HomeBusiness News - Rightહોર્મુઝ બ્લોકેડ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં ઉછાળો અને મહંગાઈની ચિંતા વધતી જાય...

હોર્મુઝ બ્લોકેડ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં ઉછાળો અને મહંગાઈની ચિંતા વધતી જાય છે…!!!

વૈશ્વિક બજારમાં હોર્મુઝ સ્ટ્રેટ પર લાગેલા બ્લોકેડ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ બંનેમાં આશરે ૬ થી ૮ ટકાનો ઉછાળો આવી ૧૦૦ ડોલરથી ઉપરના સ્તરે વેપાર થતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિએ એશિયન બજારોમાં વોલેટિલિટી વધારી છે અને જાપાન તથા દક્ષિણ કોરિયાના શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો છે.

બેન્કિંગ માર્કેટ નિષ્ણાત અજય બગ્ગાના જણાવ્યા મુજબ, આ બ્લોકેડને કારણે ઈરાન માટેનો ટ્રેડ રૂટ ભારે અસરગ્રસ્ત થઈ શકે છે, જે વૈશ્વિક સપ્લાય ચેઇન માટે જોખમરૂપ છે.

બજારના મુખ્ય પરિબળો :

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે વિશ્વના આશરે ૨૦ ટકાની ક્રૂડ ઓઈલ હિલચાલ થાય છે. બ્લોકેડ બાદ સપ્લાયમાં ઘટાડો અને કિંમતોમાં ઉછાળો બંને યથાવત છે. નિષ્ણાતોનું માનવું છે કે ૧૨૦ થી ૧૪૦ ડોલર પ્રતિ બેરલની રેન્જ આવનારા દિવસોમાં યથાવત રહી શકે છે.

અમેરિકાની વધતી મિલિટરી પ્રવૃત્તિઓ અને ઈરાનની સંભાવિત પ્રતિક્રિયાઓને કારણે બજારમાં સાવચેતીનો માહોલ છે. આ પરિબળો વૈશ્વિક મહંગાઈ વધારશે અને આર્થિક વૃદ્ધિને ધીમી કરી શકે છે.

ભારત પર સીધો પ્રભાવ :

ભારતનું ઊર્જા બાસ્કેટ મોટાભાગે આયાત આધારિત હોવાથી ક્રૂડના વધેલા ભાવનો સીધો આંચકો દેશની અર્થવ્યવસ્થાને પડી શકે છે. ગયા વર્ષે આશરે ૧૫૦ બિલિયન ડોલરનો ઊર્જા આયાત ખર્ચ હવે ૨૨૫ થી ૨૫૦ બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આશરે ૨૦ ટકાનો નોન-ઓઈલ એક્સપોર્ટ રેડ સી અને ગલ્ફ ઓફ ઓમાન રૂટમાં વિક્ષેપને કારણે ધીમો પડ્યો છે.

ગલ્ફ વિસ્તારમાં રહેનારા ભારતીયોમાંથી આશરે નવ લાખ લોકો પરત ફર્યા છે, જે રેમિટન્સ અને રોજગારી બંને ક્ષેત્રે દબાણ ઊભું કરે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઊર્જા આધારિત ઉદ્યોગોમાં ખર્ચ વધવાના સંકેતો છે. પેટ્રોકેમિકલ, એવિએશન અને શિપિંગ સેક્ટરમાં વધેલું દબાણ યથાવત રહેશે. રિફાઇનરી અને ઓઈલ પ્રોડ્યુસિંગ કંપનીઓમાં મર્યાદિત પોઝિટિવ પ્રવૃતિ જોવા મળી રહી છે, પરંતુ વોલેટિલિટી ઊંચી રહેવાની શક્યતા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ક્રૂડ ઓઈલ ચાર્ટ મુજબ ઉપરના રેઝિસ્ટન્સ ઝોન પર બ્રેકઆઉટ નોંધાયો છે. જો વૈશ્વિક પરિસ્થિતિ યથાવત રહે તો તેમાં વધુ ઉછાળો થવાની શક્યતા છે. બીજી તરફ, જો કોઈ સકારાત્મક સમાચાર આવે તો મર્યાદિત ઘટાડો જોવા મળી શકે છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ યોગ્ય રહેશે. વધતી વોલેટિલિટી વચ્ચે સ્ટોપલોસ ફરજિયાત રાખવો જરૂરી છે. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સાવચેતી જરૂરી છે કારણ કે બજાર ઝડપી દિશા બદલી રહ્યું છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ થી બેરિશ બાયસ વચ્ચે રહી શકે છે. વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિ અને સમાચાર બજારની દિશા નક્કી કરશે. લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી શેરોમાં પોઝિશન જાળવી રાખવી વધુ યોગ્ય રહેશે.

Spread the love

Most Popular