ભારતીય શેરબજાર હાલમાં સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળોની વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં યોજાયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. RBIએ રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વ્યાજદર સંવેદનશીલ સેક્ટરો પર સીધી અસર જોવા મળી છે.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા, જિઓપોલિટિકલ તણાવ અને કોમોડિટી ભાવોની અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. મોંઘવારી દર નિયંત્રણમાં રહેતા RBIએ ‘Neutral’ સ્ટાન્સ યથાવત રાખ્યો છે. જો કે, બજારમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા હોવાને કારણે રેટ યથાવત રહેતા રોકાણકારોમાં નિરાશા ફેલાઈ અને નફાવસૂલીનો માહોલ સર્જાયો.
સેન્સેક્સ–નિફ્ટી પર વેચવાલીનું દબાણ
નિફ્ટી ફ્યુચર તા. 02/02/2026ના રોજ 25,425 પોઈન્ટ પર ખુલ્યો હતો અને 24,635 પોઈન્ટના નીચા મથાળેથી 26,320 પોઈન્ટના ઊંચા મથાળે સપાટી સ્પર્શી હતી. સપ્તાહ દરમિયાન કુલ 1,684 પોઈન્ટની મોટી મૂવમેન્ટ નોંધાઈ હતી અને અંતે સરેરાશ 308 પોઈન્ટના ઉછાળે 25,729 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
બેન્ક નિફ્ટી ફ્યુચર પણ આ સપ્તાહે ભારે વોલેટિલિટી સાથે ટ્રેડ થયો. તા. 02/02/2026ના રોજ 59,950 પોઈન્ટ પર ખુલ્યા બાદ 61,299 પોઈન્ટના ઊંચા અને 58,046 પોઈન્ટના નીચા સ્તરને સ્પર્શી કુલ 3,253 પોઈન્ટની મૂવમેન્ટ નોંધાવી હતી. અંતે બેન્ક નિફ્ટી ફ્યુચર સરેરાશ 346 પોઈન્ટના ઉછાળે 60,223 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
ડેરિવેટિવ્સમાં ટેકનિકલ લેવલ્સ
નિફ્ટી ફ્યુચર (બંધ ભાવ @ 25,725):
આગામી ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ફ્યુચર માટે 25,606 પોઈન્ટ પ્રથમ સપોર્ટ અને 25,474 પોઈન્ટ અતિ મહત્વનો સ્ટ્રોંગ સપોર્ટ ગણાય છે. આ સપોર્ટ ટક્યો તો નિફ્ટી ફ્યુચર 25,808 થી 25,880 પોઈન્ટની અતિ મહત્વની સપાટી સુધી ઉછાળાની સંભાવના ધરાવે છે. 25,474 પોઈન્ટની નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી યોગ્ય રહેશે.
બેન્ક નિફ્ટી ફ્યુચર (બંધ @ 60,223):
આગામી વધઘટમાં બેન્ક નિફ્ટી ફ્યુચર માટે 60,006 પોઈન્ટ પ્રથમ સપોર્ટ અને 59,808 પોઈન્ટ અતિ મહત્વનો સ્ટ્રોંગ સ્ટોપલોસ રહેશે. ઉપરની તરફ 60,303, 60,474 અને 60,606 પોઈન્ટની મહત્વની સપાટીઓ જોવા મળી શકે છે. 60,606 પોઈન્ટની આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવાની સલાહ આપવામાં આવે છે.
RBI પોલિસી બાદ સેક્ટરલ દબાણ
RBI પોલિસી બાદ શરૂઆતમાં શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. સેન્સેક્સ લગભગ 300 થી 350 પોઈન્ટ ઘટીને 83,000ની નીચે સરકી ગયો, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ સુધી ઘટીને 25,500ની નજીક પહોંચ્યો. ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુ દબાણ જોવા મળ્યું.
બેન્કિંગ શેરોમાં વ્યાજદરમાં તાત્કાલિક રાહત ન મળતાં નફાવસૂલી થઈ, જ્યારે ઓટો સેક્ટરમાં લોન ખર્ચ ઘટાડાની અપેક્ષા અધૂરી રહેતા BSE Auto Indexમાં ભારે ઘટાડો નોંધાયો. મેટલ અને FMCG સેક્ટરોએ તુલનાત્મક રીતે સ્થિરતા દર્શાવી, જે ડિફેન્સિવ ખરીદીનો સંકેત આપે છે.
ભારત–અમેરિકા ટ્રેડ ડીલ પર અનિશ્ચિતતા
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ બજાર માટે મહત્વપૂર્ણ પરિબળ બની છે. શરૂઆતમાં ડીલને લઈને બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ડીલની વિગત સામે આવતા અનિશ્ચિતતા વધી છે. સરકાર તરફથી કૃષિ અને ડેરી સેક્ટરને સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક વૈશ્વિક અહેવાલોમાં ભારતનું કૃષિ બજાર વધુ ખુલ્લું મુકાયું હોવાના સંકેતો આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, અમેરિકાએ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ આયાત ઘટાડશે એવા નિવેદનો આપ્યા હતા, પરંતુ રશિયાએ આ દાવાને ફગાવી દેતા ભારત આયાત ચાલુ રાખશે તેવું સ્પષ્ટ થયું છે. આવા વિરોધાભાસી નિવેદનોને કારણે રોકાણકારો સાવચેત વલણ અપનાવી રહ્યા છે.
રૂપિયો અને કરન્સી માર્કેટ
કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે થોડો મજબૂત બન્યો છે. ટ્રેડ ડીલને લઈને આશાવાદ અને વૈશ્વિક સ્તરે નબળા ડોલરે રૂપિયાને ટેકો આપ્યો છે. RBI દ્વારા રેપો રેટ યથાવત રાખવામાં આવતા ચલણ બજારમાં સ્થિરતા જોવા મળી.
હાલ રૂપિયો લગભગ 90.23ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી ભંડોળના આઉટફ્લો કારણે રૂપિયામાં તેજી મર્યાદિત રહી છે.
FII–DII એક્ટિવિટી
તાજેતરના સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે અને એક જ દિવસમાં રૂ. 2,000 કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે. બીજી તરફ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)ની સતત ખરીદી બજારને મજબૂત સપોર્ટ આપી રહી છે.
ભાવી દિશા
Investment Point મુજબ આગામી દિવસોમાં વૈશ્વિક સંકેતો, FII ફ્લો અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની દિશા નક્કી કરશે. RBI દ્વારા FY26 માટે GDP ગ્રોથ અંદાજ 7.4 ટકા રાખવામાં આવ્યો છે, જે લાંબા ગાળે બજાર માટે પોઝિટિવ સંકેત છે. જોકે, શોર્ટ ટર્મમાં બજાર રેન્જ-બાઉન્ડ અને વોલેટાઈલ રહેવાની સંભાવના છે.
રોકાણકારો માટે સલાહ છે કે ઉતાવળા નિર્ણયોથી દૂર રહી ટેકનિકલ લેવલ આધારિત ટ્રેડિંગ અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં પસંદગીપૂર્વક રોકાણ કરે.
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
📞 99390 80808
Disclaimer: શેરબજારમાં રોકાણ જોખમ સાથે જોડાયેલું છે. રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.







