રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારે મંદી તરફી માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા, અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલીના કારણે બજાર શરૂઆતથી જ ભારે દબાણ હેઠળ રહ્યું હતું. દિવસ દરમિયાન થોડાક સમય માટે નીચલા સ્તરે ખરીદીના કારણે સુધારાના પ્રયાસો થયા હતા, પરંતુ ઉપરના સ્તરે સતત નફાવસૂલીના દબાણને કારણે બજાર ફરી નબળાઈ તરફ વળી ગયું હતું.
બેંકિંગ, માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળતાં મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વ્યાપક ઘટાડો નોંધાતા સમગ્ર બજારનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા પસંદગીયુક્ત ખરીદીના કારણે બજારમાં સંપૂર્ણ ભંગાણ આવ્યું નહોતું, છતાં બજારનું ટેકનિકલ માળખું હજુ પણ મંદી તરફી જ જોવા મળી રહ્યું છે.
અમેરિકા – ઈરાન તણાવની સીધી અસર :- મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાએ વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારે અસ્થિરતા ઊભી કરી છે. આ પરિસ્થિતિની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ બજાર ખુલતાં પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સમાં આશરે ૪૩૦ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૬૧ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. ટ્રેડિંગ શરૂ થયા બાદ વેચવાલીનું દબાણ વધુ વધી જતા સેન્સેક્સ લગભગ ૮૯૯ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ ૨૬૦થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.રોકાણકારોમાં વધતી ભયની લાગણીને કારણે જોખમવાળા એસેટ્સમાંથી નાણાં બહાર નીકળી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરીકે સોના તથા ડોલર તરફ વલણ વધી રહ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટી પર દબાણ :- વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયામાં થયેલા ઐતિહાસિક ધોવાણના કારણે ભારતીય શેરબજારમાં ભારે દબાણ જોવા મળ્યું હતું.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી વચ્ચે સતત નબળાઈ દર્શાવતો રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ રેડ ઝોનમાં ટ્રેડ થતો રહ્યો હતો. બેન્કિંગ, આઈટી અને મેટલ શેરોમાં ભારે વેચવાલીથી ઇન્ડેક્સ પર વધુ દબાણ વધ્યું હતું.ટેકનિકલ ચાર્ટ પર મહત્વપૂર્ણ આધાર સ્તરોની નજીક બજાર ટ્રેડ થતું હોવાથી રોકાણકારોમાં વધુ સાવચેતી જોવા મળી રહી છે.
રૂપિયો ઓલ-ટાઈમ લો સપાટીએ :- ભારતીય ચલણ રૂપિયામાં આજે ઐતિહાસિક નબળાઈ નોંધાઈ હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો ૯૬.૧૯ની ઓલ-ટાઈમ લો સપાટીએ પહોંચી ગયો હતો, જે બજાર માટે વધારાની ચિંતાનું કારણ બન્યું છે.ડોલર મજબૂત બનતા અને વિદેશી મૂડી બહાર જતા ભારતીય કરન્સી પર ભારે દબાણ આવ્યું હતું. રૂપિયાની નબળાઈના કારણે ભારત માટે આયાત થતી વસ્તુઓ, ખાસ કરીને ક્રૂડ ઓઈલ વધુ મોંઘું બનશે, જેના કારણે આગામી સમયમાં મોંઘવારીમાં વધારો થવાની સંભાવના વધી રહી છે.આર્થિક નિષ્ણાતોના મતે, જો રૂપિયામાં નબળાઈ યથાવત રહેશે તો આયાત આધારિત ઉદ્યોગો અને ઓટો, પેઇન્ટ, કેમિકલ તથા એવિએશન જેવા સેક્ટરો પર વધુ દબાણ આવી શકે છે.
મોંઘવારી અને આર્થિક દબાણ :- ક્રૂડ ઓઈલના વધતા ભાવો ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની રહ્યા છે. મિડલ ઈસ્ટમાં વધતી અનિશ્ચિતતા અને હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે પુરવઠા અંગેની ચિંતાએ વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા વધારી છે.ભારત સરકાર દ્વારા આરંભિક મહિનાઓમાં ક્રૂડ ઓઈલ પુરવઠો સુનિશ્ચિત રાખવાના પ્રયાસો થયા હતા, પરંતુ હાલ વૈશ્વિક સપ્લાય ચેઇન પર ફરી દબાણ ઊભું થઈ રહ્યું છે. જો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ વધુ લાંબા સમય સુધી રહેશે તો વૈશ્વિક સ્તરે ક્રૂડ પુરવઠો અસરગ્રસ્ત થઈ શકે છે.આ પરિસ્થિતિ ભારત માટે મોંઘવારી, આયાત ખર્ચ અને રાજકોષીય દબાણ વધારવાનું કારણ બની શકે છે.
વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં આજે નબળું અને અસ્થિર વલણ જોવા મળ્યું હતું. અમેરિકન શેરબજારમાં અગાઉના સેશન દરમિયાન રોકાણકારો દ્વારા નફાવસૂલી જોવા મળતાં તેની સીધી અસર એશિયન બજારો પર પણ પડી હતી. અમેરિકન ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં વધારાએ વૈશ્વિક ઇક્વિટી બજારોમાં ચિંતા વધારી હતી, જ્યારે ડોલર સૂચકાંક મજબૂત બનતા ઉદયમાન બજારોમાંથી નાણાંની બહારગમતી વધી હતી. મિડલ ઈસ્ટમાં વધતી ભૂરાજકીય તંગદિલી અને હોર્મુઝ સ્ટ્રેટ અંગેની અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોમાં જોખમ ઘટાડવાનો માહોલ ઊભો કર્યો હતો. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વૈશ્વિક મોંઘવારી અંગેની ચિંતા વધારતા રહ્યા હતા, જેના કારણે ભારત જેવા આયાત આધારિત દેશો માટે આર્થિક દબાણ વધવાની શક્યતા મજબૂત બની હતી. બીજી તરફ, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં વધારો નોંધાતા કિંમતી ધાતુઓના ભાવોમાં મજબૂતી જોવા મળી હતી. ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના પરિણામો અંગે હજુ સ્પષ્ટતા સામે આવી નથી, જ્યારે ઈરાન મુદ્દે ચીનની ભૂમિકા અને અમેરિકાનું આગામી વલણ વૈશ્વિક બજારો માટે આગામી દિવસોમાં મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.
કોમોડિટી મૂવમેન્ટ :- અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના ભણકારા તથા વૈશ્વિક શેરબજારોમાં આવેલા ભારે ઘટાડાની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી હતી.મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવોમાં ભારે અસ્થિરતા નોંધાઈ હતી. શરૂઆતના સત્રમાં ચાંદીના ભાવમાં આશરે ₹૬૯૦૦થી વધુનો મોટો ઘટાડો નોંધાયો હતો, પરંતુ બાદમાં વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણની માંગ વધતા નીચલા સ્તરેથી જોરદાર રિકવરી જોવા મળી હતી.જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે રાજદ્વારી તણાવ વધે છે ત્યારે રોકાણકારો શેરબજારમાંથી નાણાં બહાર કાઢીને સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ વધારતા હોય છે.હોર્મુઝ સ્ટ્રેટ અંગેની અનિશ્ચિતતા અને વૈશ્વિક બજારોમાં વધતી વોલેટિલિટી વચ્ચે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓમાં વધુ તેજી જોવા મળવાની શક્યતા મજબૂત બની રહી છે.
ભાવિ દિશા અને બજારનો અંદાજ :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા અને મંદીનું દબાણ યથાવત રહેવાની શક્યતા છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો તૂટે તો બજારમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ હજુ પણ મજબૂત રહેવાની શક્યતા છે.વિદેશી રોકાણકારોની ગતિવિધિ, ક્રૂડ ઓઈલના ભાવ, ડોલર-રૂપિયાની ચાલ અને મિડલ ઈસ્ટની ભૂરાજકીય સ્થિતિ બજારની આગામી દિશા નક્કી કરશે.જો વિદેશી રોકાણકારોની વેચવાલીમાં ઘટાડો થશે અને વૈશ્વિક સ્તરે તણાવમાં રાહત મળશે તો ભારતીય બજારમાં સ્થિરતા પાછી ફરી શકે છે.ટૂંકા ગાળામાં રોકાણકારો માટે પસંદગીયુક્ત અને રક્ષણાત્મક અભિગમ વધુ યોગ્ય રહેશે. એફએમસીજી, ફાર્મા અને દૈનિક વપરાશ આધારિત સેક્ટરો તુલનાત્મક રીતે વધુ સ્થિર દેખાઈ શકે છે, જ્યારે ઊંચી વોલેટિલિટી ધરાવતા સેક્ટરોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






