વર્તમાન કારોબારી સેશનમાં વોડાફોન આઈડિયા શેરમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. બજારમાં આવેલી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ) દ્વારા લાયસન્સ ફીની પુનઃસમીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને આ ફીમાં આશરે ૬૦–૬૫ ટકાનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ છે. આ અનુમાનને કારણે રોકાણકારોમાં ખરીદારીની રસદારી વધી રહી છે.
કંપનીનો શેર ઇન્ટ્રાડે ૧૦.૩૫ રૂપિયે પહોંચ્યો હતો, જે અંદાજે ૩.૫ ટકાનો ઉછાળો દર્શાવે છે. હાલના સ્તરે શેર તેના ૫૨ અઠવાડિયાના ઊંચા સ્તર કરતાં ૧૯ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
કંપની વિશે :
વોડાફોન આઈડિયાની બાકી એજીઆર બાકીદારીમાં લાયસન્સ ફી સાથે સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ (એસયુસી)નો સમાવેશ થાય છે. કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે ૨૦૦૬–૦૭ થી ૨૦૧૮–૧૯ દરમ્યાનની એજીઆર રકમ ૨૦૨૬થી હપ્તામાં ચૂકવાશે. હાલમાં લાયસન્સ ફીની સમીક્ષા પૂર્ણ થઈ છે, જ્યારે એસયુસી બાબતેની સમીક્ષા ૩૧ માર્ચ સુધી પૂર્ણ થવાની સંભાવના છે.
બજારના મુખ્ય પરિબળો :
ડોટ દ્વારા લાયસન્સ ફીમાં ઘટાડાની શક્યતા બજાર માટે સકારાત્મક ગણાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નિર્ણય ઉચ્ચ સ્તરીય સમિતિની અંતિમ મંજૂરી બાદ અમલમાં આવશે. ફીમાં ઘટાડો થવાથી કંપનીના નાણાકીય દબાણમાં મર્યાદિત રાહત મળી શકે છે.
જેએપી મોર્ગન દ્વારા તાજેતરમાં શેર માટેની વ્યૂહરચનામાં ફેરફાર કરીને તેને ‘અન્ડરવેઇટ’ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપની માટે બેન્ક ફંડિંગ મેળવવું હજી પડકારરૂપ છે અને તાજેતરના ઉછાળામાં નફારૂપી વેચવાલી થઈ શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
ટેલિકોમ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત છે. રિલાયન્સ જીયો અને ભારતી એરટેલની મજબૂત સ્થિતિને કારણે વોડાફોન આઈડિયા પર દબાણ યથાવત રહે છે. પસંદગીયુક્ત ખરીદી થવા છતાં સેક્ટરમાં સ્પષ્ટ બુલિશ બાયસ દેખાતો નથી.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ શેરમાં તાજેતરનો ઉછાળો મર્યાદિત રેન્જમાં છે. ઉપરની તરફ ૧૦.૮૦–૧૧ રૂપિયે રેઝિસ્ટન્સ છે, જ્યારે નીચેની તરફ ૯.૨૦ રૂપિયે સપોર્ટ લેવલ મહત્વનો છે. રેન્જ બાઉન્ડ ચાલમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે.
ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ હાલ વધુ યોગ્ય માનવામાં આવે છે.
રોકાણ રણનીતિ :
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ રાખવું જરૂરી છે.
• ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ અનિવાર્ય છે.
• પોઝિશનમાં સાવચેતી જરૂરી છે કારણ કે ફંડામેન્ટલ દબાણ યથાવત છે.
• લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં શેર રેન્જ બાઉન્ડ રહી શકે છે. ડોટની અંતિમ સમીક્ષા અને એસયુસી સંબંધિત નિર્ણય શેરના આગામી ટ્રેન્ડ માટે નિર્ણાયક બની શકે છે.







