ઓપનએઆઈ એ ભારતમાં પોતાનું કાર્યકાજ અને વર્ચસ્વ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ ઉબેર ઈન્ડિયાના પૂર્વ હેડ પ્રભજીત સિંહને ભારતના MD તરીકે નિયુક્ત કર્યા છે. સિંહ સપ્ટેમ્બર મહિનામાં કંપની સાથે જોડાઈ જશે અને તેઓ કિરણ મણી (MD APAC) ને રિપોર્ટ કરશે. કંપનીના કાર્યકાજમાં કન્ઝ્યુમર ગ્રોથ, એન્ટરપ્રાઈઝ એડોપ્શન અને પાર્ટનરશિપ જેવી બાબતો પર તેમનું ધ્યાન રહેશે.
કંપની વિશે :
ઓપનએઆઈ ભારતમાં પોતાનું નેટવર્ક મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કંપનીએ નવી દિલ્હીમાં પોતાનું પ્રથમ ઓફિસ શરૂ કર્યું છે. પ્રભજીત સિંહના આગમનથી કંપનીને ભારતીય એન્ટરપ્રાઈઝ અને સરકાર સાથે જોડાવામાં મદદ મળશે. તેઓ ભારતમાં AI ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પ્રભજીત સિંહનો અનુભવ :
પ્રભજીત સિંહ IIT ખડગપુર અને IIM અમદાવાદના એલ્યુમનસ છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત લેહમેન બ્રધર્સથી કરી હતી અને ત્યારબાદ મેકકિન્સે એન્ડ કંપનીમાં કામ કર્યું હતું. ઉબેરમાં લગભગ એક દાયકા સુધી તેમણે વિવિધ નેતૃત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા અને અંતે તેઓ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
ભાવિ દિશા :
ભારત એ ચેટજીપીટી માટે સૌથી ઝડપથી વધતું બજાર છે. ઓપનએઆઈ ના CEO સેમ આલ્ટમેને પણ ભારતના AI ક્ષેત્રના સંભવિત વિકાસ પર ભાર મૂક્યો છે. આગામી સમયમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ, એન્ટરપ્રાઈઝ અને શૈક્ષણિક સંસ્થાઓમાં AI નો ઉપયોગ વધવાની પૂરી શક્યતા છે. સિંહના નેતૃત્વ હેઠળ ઓપનએઆઈ ભારતમાં વધુ મજબૂત પકડ બનાવશે.





