રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે આજનો દિવસ ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ગભરાટ સાથે ચારેબાજુ વેચવાલીનો માહોલ રહ્યો હતો.
છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય શેરબજારમાં ઊંચી વોલેટિલિટી અને નબળા સેન્ટિમેન્ટ બન્યા છે અને ખાસ કરીને વૈશ્વિક તણાવ અને પશ્ચિમ એશિયામાં વધતી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા, અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીથી બજારમાં બેરિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે રોકાણકારોનો એક નોકરિયાત વર્ગ મોટી તેજીની આશાએ મ્યુચ્યુઅલ ફંડ અને SIP માં રોકાણ વધારતાં જાય છે એ ખરેખર આશ્ચર્યજનક ઘટના ગણાવી શકાય.
સપ્તાહ દરમિયાન શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ તરીકે નોંધાયો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી સાથે કોમોડિટી માર્કેટમાં પણ મોટો કડાકો નોંધાયો જો કે અંતિમ સેશન્સમાં ડીઆઈઆઈ સપોર્ટ, વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગના કારણે બજારમાં લાઇટ બુલિશ રિકવરી જોવા મળી.
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામને ટ્રમ્પે બેમુદ્દત લંબાવ્યા છતાં હજુ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી બન્ને પક્ષોએ કાયમ રાખીને એકબીજાના જહાજોને અટકાવવાના પ્રયાસો કરતાં રહેતાં વિશ્વ પર હજુ ફયુલ અછતનું સંકટ કાયમ રહેતાં અને ફરી યુદ્વની સ્થિતિમાં પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે ક્રુડ ઓઈલના ભાવ વધતાં વૈશ્વિક બજારોમાં પણ આજે નરમાઈ રહી હતી.
ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં લીટર દીઠ રૂ.૨૫ સુધી ભાવ વધારો અનિવાર્ય બની જવાના અહેવાલો વહેતાં થતાં ઓટો શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ મોટું ધોવાણ નોતર્યું હતું જો કે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ તેજી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. રિયાલ્ટી શેરો સાથે આઈટી-સોફ્ટવેર શેરો પણ ભારે ઘટાડા સાથે તૂટયા હતા.
સેન્સેક્સ
સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં શરૂઆતમાં જ ભારે વેચવાલી જોવા મળી હતી અને સાપ્તાહિક ઇન્ડેક્સ સરેરાશ ૧૩૦૭ પોઈન્ટથી વધુ તૂટી ૭૬૪૦૩ ની સપાટી નજીક આવી ગયો હતો. બેંકિંગ, ઓટો અને આઈટી સ્ટોક્સમાં ભારે દબાણના કારણે ઇન્ડેક્સ પર સતત પ્રેશર રહ્યું હતું.
નિફ્ટી ફ્યુચર
નિફ્ટી એ મહત્વપૂર્ણ ૨૩૮૩૪ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી નીચે ટ્રેડિંગ કર્યું હતું, જે બજારમાં નબળા સેન્ટિમેન્ટનું સૂચક છે.આ સપ્તાહનો સૌથી મહત્વપૂર્ણ દિવસ “બ્લેક ફ્રાઈડે” તરીકે રહ્યો, જેમાં બજારમાં પેનિક સેલિંગ જોવા મળી હતી.
સેન્સેક્સમાં ૮૩૫+ પોઈન્ટનો કડાકો અને નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે ટ્રેડિંગ એ રોકાણકારોના ભયનું પ્રતિબિંબ હતું. ગોલ્ડમાં ₹૧૦૧૧નો ઘટાડો અને સિલ્વરમાં પણ ₹૨૩૧૩ નો ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે સેફ હેવન એસેટ્સમાં પણ વેચવાલી થઈ હતી.
વૈશ્વિક પરિબળો
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલે વૈશ્વિક બજારોમાં ભારે અનિશ્ચિતતા ઊભી કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી ચાલુ રહેતા ઊર્જા સપ્લાય અંગે ચિંતાઓ વધી છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમરૂપ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત રહેતા અને વાટાઘાટો અટવાઈ જતા રોકાણકારો રિસ્ક ઓફ મોડમાં ગયા છે.
વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા KOSPI ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી વૈશ્વિક મોંઘવારીના જોખમો વધ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને મંદીનો ભય રોકાણકારોને સાવચેત બનાવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય રાજકીય અનિશ્ચિતતા બજારમાં વોલેટિલિટી વધારવાનું મુખ્ય કારણ બની રહી છે.
સ્થાનિક પરિબળો
એફઆઈઆઈદ્વારા સતત વેચવાલી બજાર માટે સૌથી મોટું નકારાત્મક પરિબળ રહ્યું છે. રૂપિયામાં નબળાઈ અને ઊંચા વેલ્યુએશન રોકાણકારોના વિશ્વાસને અસર કરે છે. ડીઆઈઆઈ દ્વારા ખરીદી છતાં બજારમાં સંપૂર્ણ સપોર્ટ મળ્યો નથી.
સેક્ટરવાઇઝ મૂવમેન્ટ
ઓટોમોબાઈલ સેક્ટરમાં ભારે ઘટાડો નોંધાયો, કારણ કે ઇંધણના ભાવ વધવાની શક્યતા છે ઉપરાંત બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં એચસીએલ ટેકનોલોજીના નબળા પરિણામ અને ગાઈડન્સના કારણે હેમરિંગ થયું હતું અને ટેકનોલોજી ના તમામ શેરોમાં ભારે કડાકા સાથે મંદીનો માહોલ સર્જાયો હતો. રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર દબાણ હેઠળ રહ્યા હતા. ઓઈલ & ગેસ સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી હતી. જ્યારે હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત તેજી અને કેપિટલ ગુડ્સ તથા પાવર સેક્ટરમાં વેલ્યુ બાયિંગ જોવા મળ્યું હતું.
તેજી તરફી કારણો
તેજી તરફી માહોલ બનતા હજુ ઘણો સમય થશે તેવું લાગી રહ્યું છે કારણ કે વૈશ્વિક નેગેટિવ સમાચારો સાથે સ્થાનિક પરિબળો પણ બજારને સપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યાં છે અને હજુ પણ આગામી દિવસોમાં આ બન્ને પરિબળો કેવો વળાંક લે છે તે નિશ્ચિત છે. ડિફેન્સિવ સેક્ટરમાં રોકાણકારોની રસદારી યથાવત છે. સ્થાનિક ફંડોની શોર્ટ કવરિંગથી બજારમાં ક્યારેક રિકવરી જોવા મળી રહી છે પણ તે લાંબો સમય સુધી ટકી શકતી નથી. માત્ર રોકાણકારો માટે લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ હજુ મજબૂત છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી.
મંદી તરફી કારણો
વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ, એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી, નબળા કોર્પોરેટ પરિણામો (ખાસ કરીને આઈટી સેક્ટર), ટેકનિકલ સપોર્ટ લેવલ તૂટવા વગેરે પરિબળો બજારના માહોલ ને નબળાં બનાવી આપે છે… લિકવિડીટીનો અભાવ બજારને વધારે નેગેટિવ ઝોનમાં લઈ જઈ શકે છે.
એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ
સપ્તાહ દરમિયાન એફઆઈઆઈ સતત વેચવાલી કરતા રહ્યા, જેના કારણે બજારમાં દબાણ વધ્યું હતું. ડીઆઈઆઈ દ્વારા ખરીદી બજારને તળિયે સપોર્ટ આપતી રહી હતી, પરંતુ તે સંપૂર્ણ રિકવરી માટે પૂરતી નહોતી. કોમોડિટી મૂવમેન્ટ
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી બજારમાં નકારાત્મક અસર જોવા મળી હતી. મેટલ્સમાં નબળાઈ અને અંતે મર્યાદિત સુધારો નોંધાયો હતો.
ગોલ્ડ
કોમોડિટી ગોલ્ડમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો નોંધાયો હતો અને ભાવ અંદાજીત ₹૧,૫૦,૯૪૫ સુધી આવ્યા હતા. ડોલર મજબૂત થતા ગોલ્ડ પર દબાણ રહ્યું હતું.
સિલ્વર
સિલ્વરમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને ભાવ ₹૨,૪૦,૦૮૭સુધી નીચે આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ માંગની ચિંતા સેન્ટિમેન્ટ તેની પાછળના મુખ્ય કારણો રહ્યા
ભાવિ દિશા
આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે અને જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે આ ઉપરાંત, વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી પણ આ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે. ટૂંકા ગાળામાં બજાર વોલેટાઇલ અને નબળું રહી શકે છે.
મિત્રો, આગામી રૂખ વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની દિશા નક્કી કરશે એ ના ભૂલવું જોઈએ.
ગત સપ્તાહે બજાર મુખ્યત્વે બેરિશ ટ્રેન્ડમાં રહ્યું જેમાં “બ્લેક ફ્રાઈડે”ના ભારે કડાકાએ રોકાણકારોના સેન્ટિમેન્ટ અને પોર્ટફોલિયોને ગંભીર રીતે અસર કરી હતી. આગામી દિશા માટે વૈશ્વિક પરિબળો અને એફઆઈઆઈ પ્રવૃત્તિ સૌથી મહત્વપૂર્ણ રહેશે. સાવધાની વર્તી તબક્કાવાર નફો બુક કરવો જરૂરી છે લાંબી પોઝિશન ક્યારેક મોટું નુકશાન નોતરી શકે છે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






