વર્તમાન કારોબારી સેશનમાં ઈંધણના ભાવમાં થયેલા સતત ઉછાળાએ દેશમાં પરિવહન ખર્ચ, સપ્લાઈ ચેઈન અને ઘરેલુ બજેટ પર સ્પષ્ટ દબાણ ઊભું કર્યું છે. છેલ્લા દસ દિવસમાં ચાર વખત થયેલા વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કુલ અંદાજે સાત રૂપિયાનું વધારું નોંધાયું છે, જેના પરિણામે સામાન્ય પરિવહનથી લઈને જરૂરી વપરાશ ચીજોની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.
મધ્ય પૂર્વમાં યથાવત તણાવ અને ક્રૂડ સપ્લાય પર દબાણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં આવેલ ઉછાળો સ્થાનિક રિટેલ ભાવમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આશરે ચાર વર્ષ સુધી ભાવ યથાવત રહે્યા બાદ થયેલો આ તેજ ઉછાળો બજારમાં સાવચેતીનો માહોલ ઊભો કરી રહ્યો છે.
બજારના મુખ્ય પરિબળો :
ઈંધણ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર માટેનું સૌથી મહત્વનું ઘટક છે, જેના કારણે ટ્રક ઓપરેટરો અને લોજિસ્ટિક્સ કંપનીઓના કુલ ઓપરેશનલ ખર્ચમાં સીધી અસર થઈ રહી છે. પરિવહન ક્ષેત્રમાં વોલેટિલિટી વધતા ફ્રેટ ચાર્જિસમાં પસંદગીયુક્ત વધારો નોંધાયો છે, જેનાથી જરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીમાં વધારો દેખાઈ રહ્યો છે. ઘણાં વિસ્તારોમાં કામગીરી અંશતઃ ઠપ થાય તેવી પરિસ્થિતિ સર્જાતા દૈનિક નુકસાનમાં વધારો થઈ રહ્યો છે.
સપ્લાઈ ચેઈનમાં ધીમી ગતિ સર્જાતા ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ અને આયાત-નિર્યાત ક્ષેત્રોમાં દબાણ વધી રહ્યું છે. સમયસર ડિલિવરીમાં વિલંબનો અસરકારક ફાળો કંપનીઓના ખર્ચ પર પડી રહ્યો છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
FMCG કંપનીઓ માટે ફ્રેટ અને ઇનપુટ કોસ્ટમાં વધેલો દબાણ મોટો પડકાર છે. નેશનલ અને રિજનલ પ્લેયર્સે છેલ્લા મહિનાઓમાં ૨થી ૫ ટકા સુધીના મર્યાદિત ભાવવધારા કર્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આગામી દિવસોમાં પસંદગીયુક્ત ભાવવધારા અથવા ગ્રામેજ ઘટાડાની વ્યૂહરચના અપનાવવાની શક્યતા છે. ઈંધણ મોંઘું બનતા ગ્રામીણ બજારોમાં વપરાશ પર દબાણ વધતું જઈ શકે છે.
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે IOC, HPCL અને BPCLના શેરોમાં ઈંધણ ભાવવધારા પછી મર્યાદિત ઉછાળો નોંધાયો છે. ક્રૂડના તાજેતરના સ્થિર ભાવને કારણે ટૂંકા ગાળાની રાહત જણાઈ છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સંબંધિત શેરોમાં વોલેટિલિટી યથાવત છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે બજારમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ ચાલુ છે. હાલ કન્ઝ્યુમર અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં કોઈ મજબૂત બ્રેકઆઉટ જોવા મળતો નથી, જ્યારે વધેલા ખર્ચને કારણે કેટલાક મિડકેપ સ્ટોક્સમાં ધોવાણ નોંધાઈ રહ્યું છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ઈંધણના ભાવ મધ્ય પૂર્વની સ્થિતિ અને વૈશ્વિક ક્રૂડના સ્તર પર નિર્ભર રહેશે. જો ક્રૂડ ૯૦ ડોલરથી ઉપર ટકશે તો મોંઘવારીનો દબાણ યથાવત રહેવાની શક્યતા છે. સરકાર માટે ઈંધણ ખર્ચ અને આવક વચ્ચેનું સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે.
પરિવહન ખર્ચ વધતા ફૂડ બાસ્કેટ અને જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મર્યાદિત વધારો યથાવત રહી શકે છે, જ્યારે FMCG કંપનીઓ અને સપ્લાઈ ચેઈન ક્ષેત્રમાં દબાણ ચાલુ રહેવાની સંભાવના છે.






