રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી તરફી માહોલ જોવા મળ્યો. શરૂઆતથી જ પસંદગીયુક્ત ખરીદીના કારણે મુખ્ય સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી. બેંકિંગ, નાણાકીય સેવાઓ, શેરોમાં સારી માંગ જોવા મળતા બજારને મજબૂત ટેકો મળ્યો. દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ નફાવસૂલી જોવા મળી હતી, છતાં ખરીદદારોનું પ્રભુત્વ યથાવત રહ્યું. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલાડીઓ ફરી સક્રિય લેવાલ બનતાં ઘણા શેરોના ભાવો ઉંચકાઈ આવતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સંમત થઈ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડ ખાતે સમજૂતી થવાના અને આ સમજૂતીના ભાગરૂપ આગામી ૬૦ દિવસ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દે વાટાઘાટ કરવાના નિર્ણયને પરિણામે આજે વિશ્વ બજારોને હાશ થઈ હતી. લાંબા સમયથી અનિશ્ચિતતા, અસ્થિરતાના ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહેલા વિશ્વને ફરી ઈંધણનો પુરવઠો હોર્મુઝ માર્ગે સરળતાથી આગામી મહિનાઓમાં મળતો થવાના પોઝિટીવ પરિબળે આજે વૈશ્વિક બજારોમાં તેજી હિલોળા લેવા લાગી હતી. ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની શેરોમાં ઓલ રાઉન્ડ તેજીમાં આવી ગયા હતા.
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૨૬૪ સામે ૭૬૫૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૮૦૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સેન્સેક્સમાં શરૂઆતથી જ મજબૂત ખરીદી જોવા મળી અને દિવસ દરમિયાન તેજી સતત જળવાઈ રહી. શરૂઆતમાં મળેલી ખરીદી દિવસના અંત સુધી જળવાઈ રહી.ઉપરના સ્તરે મર્યાદિત નફાવસૂલી છતાં સૂચકાંક સકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યો. ટેકનિકલ રીતે સેન્સેક્સ મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૧૬ સામે ૨૩૯૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૯૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૦૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી વાયદા બજારમાં ખરીદીનું વલણ મજબૂત રહ્યું. લાંબી સ્થિતિઓમાં વધારો અને ટૂંકી વેચવાલી આવરણના કારણે વાયદા બજારમાં તેજી જોવા મળી.ટેકનિકલ ચાર્ટ પર ઊંચા તળિયાની રચના યથાવત રહેતા તેજીનો સંકેત મળી રહ્યો છે.
અલબત ચોમાસાની શરૂઆત બાદ વિલંબના અને નબળા ચોમાસાના અનુમાનને લઈ ચિંતા વધતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને દેશમાં વિદેશી રોકાણને આકર્ષવા વધુ પગલાં લેવાના આપેલા નિવેદને તેજી આરંભમાં વધુ બળવતર બની હતી. પરંતુ નબળા ચોમાસાના સંજોગોમાં સરકાર તૈયારી કરી રહી હોવાનું નિવેદન કરતાં શેરોમાં ઉછાળે સાવચેતીમાં તેજીને બ્રેક લાગી હતી.
કેન્દ્ર સરકાર દેશમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવા માટે વધુ પ્રોત્સાહનો, પગલાં લેશે એવા નાણા પ્રધાન નિર્મલા સીતારામનના નિવેદને આજે બ્રોકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ બજાજ ફિનસર્વની આગેવાનીમાં મોટી ખરીદી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરમાં લેવાયેલા પ્રોત્સાહનોના પગલાંએ બેંકિંગ શેરોમાં પણ સિલેક્ટિવ તેજી રહી હતી. સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો. ચોમાસું આ વર્ષે નબળું નીવડવાના અંદાજોએ એક તરફ મોંઘવારી વધવાના અને ખરીદ શક્તિ ઘટતાં માંગ વૃદ્વિ નબળી પડવાના અંદાજોએ આજે એફએમસીજી શેરોમાં ફંડો ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલ રહ્યા હતા.
ભારતમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. રિટેલ ફુગાવો ૧૬ મહિનાના ઊંચા સ્તર ૩.૯૮ પર પહોંચ્યા પછી હવે જથ્થાબંધ ફુગાવો પણ મેમાં ડબલ ફિગરની નજીક ૯.૬૮ ટકાએ પહોંચી ગયો છે, એપ્રિલેમાં જથ્થાબંધ ફુગાવો ૮.૨૬ ટકા પર હતો. જો કે આ વખતે ફુગાવાની ગણતરીમાં આધાર વર્ષ ૨૦૧૧-૧૨થી બદલીને ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું છે અને ૬૯૭ના બદલે ૯૫૭ ચીજવસ્તુનો સમાવેશ કરાયો છે.જથ્થાબંધ ફુગાવામાં વધારો થવાનું મુખ્ય કારણ ખાડીયુદ્ધના કારણે ઇંધણ, વીજળી અને મિનરલ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. સરકારે અર્થતંત્રનું બદલાતું સ્વરૂપ જોતાં જથ્થાબંધ ફુગાવાના બાસ્કેટમાં પણ ફેરફાર કર્યા છે. તેમા પહેલા વખત સૌર ઉર્જા અને પવન ઉર્જાથી ચાલતા સ્ત્રોતોનો સમાવેશ કરાયો છે. તેની સાથે પરમાણુ વીજળીને પણ બાસ્કેટમાં સ્થાન મળ્યું છે.
જથ્થાબંધ ફુગાવામાં ૧૪.૧ ટકા જેટલો ભારાંક ધરાવતા ઇંધણ અને ઉર્જા સેક્ટરમાં ફુગાવો એપ્રિલના ૨૪.૬૬ ટકાથી નોંધપાત્ર વધી મેમાં ૩૦.૩૩ ટકા થયો છે. મેમાં ક્રૂડ પેટ્રોલિયમમાં ફુગાવો ૬૧.૫૧ હતો, જે અગાઉના મહિનામાં ૫૬.૩૧ હતો. હોર્મુઝની ખાડી બંધ રહેવાના કારણે પશ્ચિમ એશિયાની કટોકટીના પગલે ભારતમાં આયાત થતું ક્રૂડ વધુ મોંઘુ બન્યુ હતું. તેની અસર અનાજના ભાવ પર વર્તાઈ હતી. ફૂડમાં ફુગાવો મેમાં વધીને ૩.૬૦ ટકા થયો હતો, જે એપ્રિલમાં ૨.૪૩ ટકા હતો. જ્યારે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનો ફુગાવો એપ્રિલના ૬.૬૮ ટકાથી વધીને મેમાં ૭.૪૮ ટકા થયો હતો.
કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ જતાં રૂપિયામાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઈરાન યુદ્ધમાં શાંતિની આશા વચ્ચે મુંબઈ શેરબજારમાં આજે તેજી આવતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ ઈમ્પેકટ દેખાઈ હતી.
કોમોડિટી મૂવમેન્ટ :-
કોમોડિટી બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગોલ્ડમાં મર્યાદિત તેજી જોવા મળી હતી, જ્યારે સિલ્વર અને કોપરમાં હળવી નબળાઈ નોંધાઈ હતી. ક્રૂડ ઓઇલમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે નેચરલ ગેસ અને ઇલેક્ટ્રિસિટી સેગમેન્ટમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક આર્થિક સંકેતો અને બદલાતી માંગ-પુરવઠાની સ્થિતિ વચ્ચે રોકાણકારો પસંદગીયુક્ત ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા…!!!
ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર સ્થિરથી સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં મર્યાદિત લેવાલી જોવા મળતાં ભાવ રૂ. ૧,૫૩,૧૫૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર નરમ વલણ સાથે ખુલ્યું હતું. હળવી વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૨,૫૦,૮૭૨ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત નબળાઈ જોવા મળતાં ભાવ રૂ. ૧,૩૩૬.૨૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૭,૩૮૧ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. ખરીદીના ટેકાથી ભાવ રૂ. ૩૦૦.૩૦ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ઇલેક્ટ્રિસિટી :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સેક્ટરમાં ખરીદી વધતાં ભાવ રૂ. ૪,૫૦૬ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ભાવિ દિશા :-
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશમાં ડોલરિયો રોકાણ પ્રવાહ ફરી વહેતો થાય અને એફઆઈઆઈની શેરોમાં વેચવાલીરૂપી ઓટ અટકે એ માટેના પ્રોત્સાહનોના પગલાંની પોઝિટીવ અસર જરૂર જોવાઈ છે. પરંતુ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડવાનું જોખમ, ક્રુડ ઓઈલના ભાવ ઘટયામથાળેથી ફરી વધી આવવા અને ઘર આંગણે ચોમાસું આ વખતે સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ ચોમાસાની પ્રગતિ પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. જીઓપોલિટીકલ ટેન્શન, ક્રુડ ઓઈલના ભાવ, ચોમાસા સહિતના પરિબળો પર નજર રહેશે.
આગામી દિવસોમાં બજારનું માળખું તેજી તરફી રહેવાની સંભાવના છે. જો સ્થાનિક અને વિદેશી નાણાં પ્રવાહ મજબૂત રહે તો સૂચકાંકો નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે. બેંકિંગ, નાણાકીય સેવાઓ, માળખાગત વિકાસ અને વીજ ઉત્પાદન ક્ષેત્ર આગામી તેજીનું નેતૃત્વ કરી શકે છે.
જોકે સતત વધારા બાદ ટૂંકા ગાળામાં નફાવસૂલી જોવા મળવાની શક્યતા પણ યથાવત છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો જાળવાઈ રહે ત્યાં સુધી ઘટાડાને ખરીદીની તક તરીકે જોવામાં આવી શકે છે. રોકાણકારોએ ગુણવત્તાસભર અને મજબૂત મૂળભૂત પરિબળ ધરાવતા શેરોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વૈશ્વિક બજારોની દિશા, વિદેશી નાણાં પ્રવાહ અને ક્રૂડ ઓઈલના ભાવ આગામી બજાર ચાલ માટે મહત્વપૂર્ણ પરિબળ રહેશે.
Ravi Bhatt
SEBI Regd Number INH000012591
Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com







