વર્તમાન કારોબારી સેશનમાં અદાણી પાવરના મજબૂત ઉછાળાએ કંપનીને માર્કેટ કેપના આધાર પર ઈન્ફોસિસથી આગળ લઈ જવાનું મહત્વનું સ્થાન અપાવ્યું છે. અદાણી પાવરનું માર્કેટ વેલ્યૂ હવે અંદાજે રૂપિયા ૪.૮૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ઈન્ફોસિસનું વેલ્યૂેશન રૂપિયા ૪.૭૨ લાખ કરોડ આસપાસ છે. શેરમાં સતત મજબૂતીને કારણે અદાણી પાવર હવે દેશમાં ૧૧મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની છે.
બુધવારે શેરે ૩%નો ઉછાળો દાખવી એનએસઇ પર રૂપિયા ૨૫૨ના નવા ૫૨-વીક હાઈને સ્પર્શ્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં ૧૩%નો અને છેલ્લા એક વર્ષમાં ૧૨૬%નો ઉછાળો શેરે નોંધાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શેરે આશરે ૧,૨૧૩% સુધીની તેજી દર્શાવી છે.
બજારના મુખ્ય પરિબળો :
• દેશમાં કડકડતી ગરમી અને હીટવેવને કારણે વીજળીની માંગ વધતી જોવા મળી રહી છે.
• ઈલ નીનોએ ૨૦૨૬માં પાવર ડીમાન્ડને વધુ તેજ બનાવી છે, જેના કારણે પાવર સેક્ટરના શેરોમાં બુલિશ બાયસ યથાવત રહ્યો છે.
• તાજેતરના આંકડા મુજબ વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંથી ૯૭ શહેરો ભારતમાં નોંધાઈ છે, જે ઊંચા પાવર કન્ઝમ્પશન તરફ દોરી જાય છે.
• બીજી તરફ, આઈટી સેક્ટરમાં વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગની અસરથી દબાણ સર્જાયું છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
પાવર સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી મજબૂત રહી છે, જ્યારે આઈટી સેક્ટરે ૨૦૨૬ દરમિયાન ઘટાડો દર્શાવ્યો છે. ઓટોમેશન અને ટેક્નોલોજીમાં વધારાને કારણે આઈટી સેક્ટરમાં બેરિશ બાયસ જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસે અત્યાર સુધી આશરે ૨૯%નો ઘટાડો નોંધાવ્યો છે. ગઇકાલે પણ શેરમાં ૩%નો ઘટાડો નોંધાયો હતો.
કંપની વિશે :
અદાણી પાવર છેલ્લા કેટલાક વર્ષોમાં ક્ષમતા વૃદ્ધિ, ઉત્પાદન વધારો અને વધતી માંગના કારણે મજબૂત સ્થિતિમાં છે. વધતી વીજળીની જરૂરિયાતને કારણે કંપનીના ઓપરેશન તેમજ આવકમાં સતત સુધારો થયો છે. પાવર સેક્ટર તરફ સકારાત્મક ભાવનાથી શેરમાં બુલિશ બાયસ જળવાઈ રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ, શેરે તાજેતરમાં મજબૂત બ્રેકઆઉટ દર્શાવ્યો છે. ઉપરની તરફ રૂપિયા ૨૫૫–૨૬૦નો ઝોન રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેની તરફ રૂપિયા ૨૩૦–૨૩૫નો ઝોન મહત્વનો સપોર્ટ લેવલ છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ શેરમાં યોગ્ય ગણાય છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં જો પાવર ડીમાન્ડ યથાવત રહેશે, તો સેક્ટરમાં સકારાત્મક વલણ યથાવત રહી શકે છે. હીટવેવ અને ઈલ નીનોએ બજારમાં મજબૂતી વધારી છે. આઈટી સેક્ટરના નબળા રિટર્નને કારણે અદાણી પાવરને માર્કેટ કેપ રેન્કિંગમાં આગળ વધવા સહાય મળી છે. પાવર સંબંધિત શેરોમાં મર્યાદિત ખરીદી યથાવત રહેવાની શક્યતા છે.







