વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇરાન દ્વારા યુએસનો સીઝફાયર પ્રસ્તાવ નકારી દેતાં જીઓપોલિટિકલ તણાવ વધ્યો છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરથી ઉપર પહોંચી ગયું છે.
બજારમાં સાવચેતીનો માહોલ છે, કારણ કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખાતે ક્રૂડ ઓઇલ સપ્લાય મર્યાદિત બની ગઈ છે. વિશ્વભરમાં મોટો હિસ્સો આ માર્ગ મારફતે જ સપ્લાય થાય છે, જેના કારણે પસંદગીયુક્ત ધોવાણ હોવા છતાં તેજ વોલેટિલિટી નોંધાઈ રહી છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લગભગ ૧.૫૬% ઉછળી ૧૦૩.૮૧ ડોલર સુધી પહોંચી ગયું છે, જ્યારે WTI ઓઇલ ૧.૫૯% વધીને ૯૧.૭૬ ડોલર પર નોંધાયું.
બજારના મુખ્ય પરિબળો :
• યુએસ અને ઇરાન વચ્ચે સીઝફાયર અંગે અનિશ્ચિતતા યથાવત.
• ઇરાને કઠોર શરતો ધરાવતાં યુએસના પ્રસ્તાવને નકારી કાઢ્યાના પગલે તણાવ વધ્યો.
• સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ચાલુ અવરોધને કારણે વૈશ્વિક સપ્લાય પર દબાણ.
• આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી મુજબ હાલની પરિસ્થિતિ ઇતિહાસના સૌથી મોટા સપ્લાય વિક્ષેપ જેવી.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બ્રેન્ટ માટે નજીકનું રેઝિસ્ટન્સ ૧૦૬ ડોલર છે, જ્યારે WTI માટે ૯૫ ડોલરનું ઝોન રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે. વિશ્લેષકો માને છે કે જો આ લેવલ ઉપર બ્રેકઆઉટ થાય, તો આગામી દિવસોમાં વધુ ઉછાળો શક્ય છે. MCX એપ્રિલ ફ્યુચર માટે ૮૬૫૦નું લેવલ મહત્વનું રેઝિસ્ટન્સ માનવામાં આવે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ઉચ્ચ ક્રૂડ ઓઇલ ભાવના કારણે ભારતીય માર્કેટમાં ઓઇલ-લિન્ક્ડ સેગમેન્ટ પર દબાણ વધી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં મર્યાદિત ખરીદી અને પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી શકે છે. ઓટોમોબાઇલ અને પેઇન્ટ સેક્ટરમાં ખર્ચ વધવાથી બેરિશ બાયસ શક્ય છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી યોગ્ય રહેશે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવું, ખાસ કરીને ક્વોલિટી કોમોડિટી લિન્ક્ડ સ્ટોક્સમાં.
• વધતી વોલેટિલિટી વચ્ચે ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જાળવવો જરૂરી રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર જીઓપોલિટિકલ સંકેતોના આધારે રેન્જ બાઉન્ડ રહી શકે છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સંબંધિત સમાચાર તથા યુએસ-ઇરાન વચ્ચેની ચર્ચાનો પ્રવાહ ક્રૂડના ભાવની દિશા નક્કી કરશે. જો તણાવ યથાવત રહ્યો તો ભાવોમાં વધુ ઉછાળો અવાશ્યંભાવિ છે.






