વ્હોટ્સએપ ટ્રેડિંગ ફ્રોડ : ફેક ગ્રૂપની જાળથી બચવાના ઉપાયો....!!
મિત્રો, આજે વાત કરીએ વોટ્સએપ પર ચાલતાં નકલી ટ્રેડિંગ ગ્રૂપ રોકાણકારોને કેવી રીતે પોતાની જાળમાં ફસાવે છે તે અંગેની વિગતવાર માહિતી અને સાવચેતીના મુદ્દાઓ....
આજકાલ શેરબજારના નિષ્ણાતો, એનાલિસ્ટ્સ કે સફળ ટ્રેડર્સના નામે વોટ્સએપ પર "એક્સક્લુઝિવ" ગ્રૂપ બનાવીને લોકોને મફત રોકાણ શિક્ષણ અને સ્ટોક ટિપ્સ આપવાની લાલચ આપવામાં આવે છે. મિત્રો, એક માહિતી અનુસાર મોટાભાગે આ ગ્રૂપો વિદેશી નંબરોથી સંચાલિત થાય છે. આવા સાયબર ફ્રોડથી બચવા માટે રોકાણકારો તેમજ ટ્રેડિંગ કરનાર ટ્રેડરોએ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે :
૧. નકલી કમાણી અને સફળતાની વાર્તાઓ :-
ફ્રોડ કરનારાઓ ગ્રૂપમાં પોતાના જ સાગરીતો પાસે કમાણીના નકલી સ્ક્રીનશોટ અને નિષ્ણાતોનો આભાર માનતા મેસેજ પોસ્ટ કરાવે છે. SEBI આ ટેક્ટિકને Astroturfing કહે છે, જેમાં ખોટા રિવ્યુ અને ફેક સફળતા બતાવીને નવા રોકાણકારોમાં બનાવટી વિશ્વાસ ઉભો કરવામાં આવે છે જે એક મિસ માર્કેટિંગ નો ભાગ છે તેનાથી સાવધાન રહેવું.
૨. ઉતાવળમાં ટ્રેડ કરાવવાનું દબાણ :-
એકવાર રોકાણકારનો વિશ્વાસ જીતી લીધા પછી, ગ્રૂપના એડમિન ચોક્કસ શેરો ખરીદવા કે વેચવાની સલાહ આપવાનું શરૂ કરે છે. રોકાણકારો સલાહ આપનાર વ્યક્તિની નોંધણી કે ઓળખ ચકાસ્યા વગર ઉતાવળમાં નાણાં રોકી દે છે, જેનો ફાયદો ફ્રોડ કરનારા માર્કેટ મેનિપ્યુલેશન માટે ઉઠાવે છે.
૩. પૈસા અને ટ્રેડિંગ એકાઉન્ટની હેરાફેરી :-
પીડિતોને અજાણી કે નકલી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા, અનધિકૃત ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા અથવા તેમની ગોપનીય ટ્રેડિંગ વિગતો શેર કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ રીતે રોકાણકારોની કમાણી સીધી સાયબર અપરાધીઓના ખાતામાં જતી રહે છે.
૪. નવા ગ્રૂપમાં પુનરાગમનનો સિલસિલો :-
જ્યારે જૂનું ગ્રૂપ રિપોર્ટ થાય કે બ્લોક થઈ જાય, ત્યારે "રિસ્ક કન્ટ્રોલ મેઝર્સ" (Risk Control Measures) જેવા બહાના બતાવીને રોકાણકારોને નવા આંતરરાષ્ટ્રીય નંબર પરથી બીજા ગ્રૂપમાં જોડાવા માટે મેસેજ મોકલવામાં આવે છે અને ફરીથી એ જ ચક્ર શરૂ થાય છે.
🚨 લાલ બત્તી : ક્યારે સાવચેત રહેવું...?
અજાણ્યા લોકો દ્વારા ચલાવવામાં આવતા ઇન્વિટેશન-ઓન્લી વોટ્સએપ ગ્રૂપ માં ક્યારેય ના જોડાઓ.
વિદેશી (+૪૪, +૧ વગેરે) નંબર ધરાવતા "એક્સપર્ટ્સ", ગેરંટીડ રિટર્ન, ચોક્કસ, ગેરંટીડ અને અસાધારણ રીતે ઊંચા નફાના વચનો આપનારી માહિતીથી દૂર રહો. સતત ટેસ્ટિમોનિયલ્સ જેમ કે રોજબરોજ ગ્રૂપમાં કમાણીના સ્ક્રીનશોટ અને સફળતાના મેસેજ આવવા લાગે ત્યારે સાવધ થઈ જાઓ.
અજાણ્યા પ્લેટફોર્મ ઉપરથી ચોક્કસ અનધિકૃત એપ્લિકેશન પર એકાઉન્ટ ખોલવા અને પૈસા ટ્રાન્સફર કરવાની સૂચના મળે તો તરત તે પ્લેટફોર્મ ને ડિલીટ કરી આપો.
🛡️ SEBI (રેગ્યુલેટર) ની સલાહ અને સુરક્ષા ઉપાયો ને હમેંશા ધ્યાને લો જેમ કે હંમેશા ફક્ત સેબી-રજિસ્ટર્ડ બ્રોકર કે ફાઇનાન્શિયલ એડવાઈઝર સાથે જ નાણાકીય તેમજ માહિતીનો વ્યવહાર કરો. સેબીની અધિકૃત વેબસાઈટ પરથી એડવાઈઝરનું રજિસ્ટ્રેશન દ્વારા સ્ટેટસ ચોક્કસ ચકાસો ત્યારબાદ માહિતી આપ - લે કરો. કોઈ પણ અનિચ્છનીય ટિપ્સથી બચો જેમકે વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર મળતી મેસેજ આધારિત સ્ટોક ટિપ્સ પર આંખ બંધ કરીને વિશ્વાસ ક્યારેય ન કરો અને ખાસ મહત્વની બાબત કે પૈસા ટ્રાન્સફર ક્યારેય ન કરો, આવી કોઈ પણ પ્લેટફોર્મ કે ગ્રૂપ દ્વારા બતાવવામાં આવેલી અનધિકૃત એપ પર ખાતું ન ખોલો અને પૈસા ન મોકલો.
આ પ્રકારના ગ્રૂપો ફેક રિવ્યુ, ખોટો વિશ્વાસ અને ઉતાવળ ઉભી કરીને રોકાણકારોને લૂંટે છે. જો કોઈ ગ્રૂપ સરળતાથી મોટી કમાણીનું વચન આપે, તો તેનાથી અંતર જાળવવું જ સૌથી બુદ્ધિમાની અને સુરક્ષિત રસ્તો છે.
નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
99390 80808
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.