HomeBusiness News - Rightપાંચ દિવસમાં એફઆઈઆઈ વેચવાલી છતાં સ્થાનિક ખરીદદારોના ટેકે બજાર મજબૂત રહ્યું...!!!

પાંચ દિવસમાં એફઆઈઆઈ વેચવાલી છતાં સ્થાનિક ખરીદદારોના ટેકે બજાર મજબૂત રહ્યું…!!!

પાંચ કારોબારી સેશન્સ દરમિયાન એફઆઈઆઈ દ્વારા કુલ ૨૮,૩૭૫ કરોડ રૂપિયાની નફારૂપી વેચવાલી થયા છતાં સ્થાનિક ડીઆઈઆઈ ખરીદીના ટેકે બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો. મધ્યપૂર્વમાં તણાવમાં થતો હળવો ઘટાડો અને વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારા વચ્ચે વોલેટિલિટી યથાવત રહી હોવા છતાં બજારે સપ્તાહને મજબૂત ક્લોઝિંગ આપ્યું.

બજારના મુખ્ય પરિબળો :

આ સપ્તાહના આરંભમાં એફઆઈઆઈ દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી, ખાસ કરીને સોમવાર અને મંગળવારે બજારમાં નોંધપાત્ર ઘટાડો થયો. ત્યારબાદ વેચવાલીની ગતિ ધીમી પડતા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ થોડો હળવો થયો. મધ્યપૂર્વમાં તણાવમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા પણ બજારને ટેકો આપતા પરિબળો રહ્યા. નબળો રૂપિયા એફઆઈઆઈ રિટર્નને અસર કરતાં પ્રોફિટ બુકિંગ વધુ થયું.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બજાર રેન્જ બાઉન્ડ ચાલ્યા બાદ સપોર્ટ લેવલ પરથી મજબૂત રિકવરી નોંધાઈ છે. બેન્કિંગ સેગમેન્ટમાં નોંધપાત્ર ઉછાળાને કારણે કુલ સેંટિમેન્ટમાં બુલિશ બાયસ નોંધાયો. ડેરિવેટિવ્ઝ ડેટા મુજબ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં એફઆઈઆઈ પોઝિશનમાં ઘટાડો અને સ્ટોક ફ્યુચર્સમાં પસંદગીયુક્ત પોઝિશન યથાવત રહી છે, જે બજારમાં મર્યાદિત વોલેટિલિટીની સ્થિતિ સૂચવે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેન્કિંગ સેક્ટરમાં મજબૂત રિકવરી જોવા મળી, જ્યારે અન્ય મુખ્ય સેક્ટર્સમાં મર્યાદિત ધોવાણ યથાવત રહ્યું. ચોથી ત્રિમાસિકના અપડેટ્સના ટેકે ફાઈનાન્સિયલ શેરોમાં ઉછાળો નોંધાયો હતો. ડીઆઈઆઈ દ્વારા તબક્કાવાર ખરીદી એ બજારને ટેકો આપનાર મુખ્ય પરિબળ બન્યું.

રોકાણ રણનીતિ :

વર્તમાન વોલેટિલિટી ભર્યા વાતાવરણમાં ટ્રેડર્સ માટે સ્ટોપલોસ જાળવવું અત્યંત આવશ્યક છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ વધુ યોગ્ય રહે શકે છે. મધ્યપૂર્વની પરિસ્થિતિ અને ક્રૂડના ભાવ પર નજર રાખવી જરૂરી રહેશે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં બજાર વૈશ્વિક સેન્ટિમેન્ટ, અમેરિકા-ઈરાન ચર્ચા અને ચોથી ત્રિમાસિક પરિણામોના પ્રવાહને આધારે રેન્જ બાઉન્ડ રહી શકે છે. એફઆઈઆઈ વેચવાલી ઘટતી હોવાથી બજારમાં સ્થિરતા વધવાની શક્યતા છે, પરંતુ સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

Spread the love

Most Popular