વર્તમાન કારોબારી સેશનમાં બાટા ઇન્ડિયાએ વિત્ત વર્ષ ૨૬ ના ક્યુ૪ માં આવક વૃદ્ધિ દર્શાવી છે, પરંતુ નફાકારકતા અને વોલ્યુમ વૃદ્ધિમાં દબાણ યથાવત રહ્યું છે. બજાર નિષ્ણાતો મુજબ કંપનીના પ્રયાસો મર્યાદિત અસર બતાવી રહ્યા છે, જ્યારે ખર્ચમાં વધારો અને ઓપરેશનલ દબાણને કારણે સાવચેતીનો માહોલ છે.
નાણાકીય પરિણામો :
કંપનીએ ક્યુ૪ માં આવકમાં ૫% નો ઉછાળો નોંધાવ્યો અને કુલ આવક રૂ. ૮૨૭ કરોડ રહી, જે છેલ્લા ૧૨ ક્વાર્ટરમાં સૌથી મજબૂત વૃદ્ધિ ગણાય છે. જોકે ઈબિટાડા માં ૧૫% ઘટાડો થઈ રૂ. ૧૫૧ કરોડ આસપાસ નોંધાયો. સ્ટાફ ખર્ચમાં ૯% ઘટાડો હોવા છતાં અન્ય ખર્ચમાં ૨૬% નો વધારો દબાણ ઊભું કરતો જોવા મળ્યો. વોલ્યુમ વૃદ્ધિ માત્ર ૨.૮% રહી છે, જે સમકક્ષ કંપનીઓની ડબલ-ડિજિટ વૃદ્ધિની તુલનામાં નબળી માનવામાં આવે છે.
કંપની વિશે :
બાટા ઇન્ડિયાએ ઝીરો બેઝ મર્ચેન્ડાઇઝિંગ (ઝેડબીએમ) પહેલને મોટા પાયે આગળ ધપાવી છે. ક્યુ૩ માં ૪૦૦ સ્ટોર્સમાં અમલ કરાયેલી આ યોજના ક્યુ૪ દરમિયાન ૫૫૦ સ્ટોર્સ સુધી વિસ્તારી હતી, જેમાંથી લગભગ ૫૦ થી ૫૫% સીઓસીઓ સ્ટોર્સ આવરી લેવાયા હતા. કંપની ક્યુ૧ સુધી કુલ નેટવર્કના ૭૫–૮૦% સ્ટોર્સમાં ઝેડબીએમ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઝેડબીએમ સ્ટોર્સે અન્ય સ્ટોર્સની તુલનામાં ૫% વધુ વૃદ્ધિ નોંધાવી છે. ઇન્વેન્ટરીમાં ૧૩% ઘટાડો અને તાજા સ્ટોક સાથે વેચાણક્ષમતા મજબૂત કરતી કામગીરી કંપનીએ કરી છે.
બજારના મુખ્ય પરિબળો :
વેચાણમાં રૂ. ૧,૦૦૦ થી ઓછા ભાવવાળા ઉત્પાદનોમાં છેલ્લા કેટલાક મહિનામાં સુધારો જોવા મળ્યો છે. હશ પપીઝ અને પાવર જેવી પ્રીમિયમ કેટેગરીઓ કંપનીના કુલ વૃદ્ધિને આગળ ધપી રહી છે, જેમાંથી હશ પપીઝ હવે કુલ આવકમાં ૧૮–૨૦% યોગદાન આપી રહી છે. ફ્રેન્ચાઇઝ સ્ટોર્સમાં ક્યુ૪ દરમિયાન ૫૨ નવા ઉમેરાતા કુલ નેટવર્ક ૭૨૨ સુધી પહોંચ્યું છે. જોકે બ્રોકરેજ હાઉસિસનું માનવું છે કે કંપનીની નફાકારકતા હજુ પ્રી-કોવિડ લેવલ્સ સુધી પહોંચવા માટે મજબૂત પ્રયાસોની જરૂર રહેશે.
ભાવિ દિશા :
કંપની ક્રૂડ લિંક્ડ ખર્ચવધારા સામે કિંમત વધારો કરવાની દિશામાં વિચાર કરી રહી છે. વર્ષ ૨૬ દરમ્યાન શેરમાં કુલ ૩૦% ઘટાડો નોંધાયો છે. બજાર નિષ્ણાતો માને છે કે આવક વૃદ્ધિ યથાવત રહે તો આગામી દિવસોમાં મૂલ્યાંકન મલ્ટિપલ્સમાં મર્યાદિત સુધારો જોવા મળી શકે. હાલમાં બાટા ઇન્ડિયા આશરે ૩૧ ગણાં વિત્ત વર્ષ ૨૮ના અંદાજિત કમાણી પર ટ્રેડ થઈ રહી છે.






