મોર્ગન સ્ટેનલીના તાજેતરના અહેવાલ મુજબ, આગામી ૧૨ મહિનામાં ભારતીય શેરબજારમાં ત્રણ અલગ-અલગ પરિણામો જોવા મળી શકે છે. બ્રોકેરેજ દ્વારા બુલિશ સ્કીનરીયો માટે ૨૫%, બેઝ કેસ માટે ૫૦% અને બેરિશ સ્કીનરીયો માટે ૨૫% સંભાવના દર્શાવવામાં આવી છે.
બજારના મુખ્ય પરિબળો :
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, જો બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૦ ડોલર પ્રતિ બેરલથી નીચે રહે અને દેશની આર્થિક વૃદ્ધિ મજબૂત થાય, તો સેન્સેક્સ ૧,૦૦,૦૦૦ ના આંકડાને સ્પર્શી શકે છે. આ બુલિશ સ્થિતિમાં કંપનીઓના અર્નિંગમાં ૧૯% નો વાર્ષિક વધારો જોવા મળી શકે છે. જો બજાર મધ્યમ ગતિએ આગળ વધશે અને મેક્રો સ્થિરતા તથા ખાનગી ક્ષેત્રનું રોકાણ વધશે, તો સેન્સેક્સ ૮૯,૦૦૦ સુધી પહોંચી શકે છે. આ બેઝ કેસમાં ૧૬% અર્નિંગ ગ્રોથ અપેક્ષિત છે. જોકે, વૈશ્વિક અસ્થિરતા અને અન્ય જોખમોને કારણે ઘટાડો પણ જોવા મળી શકે છે, જેમાં સેન્સેક્સ ૬૬,૦૦૦ ના સ્તર સુધી નીચે જઈ શકે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
બ્રોકેરેજ દ્વારા પોર્ટફોલિયો માટે ચોક્કસ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવી છે. મોર્ગન સ્ટેનલી ફાઈનાન્સિયલ સર્વિસીઝ, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઇન્ડસ્ટ્રીયલ્સ અને IT સેક્ટરમાં ‘ઓવરવેઈટ’ પોઝિશન જાળવી રાખવાની ભલામણ કરે છે. ખાસ કરીને AI ના ઉપયોગ અને AI ક્ષેત્રના વધતા રોકાણને કારણે IT સેક્ટરમાં મજબૂત ઉછાળો જોવા મળી શકે છે. બીજી તરફ, એનર્જી, મટીરિયલ્સ, યુટિલિટીઝ અને હેલ્થકેર સેક્ટરમાં ‘અન્ડરવેઈટ’ રહેવું હિતાવહ છે, જ્યાં સાવચેતી રાખવી જરૂરી છે.
રોકાણ રણનીતિ :
આગામી દિવસોમાં રોકાણકારોએ ભારતની આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક અર્થતંત્ર વચ્ચેના તફાવત પર નજર રાખવી જોઈએ. IPO નો સતત પ્રવાહ અને FPI ના પ્રવાહમાં વધારો બજારને ટેકો આપી શકે છે. માળખાકીય સુધારા અને AI કેપિટલ ખર્ચ પણ ઉછાળા માટે ઉત્પ્રેરક બની શકે છે. જોકે, જીઓપોલિટિકલ ટેન્શન, વૈશ્વિક મંદી, કૃષિ ઉત્પાદકતા અને ન્યાયિક અવરોધો જેવા જોખમો સામે સાવચેતી રાખવી અનિવાર્ય છે. લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી શેરોમાં ધીરજ સાથે પોઝિશન જાળવી રાખવી યોગ્ય રહેશે.






