કોટક મહિન્દ્રા બેન્કના MD અને CEO અશોક વસ્વાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે બેન્કના બોર્ડને જાણ કરી છે કે તેઓ ડિસેમ્બર ૩૧, ૨૦૨૬ ના રોજ તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા પછી ફરીથી નિમણૂક લેવા માંગતા નથી.
કંપની વિશે :
અશોક વસ્વાણીએ આ નિર્ણય “અંગત કારણોસર” લીધો હોવાનું જણાવ્યું છે. વસ્વાણીએ ૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ દીપક ગુપ્તાના સ્થાને કોટક મહિન્દ્રા બેન્કની જવાબદારી સંભાળી હતી. તેમની પાસે બેન્કિંગ ક્ષેત્રે ૩૫ વર્ષથી વધુનો વૈશ્વિક અનુભવ છે. તેઓ અગાઉ સિટીગ્રુપ, બાર્કલેઝ અને પેગાયા ટેકનોલોજીસ જેવી મોટી સંસ્થાઓમાં નેતૃત્વની ભૂમિકામાં રહી ચૂક્યા છે.
નાણાકીય પરિણામો :
બેન્કની નાણાકીય સ્થિતિ મજબૂત બની રહી છે. Q4FY26 માટે કોટક મહિન્દ્રા બેન્કે ₹૪,૦૨૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ₹૩,૫૫૨ કરોડ કરતા ૧૩ ટકાનો ઉછાળો દર્શાવે છે. જો સમગ્ર નાણાકીય વર્ષ FY26 ની વાત કરીએ તો, બેન્કનો ચોખ્ખો નફો ₹૧૪,૦૦૮ કરોડ રહ્યો છે, જે અગાઉના વર્ષ કરતા ૨ ટકાનો વધારો દર્શાવે છે.
ભાવિ દિશા :
બેન્કના બોર્ડે વસ્વાણીના નિર્ણયનું સન્માન કર્યું છે અને નવા MD અને CEO ની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે બેન્કમાં ત્રણ આંતરિક ઉમેદવારો પણ છે, જેમાં જયદીપ હંસરાજ, પરીતોષ કશ્યપ અને અનુપ કુમાર સાહાનો સમાવેશ થાય છે. જોકે, બેન્ક બહારના ઉમેદવારની શોધ પણ કરી શકે છે, જેવી રીતે અગાઉ વસ્વાણીની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રક્રિયા નિયમનકારી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.





