગામી ૧૦ વર્ષ દરમિયાન ક્રૂડ ઓઈલમાં આશરે ૧૦.૮ ટકા અને ગેસ ઉત્પાદનામાં ૩૧.૫ ટકા સુધીના ઉછાળાની સંભાવના દર્શાવી રહ્યું છે. ક્રૂડનું બેઝલાઈન ઉત્પાદન ૪૬.૨૫ એમટીમાંથી વધીને ૫૧.૨૬ એમટી અને ગેસનું ઉત્પાદન ૮૨.૬૮ બીસીએમમાંથી ૧૦૮.૬૯ બીસીએમ સુધી પહોંચી શકે છે. કંપની મુજબ કુલ મિલ્કત આધારિત ઉછાળો આશરે ૨૪.૧ ટકા સુધી નોંધાઈ શકે છે.
આ પ્રોજેક્ટનું પ્રથમ પરિણામ વીત્તીય વર્ષ ૨૭થી દેખાવા લાગશે અને વીત્તીય વર્ષ ૩૦થી પૂર્ણ વોલ્યુમમાં અસર દેખાવાની શક્યતા છે. શરૂઆતના બે વર્ષ માટે BPXSને નિશ્ચિત ફી મળશે જ્યારે પછીના વર્ષોમાં વધારાના ઉત્પાદનમાંથી આવકના નિશ્ચિત હિસ્સા પર આધારિત સર્વિસ ફી મોડલ લાગુ રહેશે.
બજારના મુખ્ય પરિબળો :
ઓએનજીસી દ્વારા પશ્ચિમ ઓફશોર ક્ષેત્રોના પુનર્જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું એનર્જી સેક્ટર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે. પહેલાંથી જ મુંબઈ હાઈ પ્રોજેક્ટ માટે BPXA સાથેનો કરાર ચાલી રહ્યો છે, જ્યાં છેલ્લા કેટલાક મહિનામાં ઉત્પાદનનો ઘટાડો નિયંત્રિત થતો જોવા મળ્યો છે. વેલ મેનેજમેન્ટ, રિઝર્વોઈર મોનિટરિંગ અને ઓપરેશનલ સુધારણા જેવા પગલાઓને કારણે કુલ કામગીરીમાં મર્યાદિત સુધારો નોંધાયો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ એનર્જી સેક્ટરમાં પસંદગીયુક્ત વોલેટિલિટી યથાવત રહી શકે છે. ઓએનજીસી માટે સપોર્ટ લેવલ જાળવવું મહત્વપૂર્ણ રહેશે, જ્યારે ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન પાર કરવા માટે મજબૂત ક્લોઝિંગ આવશ્યક રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો રૂખ યથાવત રહેવાની શક્યતા છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ઓએનજીસી તરફથી આ કરારનું અમલીકરણ એનર્જી સેક્ટર માટે લાંબા ગાળે મહત્વપૂર્ણ બની શકે છે. પશ્ચિમ ઓફશોર ક્ષેત્રોમાં ૭૨.૬૨ એમએમટીઓઈ ક્ષમતા ધરાવતા બ્લોક્સમાંથી ઉત્પાદન વધે તો કંપનીના દીર્ધગાળાના પોઝિશનમાં મજબૂત અસર થઈ શકે છે. બજારમાં રેન્જ બાઉન્ડ વલણ વચ્ચે એનર્જી શેરોમાં પસંદગીયુક્ત ઉછાળો રહેવાની શક્યતા છે.







