વર્તમાન કારોબારી સેશનમાં આરબીઆઈ તરફથી રજૂ કરાયેલા નવા ડ્રાફ્ટ નિયમોને કારણે બેન્કિંગ ક્ષેત્રમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. બિઝનેસ કોરસ્પોન્ડન્ટ (BC) મોડેલમાં સૂચવાયેલા ફેરફારોને પગલે બેન્કો, BC એજન્ટો અને નીતિનિર્માતાઓ વચ્ચે ચર્ચા તેજ બની છે.
બજારના મુખ્ય પરિબળો :
આરબીઆઈના પ્રસ્તાવ મુજબ હવે BCને તેમની કામગીરીના સ્વરૂપ મુજબ બે અલગ કેટેગરીમાં વહેંચવામાં આવશે. સાથે BCને મળતા કમિશન અને વેતનમાં એકરૂપતા લાવવાનો ઉદ્દેશ છે, જેથી ક્ષેત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થાય.
નવા ડ્રાફ્ટમાં BC સિસ્ટમ હેઠળ ત્રણ પ્રકારના ડિલીવરી પોઈન્ટ્સ — બેન્ક બ્રાન્ચ, BC-BO (બિઝનેસ કોરસ્પોન્ડન્ટ–બેન્કિંગ આઉટલેટ) અને BC-BT (બિઝનેસ કોરસ્પોન્ડન્ટ–બેન્કિંગ ટચપોઈન્ટ)ની વ્યાખ્યા આપવામાં આવી છે. આ ફેરફારથી ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં બેન્કિંગ પહોંચ વધુ મજબૂત થવાની સંભાવના છે.
દેશભરમાં જૂન ૨૦૨૫ સુધીમાં કુલ ૧૬ લાખથી વધુ BC કાર્યરત છે, જે બેન્કિંગ સેવાઓને લોકો સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કમિશન અને ઓપરેશનલ નીતિમાં ભિન્નતા દૂર કરવા આ પ્રસ્તાવને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કિંગ અને માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં વોલેટિલિટી યથાવત રહી છે. નીતિ અપડેટ્સ અને નિયમનમાં પરિવર્તનને કારણે BFSI સ્ટોક્સમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે, પરંતુ લાંબા ગાળાના દૃષ્ટિકોણે ક્વોલિટી બેન્કિંગ શેરોમાં મર્યાદિત ખરીદી ચાલુ છે.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ ચાલુ રહે છે. રોકાણકારો માટે કડક સ્ટોપલોસ રાખીને ટૂંકા ગાળાના ટ્રેડ માટે સાવચેતી રાખવી જરૂરી છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
આ ફેરફારો બેન્કિંગ તથા ફાઇનાન્સિયલ સર્વિસીઝ સેક્ટર માટે મહત્વપૂર્ણ છે. BC-BO અને BC-BT વચ્ચે સ્પષ્ટ વહેંચાણ થવાથી ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો તથા સર્વિસ ડિલીવરીમાં સુધારો થઈ શકે છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કો, નાના ફાઇનાન્સ બેન્કો તથા માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પર તેનો સીધો પ્રભાવ રહેવાનો અંદાજ છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં આરબીઆઈ જાહેર જનતા તથા ઉદ્યોગજગતની ટિપ્પણીઓ બાદ અંતિમ માર્ગદર્શિકા રજૂ કરશે. આ પ્રક્રિયા મે ૫, ૨૦૨૬ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. નિયમોમાં સ્પષ્ટતા મળ્યા બાદ બેન્કિંગ સેગમેન્ટ માટે મજબૂત પોઝિશન બિલ્ડિંગ થઈ શકે છે અને સેક્ટર “ન્યુટ્રલ ટુ બુલિશ બાયસ”માં રહી શકે છે.





