રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટના વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ભારત રશિયા પાસેથી કાચું તેલ મોટી માત્રામાં ખરીદી રહ્યું છે, તો બીજી તરફ હવે અહેવાલો મુજબ ભારત રશિયાને ગેસોલીન સપ્લાય કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં ટ્રેડર્સની ભૂમિકા મહત્વની બની રહી છે.
બજારના મુખ્ય પરિબળો :
રશિયાની રિફાઈનિંગ ક્ષમતા પર યુક્રેનના હુમલાઓને કારણે મોટો પ્રભાવ પડ્યો છે. અંદાજ મુજબ રશિયાની ૪૦% થી ૪૫% રિફાઈનિંગ ક્ષમતાને નુકસાન થયું છે, જેના કારણે ત્યાં ગેસોલીનની અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં રશિયાએ ગેસોલીન નિકાસ પર મર્યાદિત નિયંત્રણો લાદ્યા છે અને આ અછતને પૂરી કરવા માટે આયાત પર ભાર મૂક્યો છે. રિપોર્ટ્સ સૂચવે છે કે રશિયાને માસિક ૪,૦૦,૦૦૦ ટન ગેસોલીનની જરૂરિયાત છે, જેમાંથી હાલમાં ૬૦,૦૦૦ મેટ્રિક ટનનો પ્રથમ જથ્થો રશિયા મોકલવામાં આવ્યો છે.
કંપની વિશે :
રિપોર્ટ્સ મુજબ નેયારા એનર્જી દ્વારા ઉત્પાદિત ગેસોલીન ટ્રેડર્સ દ્વારા રશિયામાં મોકલવામાં આવી રહી છે. જોકે, ભારતના તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય કંપનીઓ રશિયાને સીધી રીતે ગેસોલીન વેચી રહી નથી, પરંતુ ટ્રેડર્સ દ્વારા ભારતીય મૂળની પ્રોડક્ટ્સ રશિયા પહોંચી રહી છે. ભારતીય રિફાઈનર્સ પાસે યુરો-૫ સ્ટાન્ડર્ડની ગેસોલીન બનાવવાની મજબૂત ક્ષમતા છે, જે રશિયાની જરૂરિયાત મુજબ છે અને વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે.
ભાવિ દિશા :
આ ટ્રેડ રશિયામાં રિફાઈનરીઓના સમારકામ ન થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે. જોકે, આગામી દિવસોમાં અમેરિકા દ્વારા લાદવામાં આવતા નવા પ્રતિબંધો અને જીઓપોલિટિકલ તણાવ આ વ્યવસાય માટે સાવચેતીનો માહોલ ઊભો કરી શકે છે. ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે કે આ તમામ વ્યવહારો ખાનગી કંપનીઓ અને ટ્રેડર્સ દ્વારા કરવામાં આવતા વ્યાપારી નિર્ણયો છે અને તેમાં સરકારની કોઈ સીધી સંડોવણી નથી.






