વર્તમાન કારોબારી સેશનમાં રૂપીયામાં જોવા મળેલા સતત ઘટાડા અને વધતી વોલેટિલિટી વચ્ચે આરબીઆઇએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલુ સંઘર્ષના પ્રભાવથી રૂપિયા નવા તળિયે પહોંચતાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આરબીઆઇએ ઓથોરાઈઝ્ડ ડીલરો માટે નેટ ઓપન પોઝિશન – રૂપિયા (NOP-INR) –ને દરરોજના અંતે ૧૦૦ મિલિયન ડોલરની મર્યાદામાં રાખવાનો નિર્દેશ આપ્યો છે.
રૂપીયા ₹૯૪.૮૧ સુધી ઢળ્યો છે, જે અગાઉના ₹૯૩.૯૭ની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત રહેતાં વૈશ્વિક ઊર્જા કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ કારણે સ્થાનિક કરન્સી પર દબાણ વધ્યું છે. ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના આઉટફ્લો અને ડોલરની મજબૂતીના પરિબળો પણ રૂપીયાની દિશાને બેરિશ બાયસ તરફ ધકેલી રહ્યા છે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી નવી મર્યાદા મોટા સટ્ટાબાજી પોઝિશનોને નિયંત્રિત કરીને તીવ્ર વોલેટિલિટી અટકાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાય છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયા હાલમાં મહત્વના સપોર્ટ લેવલની નજીક હલનચલન કરી રહ્યો છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો વધુ ઘટાડાની શક્યતા રહેશે, જ્યારે મજબૂત ક્લોઝિંગ મળે તો મર્યાદિત ઉછાળો મળવાની શક્યતા છે. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી યથાવત રહેતાં રૂપીયાની ચાલ હાલમાં રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે.
રોકાણ રણનીતિ :
મુદ્રા બજારમાં વધતી વોલેટિલિટી વચ્ચે સાવચેતી જરૂરી બની છે. ટૂંકાગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જાળવવો અનિવાર્ય છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ ટૂંકા ગાળામાં ફાયદાકારક બની શકે છે. આયાત આધારિત સેક્ટર માટે ખર્ચમાં વધારો થવાની શક્યતા હોવાથી પસંદગીયુક્ત અભિગમ અપનાવવો યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં રૂપિયા વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલની દિશા અને વિદેશી ફંડ ફ્લો પર આધારિત ચાલવાની સંભાવના છે. બજાર નિષ્ણાતોના મત મુજબ આરબીઆઇના નિયમો પછી વોલેટિલિટી ભાગે મર્યાદિત રહી શકે છે, પરંતુ યુદ્ધના પ્રભાવ યથાવત રહેતાં દબાણ ચાલુ રહેવાની શક્યતા નકારી શકાય નહીં.






