વર્તમાન કારોબારી સેશનમાં રેલ વિકાસ નિગમના શેરોમાં તેજીનો સૂર જોવા મળી રહ્યો છે. ઇસ્ટ કોસ્ટ રેલવે તરફથી મળેલા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ડર કારણે રોકાણકારોમાં આશાવાદી વલણ જોવા મળી રહ્યું છે.
કંપની વિશે :
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ને ઇસ્ટ કોસ્ટ રેલવે તરફથી રૂ. ૯૬૮ કરોડનો મહત્વનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર અંતર્ગત નર્ગુંડી–બારંગ (૨૨ કિમી) અને ખુરદા રોડ–વિઝિયાનગરમ (૩૬૩ કિમી) વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવશે, જે કુલ ૩૮૫ કિમી વિસ્તાર આવરી લેશે. આ EPC આધારિત પ્રોજેક્ટમાં કંપની દ્વારા મોટી નદીઓ પર સ્ટીલ ગર્ડર વડે મજબૂત બ્રિજોના નિર્માણનું કાર્ય પણ હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેનો સમયગાળો ત્રણ વર્ષનો નક્કી કર્યો છે.
કંપનીના જણાવ્યા મુજબ આ ઓર્ડર કોઇ સંબંધિત પક્ષ સાથે જોડાયેલો નથી અને તેમાં પ્રોમોટર જૂથનું કોઈ હિત સંકળાયેલું નથી. આ મહિને કંપનીનો આ બીજો મોટો ઓર્ડર છે. પહેલાં સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી રૂ. ૨૪૨ કરોડનો પ્રોજેક્ટ મળ્યો હતો, જ્યારે માર્ચમાં NMDC તરફથી રૂ. ૯૫.૨૭ કરોડનો LoA મળ્યો હતો, જેના કારણે રેવન્યુ દૃષ્ટિએ દૃઢતા જણાઈ છે.
બજારના મુખ્ય પરિબળો :
તાજેતરના ઓર્ડરથી RVNL ની ઓર્ડર બુક વધુ મજબૂત બની છે, જે રોકાણકારોના વિશ્વાસને પ્રોત્સાહન આપે છે. એપ્રિલમાં અત્યાર સુધી શેરમાં લગભગ ૧૮ ટકા ઉછાળો નોંધાયો છે, જ્યારે માર્ચ મહિનામાં થયેલા ૨૧ ટકાના ઘટાડાની વસૂલાત લગભગ થઈ ગઈ છે. ઑગસ્ટ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૬ દરમિયાન થયેલા લાંબા ગાળાના ધોવાણ બાદ શેરમાં ફરી ખરીદદારો સક્રિય બન્યા છે. હાલ શેર તેની ઓલટાઇમ હાઇથી ૫૦ ટકા નીચે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષના રિટર્ન્સ હજુ પણ મજબૂત છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ શેરે તાજેતરના સપોર્ટ લેવલ પરથી મજબૂત રિબાઉન્ડ બતાવ્યો છે. ઉપરની દિશામાં રેઝિસ્ટન્સ ઝોન નજીક ઉછાળે નફારૂપી વેચવાલી શક્ય છે, જોકે મજબૂત ક્લોઝિંગ હશે તો વધુ તેજી થઈ શકે છે. હાલ વોલેટિલિટી મર્યાદિત દાયરા સુધી રહી શકે છે.
રોકાણ રણનીતિ :
• ઘટાડે તબક્કાવાર ખરીદી યોગ્ય રહેશે.
• ઉછાળે નફારૂપી વેચવાલી અપનાવી શકાય.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ જાળવી રાખવો જરૂરી છે.
• લંબાગાળાના રોકાણકારો માટે ક્વોલિટી PSU ઇન્ફ્રા થીમ હજી આકર્ષક રહી શકે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં શેર રેન્જ બાઉન્ડ ચાલ બતાવી શકે છે, પરંતુ કંપનીની મજબૂત ઓર્ડર બુક અને સતત મેળવનાર પ્રોજેક્ટોને ધ્યાનમાં લેતા બુલિશ બાયસ યથાવત રહેવાની સંભાવના વધારે છે.







