Wed, 04 Nov 2026  |  08:54:22 PM
SENSEX77,301.40
▲ 383.55
NIFTY 5023,960.60
▲ 149.75
BANK NIFTY55,913.60
▲ 373.55
INDIA VIX15.19
▼ 0.31
Home› Editor's View› સટ્ટો છે તો શેરબજાર છે..."– એક સત્ય કે ભ્રમણા...?
Editor's View

સટ્ટો છે તો શેરબજાર છે..."– એક સત્ય કે ભ્રમણા...?

07 October 2026 Nikhil Bhatt 1 view
સટ્ટો છે તો શેરબજાર છે..."– એક સત્ય કે ભ્રમણા...?

શેરબજાર વિશે સામાન્ય માનસિકતા એવી રહી છે કે "સટ્ટો છે તો જ શેરબજાર છે." જ્યારે પણ શેરબજારનું નામ આવે, ત્યારે મોટાભાગના લોકો તેને જુગાર, ભાગ્યનો ખેલ કે માત્ર સટ્ટાબાજી સાથે જોડે છે. પરંતુ શું વાસ્તવમાં શેરબજાર માત્ર સટ્ટા પર ટકેલું છે, કે પછી તેની પાછળ કોઈ મજબૂત આર્થિક ગણતરીઓ અને તર્ક છુપાયેલા છે..?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના માધ્યમથી શેરબજારના સ્વરૂપ, તેમાં ભાગ લેનારા લોકો અને તેની પાછળના અર્થશાસ્ત્રને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ...

શેરબજારનું વાસ્તવિક સ્વરૂપ અને અર્થતંત્ર

મૂળભૂત રીતે શેરબજાર એ કોઈ જુગારનો અડ્ડો નથી, પરંતુ દેશના અર્થતંત્રનું એક મહત્ત્વનું એન્જિન છે. જ્યારે કોઈ કંપનીને પોતાનો વ્યાપ વધારવો હોય, નવી ફેક્ટરી શરૂ કરવી હોય કે નવી ટેકનોલોજી લાવવી હોય, ત્યારે તેને મૂડી અર્થાત કેપિટલની જરૂર પડે છે. કંપની સામાન્ય જનતા કે રોકાણકારો પાસેથી આ મૂડી એકઠી કરે છે અને બદલામાં તેમને કંપનીમાં ભાગીદારી રૂપે શેર આપે છે.

જો શેરબજાર ના હોત, તો નવી કંપનીઓ માટે ભંડોળ મેળવવું અને સામાન્ય લોકો માટે દેશના વિકાસમાં ભાગીદાર બનીને સંપત્તિ સર્જન કરવું મુશ્કેલ બને તેથી, વ્યાપારી દ્રષ્ટિએ શેરબજાર એ મૂડી એકત્રિત કરવાનું અને દેશના અર્થતંત્રને ગતિ આપવાનું એક સંગઠિત માધ્યમ છે એમ કહી શકાય...!!

શેરબજારમાં 'સટ્ટો' શું છે..?

જો શેરબજાર આટલું વ્યવસાયિક છે, તો તેને સટ્ટા સાથે કેમ જોડવામાં આવે છે?
સટ્ટાબાજી અથવા સ્પેક્યુલેશનનો અર્થ છે — ટૂંકા ગાળામાં બજારભાવના તફાવતમાંથી નફો કમાવવાની એક તર્કબદ્ધ ગણતરી.... જેમ કે..

(૧) ઇન્ટ્રા ડે ટ્રેડિંગ : એક જ દિવસમાં સ્ટોક એક્સચેન્જના સમયગાળા દરમ્યાન શેર ની ખરીદી અને વેચાણ કરી સોદા ને સુલટાવવા...

(૨) ડેરિવેટિવ ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ : ભવિષ્યના ભાવની ધારણાઓ પર આધારિત સ્ટોક અને ઈન્ડેક્સમાં ફિક્સ કરેલી લોટ સાઇઝમાં એક્સપાયરી ધ્યાને લઈ પોઝિશન સોદા કરવા...

આ પ્રકારના સોદાઓમાં કંપનીના મૂળભૂત મૂલ્ય કે કામગીરી કરતા બજારની ક્ષણિક વધઘટ અને લોકોની મનોવૃત્તિ વધુ મહત્ત્વ ધરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ અભ્યાસ કે ટેકનિકલ એનાલિસિસ વગર માત્ર અફવાઓ કે નસીબના આધારે પૈસા લગાવે છે, ત્યારે તે શુદ્ધ 'સટ્ટો' બની જાય છે.

શું સટ્ટો શેરબજાર માટે જરૂરી છે...?

અહીં એક રસપ્રદ પાસું એ છે કે શેરબજારને સુચારૂ રૂપે ચલાવવા માટે સટ્ટાબાજી અથવા ટૂંકા ગાળાના સોદાઓ અમુક અંશે જરૂરી પણ માનવામાં આવે છે જેમાં... માર્જિન રૂપી નાણાકીય તરલતા મહત્વનો ભાગ હોય છે જો બજારમાં માત્ર લાંબા ગાળાના રોકાણકારો જ હોય, તો તમે જ્યારે શેર વેચવા માંગો ત્યારે સામે ખરીદનાર તાત્કાલિક ન પણ મળે એટલે આ માર્જિન દ્વારા ટ્રેડર્સ અને સટ્ટાખોરો બજારમાં સતત ખરીદ-વેચ કરીને 'લિક્વિડિટી' જાળવી રાખે છે.

લિક્વિડિટી સાથે સાથે સતત થતા સોદાઓને કારણે શેરની સાચી કે વ્યાજબી કિંમત ઝડપથી નક્કી થાય છે તેથી, એક દ્રષ્ટિએ ટૂંકા ગાળાનો સટ્ટો બજારને જીવંત રાખવામાં "ઓઇલિંગ"નું કામ કરે છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

રોકાણ (Investment) અને સટ્ટા (Speculation) વચ્ચેનો ભેદ :-

રોકાણ (Investment) અને સટ્ટો (Speculation) વચ્ચેનો મુખ્ય તફાવત
શેરબજારમાં સફળતા મેળવવા માટે રોકાણ (Investing) અને સટ્ટાબાજી (Speculation) વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી છે.

"સટ્ટો છે તો જ શેરબજાર છે" એ વિધાન સંપૂર્ણ સત્ય નથી, કારણ કે બજારમાં આ બંને અભિગમ અલગ-અલગ રીતે કામ કરે છે.

અહીં સમયગાળો અને કાર્યપદ્ધતિ મહત્વના લક્ષણો સાબિત થાય છે સટ્ટાબાજી અથવા ટ્રેડિંગમાં સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે જેમ કે થોડી મિનિટો, કલાકો કે કેટલાક દિવસો...તે મુખ્યત્વે ટેકનિકલ ચાર્ટ, ક્ષણિક સમાચાર કે અફવાઓ પર આધારિત હોય છે અને એનાથી વિપરીત, લાંબા ગાળાના રોકાણનો સમયગાળો દિવસો, મહિનાઓ, વર્ષો કે દાયકાઓનો હોય છે, જેમાં રોકાણકાર કંપનીના મૂળભૂત ફંડામેન્ટલ જેવા કે બેલેન્સ શીટ, નફો અને મેનેજમેન્ટની ગુણવત્તાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને નિર્ણય લે છે.

સટ્ટાબાજીમાં ઝડપી નફો કમાવવાનો ઉદ્દેશ્ય હોય છે, પરંતુ તેમાં જોખમનું પ્રમાણ અત્યંત ઊંચું રહે છે, જેમાં મૂળ મૂડી સંપૂર્ણપણે નુકશાન તરીકે ધોવાઈ જવાની પણ શક્યતા હોય છે. બીજી તરફ, રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ધીમે-ધીમે પરંતુ મજબૂત રીતે સંપત્તિનું સર્જન (Wealth Creation) કરવાનો છે. લાંબા ગાળે કંપનીના વિકાસની સાથે રોકાણનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

રોકાણકારો માટે સલાહ:

જો તમે બજારની ક્ષણિક વધઘટથી બચીને સ્થિર અને સુરક્ષિત રીતે સંપત્તિ વધારવા માગતા હો, તો સટ્ટાબાજીને બદલે યોગ્ય અભ્યાસ અને ધીરજ સાથે લાંબા ગાળાનું રોકાણ કરવાનો અભિગમ અપનાવવો જોઈએ.

વોરેન બફેટ, રાકેશ ઝુનઝુનવાલા કે અન્ય સફળ રોકાણકારોએ શેરબજારમાંથી જે અબજો રૂપિયા બનાવ્યા છે, તે સટ્ટાબાજીથી નહીં પરંતુ 'ઇન્વેસ્ટિંગ' અને લાંબા ગાળાની ધીરજથી બનાવ્યા છે. જે લોકો શેરબજારને માત્ર સટ્ટો સમજીને પ્રવેશ કરે છે, તેમાંથી ૯૦% કરતા વધુ લોકો પોતાની કમાણી ગુમાવે છે.

SEBI ના તાજેતરના અહેવાલો મુજબ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) માં ટ્રેડિંગ કરતા ૯૦% થી વધુ રિટેલ ટ્રેડર્સને નુકસાન થાય છે.
ગણતરી વગરનો સટ્ટો એ નાણાકીય આત્મહત્યા સમાન છે. લોકો જ્યારે લોન લઈને કે ઘરના જરૂરી પૈસા સટ્ટામાં લગાવે છે, ત્યારે શેરબજાર તેમના માટે શ્રાપ બની જાય છે.

"સટ્ટો છે તો શેરબજાર છે" આ વિધાન અંશતઃ સત્ય છે પરંતુ સંપૂર્ણ ચિત્ર રજૂ કરતું નથી.
સટ્ટો એ શેરબજારનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ તે શેરબજારનો આત્મા નથી. સટ્ટાબાજી બજારને લિક્વિડિટી આપે છે, પરંતુ બજારનો વાસ્તવિક આધાર દેશનો આર્થિક વિકાસ અને કંપનીઓની વાસ્તવિક કામગીરી છે. જો તમે શેરબજારને સટ્ટો માનીને રમશો, તો બજાર તમારી સાથે કસિનો જેવો વ્યવહાર કરશે. પરંતુ જો તમે તેને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી, યોગ્ય અભ્યાસ, શિસ્ત અને લાંબા ગાળાના રોકાણના અભિગમ સાથે જોશો, તો શેરબજાર સંપત્તિ સર્જનનું શ્રેષ્ઠ સાધન સાબિત થશે.

નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point 
99390 80808

નોંધ : આ ઉપલબ્ધ કંપની માહિતી એક્સ્ચેંજ ડેટા / Media Release / માર્કેટ બિહેવિયર / ટેકનિકલ થિયરી ના આધારે માત્ર માહિતી અને શૈક્ષણિક હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેને કોઈપણ પ્રકારની શેર ખરીદવા કે વેચવાની ભલામણ તરીકે ગણવી નહીં.

સંપૂર્ણ ડિસ્કક્લેમર www.nikhilbhatt.in ઉપર છે જેને ધ્યાને લઈ વ્યકિતગત જવાબદારીપૂર્વક નિર્ણય લેવો

Disclaimer :

Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.

Liked this article? Share it with friends
← All Editor's View articles
Facebook Instagram LinkedIn Mail Telegram YouTube WhatsApp