રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૧.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૧૮૦ સામે ૮૪૦૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૪૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૬૩૮ પોઈન્ટ બંધ થયેલ.
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૮૫ સામે ૨૫૯૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૭૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૩૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૧૦ પોઈન્ટ બંધ થયેલ.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવીને અમેરિકા હવે ગ્રીનલેન્ડને કબજે કરવાની તૈયારી કરી રહ્યાના અને એક પ્રકારે ચાઈના, રશીયા સહિતને ભીંસમાં લેવાનો વ્યુહ ઘડી રહ્યું હોઈ ચાઈના પણ તાઈવાનને કબજે કરવાની દિશામાં આગળ વધવાની અને આ ડેવલપમેન્ટ વિશ્વને ત્રીજા યુદ્વ તરફ દોરી જવાનું જોખમ સ્પષ્ટ જોવાઈ રહ્યું હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક ગાબડાં પડયા હતા. ભારતને ભીંસમાં લેવા અને રશીયાથી ઓઈલની ખરીદી સદ્દંતર બંધ કરાવવાની જાણે ટ્રમ્પે જીદ પકડી હોય એમ ભારત પર વધુ આકરાં ૫૦૦% ટેરિફ લાદવાની ટ્રમ્પ સરકાર તૈયારી કરી રહ્યાના અને આ માટેનું બિલ પસાર કરવા મૂક્યાના અહેવાલોની અને રિન્યુએબલ એનજી ક્ષેત્રે પણ ભારત સાથે સહયોગ તોડવાની શરૂઆત કર્યાની નેગેટીવ અસરે આજે ઓલ રાઉન્ડ શેરોમાં ધોવાણ થયું હતું.
વિદેશી ફંડોએ ભારતમાંથી ઉચાળા ભરવાનું ચાલુ રાખ્યું હોઈ સતત શેરોમાં વેચવાલી થવા સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ હવે અનેક શેરોમાં વેલ્યુએશન ડામાડોળ થવા લાગતાં રોકાણકારોનું રિડમ્પશન પ્રેશર આવવા લાગ્યું હોઈ કેશ હાથ પર રાખવાની કવાયતમાં આજે પેનીક સેલિંગ થયાની ચર્ચા હતી. ફંડોએ આજે પેનીક સેલિંગમાં મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ-પાવર, ઓઈલ-ગેસ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ સહિતમાં ઓલ રાઉન્ડ વેચવાલી થઈ હતી.સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાળા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી.અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો, જેના કારણે વિદેશી ભંડોળનો સતત પ્રવાહ, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સંભવિત યુએસ ટેરિફ વધારાની ચિંતાઓ જોવા મળી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ.૧૫૨૭.૭૧ કરોડના ઇક્વિટી વેચ્યા, એમ એક્સચેન્જ ડેટા દર્શાવે છે. એનએસઓ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ૭.૪% ના દરે વૃદ્ધિ પામશે, જે પાછલા વર્ષના ૬.૫% ના વિકાસથી નોંધપાત્ર પ્રવેગક છે, તેમ છતાં, આરબીઆઈ એ ચલણને ૯૦ ના સ્તરથી ઉપર લાવવા માટે ભારે હસ્તક્ષેપ કર્યો.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૯૦ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે બુધવારે તેના અગાઉના બંધ ૮૯.૮૭ થી ૩ પૈસા નબળું છે. ચલણ અનુક્રમે ૮૯.૯૮૫૦ અને ૮૯.૭૩ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની ખરીદીને પગલે બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. અગાઉના સત્રોમાં ભારે ઉથલપાથલ બાદ આજે બજારમાં આવેલી આ તેજી રોકાણકારો માટે રાહતના સમાચાર લાવી છે.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% ઘટીને બંધ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ,ઓટોમોબાઈલ,ઓઈલ-ગેસ,આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ એન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૦૪ અને વધનારની સંખ્યા ૧૦૬૨ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એચસીએલ ટેકનોલોજી ૦.૭૮%,કોલ્પાલ ૦.૫૪%,એસબીઆઈ ૦.૪૨%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૩૩%,સિપ્લા લીમીટેડ ૦.૧૨%,ઈન્ફોસીસ ૦.૦૭%વધ્યા હતા,અદાની ગ્રીન ૪.૭૪%,ગ્લેનમાર્ક ફાર્મા ૩.૬૧%,અદાની પોર્ટસ ૨.૨૧%,ભારતી ઐરટેલ ૧.૭૦%,સન ફાર્મા ૧.૬૪%,એલઆઈસી ૧.૧૬%,ટાટા કન્ઝ્યુમર ૧.૫૧%, એક્સીસ બેંક ૧.૦૪%,એસબીઆઈ કાર્ડ્સ ૦.૯૨%,ગ્રાસીમ ૦.૮૫% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭.૪ %ના દરથી વધવાનો અંદાજ છે એટલે કે ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૭.૪% રહેવાની આશા છે.અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે.સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ એટલે કે એપ્રિલ,૨૦૨૫થી માર્ચ,૨૦૨૬ દરમિયાન જીડીપી ૭.૪%રહેશે.આ અંદાજ આરબીઆઇના ૭.૩%ના અંદાજ અને સરકારના અગાઉના ૬.૩ થી ૬.૮%ના અંદાજ કરતા વધારે છે.ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૫ % રહ્યો હતો.અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર ૫૦% ટેરિફ,વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ૭.૪%નાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







