રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
આ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી, જેમાં શરૂઆત બુલિશ ટ્રેન્ડ સાથે થઈ પરંતુ ગુરુવારે ગ્લોબલ સંકેતો, એફઆઈઆઈ પ્રવૃત્તિ અને કોમોડિટી મૂવમેન્ટ બજારની દિશા નક્કી કરનાર મુખ્ય પરિબળ રહ્યા.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ અંતની સમજૂતી હોર્મુઝ પર અંકુશ મામલે ઘોંચમાં પડતાં અનિશ્ચિતતાએ વૈશ્વિક ઓઈલ પુરવઠો ખોરવાઈ રહ્યાનાં અને સંકટ ઘેરાઈ રહ્યાના સંકેત જોવા મળ્યાં તેમજ ભારતની ઓઈલની આયાત મોંઘી બનવાની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતાં નેગેટીવ પરિબળોએ ફંડોને સાવચેતી વર્તવા ખરીદીને બ્રેક લગાવી હતી.
મિત્રો, વૈશ્વિક સંકટ વચ્ચે કોર્પોરેટ વિશ્વનો વેપાર ખોરવાઈ રહ્યો હોઈ ઘણી કંપનીઓને લોનમાં ડિફોલ્ટ થવાના જોખમી એંધાણ વર્તાઈ રહ્યાં છે અને આ કારણે બેંકોનું માર્જિન ભીંસમાં આવવાના પરિબળે ફોરેન ફંડોએ બેંકિંગ શેરોમાં મોટું હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો.
ઈરાન ટૂંક સમયમાં પડી ભાંગશે એવા ટ્રમ્પના દાવા સાથે ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ મામલે હજુ મડાગાંઠ નહીં ઉકેલાતાં અને બીજી તરફ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાં તડાં પડી યુ.એ.ઈ. આ સંગઠનમાંથી બહાર થતાં આંતરરાષ્ટ્રીય મોરચે ઓઈલ પુરવઠા પર પોઝિટીવ અસરની અપેક્ષા છતાં ક્રુડ ઓઈલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોની સતત ખરીદી સાથે આઈટીસી સહિત એફએમસીજી શેરોમાં તેજી થઈ હતી. મારૂતી સુઝુકીના ત્રિમાસિક પરિણામમાં નફો ઘટયા છતાં વેચાણમાં વૃદ્વિ અને સારા ડિવિડન્ડ વળતરે ઓટો શેરોમાં ફંડોની તેજી અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈનો હાઉ ઘટતાં એઆઈ શેરોમાં વૈશ્વિક નરમાઈની પોઝિટીવ અસરે આઈટી શેરોમાં દરેક ઘટાડે ફંડો લેવાલ રહ્યા હતા.
વૈશ્વિક અને આર્થિક પરિબળો –
અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ : ભૂ-રાજકીય મોરચે પરિસ્થિતિ વણસી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધી ઉર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.
ક્રૂડ ઓઈલમાં ભડકો : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોંઘવારી વધવાના સંકેત છે.
યુએસ ફેડરલ રિઝર્વનું વલણ :- અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે પરંતુ મોંઘવારીને લઈને તેમનું વલણ અત્યંત કડક (‘હૉકિશ’) રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે.
એશિયાઈ બજારોની નબળાઈ : જાપાનના નિક્કેઈ અને કોસ્પી જેવા એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.
સેન્સેક્સ :-
સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં શરૂઆતમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા સેશનમાં ઇન્ડેક્સ રેન્જ-બાઉન્ડ રહી દરેક ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલી અને નીચલા લેવલ પર ખરીદી જોવા મળી.
નિફ્ટી ફ્યુચર :-
નિફ્ટી ફ્યુચર સપ્તાહ દરમિયાન 23808 – 24404 ની રેન્જમાં ટ્રેડ થયું. તેજી તરફી ઉછાળેથી રેઝિસ્ટન્સ નજીક ફરી વેચવાલી નોંધાઈ.
વૈશ્વિક પરિબળો :-
આ સપ્તાહમાં વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવ, ખાસ કરીને મધ્ય પૂર્વના મુદ્દાઓ, બજાર માટે મોટું જોખમ રહ્યા. ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી ઉભરતા બજારો માટે નેગેટિવ સાબિત થયા. જોકે, કેટલાક દિવસોમાં યુએસ અને યુરોપિયન બજારોમાં રિકવરી જોવા મળતા ગ્લોબલ સેન્ટિમેન્ટ મિક્સ્ડ રહ્યો.
સ્થાનિક પરિબળો :-
સ્થાનિક સ્તરે ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ અને કોર્પોરેટ અર્નિંગ્સ બજાર માટે સપોર્ટિવ રહ્યા. ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપતી રહી પરંતુ એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખતા રહ્યા.
સેક્ટરવાઇઝ મૂવમેન્ટ
બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં શરૂઆતમાં વેચવાલી બાદ અંતે મર્યાદિત રિકવરી જોવા મળી. આઈટી સેક્ટર ગ્લોબલ નબળાઈના કારણે દબાણ હેઠળ રહ્યો, જો કે કેટલાક સ્ટોક્સમાં રિકવરી નોંધાઈ. મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગની ચિંતા કારણે ઘટાડો રહ્યો. ઓટોમોબાઈલ સેક્ટરમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો. એફએમસીજી અને ફાર્મા સેક્ટર ડિફેન્સિવ તરીકે સ્થિર રહ્યા. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં વેચવાલી નોંધાયું.
ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મુખ્ય સપોર્ટ બની. ટેકનિકલ સપોર્ટ લેવલ નજીક ખરીદી જોવા મળતા બજારને તળિયે મજબૂતી મળી. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત રહેતા રોકાણકારો બોટમ ફિશિંગ કરતા જોવા મળ્યા. કેટલાક સેશનમાં ગ્લોબલ માર્કેટમાં સુધારા કારણે સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું.
કોમોડિટી મૂવમેન્ટ :-
ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી સમગ્ર સપ્તાહ દરમિયાન મુખ્ય ફોકસમાં રહી. મેટલ્સમાં નબળાઈ જોવા મળી, ખાસ કરીને ગ્લોબલ ડિમાન્ડ અંગેની ચિંતા કારણે. કોમોડિટી માર્કેટ અસ્થિર રહ્યો, જે ઇક્વિટી માટે મિક્સ્ડ સંકેત આપે છે.
સોનું
સપ્તાહ દરમિયાન ગોલ્ડમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો. શરૂઆતમાં સેઈફ હેવન તરીકે તેજી જોવા મળી, પરંતુ અંત તરફ રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં ઘટાડો નોંધાયો.
ચાંદી
ચાંદીમાં વધુ વોલેટિલિટી જોવા મળી. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ગ્લોબલ સંકેતોના આધારે તેમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા.
ભાવિ દિશા
ટૂંકા ગાળામાં બજાર વોલેટાઇલ રહી શકે છે, જેમાં રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળશે પરંતુ લાંબા ગાળામાં બુલિશ સ્ટ્રક્ચર યથાવત છે. આગામી સપ્તાહમાં બજાર સંપૂર્ણપણે વોલેટાઇલ રહેશે જેમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો કામ કરતા જોવા મળશે. ગ્લોબલ અનિશ્ચિતતા અને એફઆઈઆઈ વેચવાલી બજારને દબાણમાં રાખે છે, જ્યારે ડીઆઈઆઈ સપોર્ટ અને મજબૂત ફંડામેન્ટલ્સ બજારને તળિયે મજબૂતી આપે છે.
ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વ વિરામ અંતે ટ્રમ્પે બિનશરતી લંબાવીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે. આ યુદ્વ વિરામ લંબાવ્યા બાદ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર ત્રણ સપ્તાહનું કરાવીને પણ યુદ્વ એક તરફ અંત તરફ આગળ વધી રહ્યાનો સંકેત આપનારા ટ્રમ્પ, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ થકી થતાં જહાજોના વહનની નાકાબંધી માટે બીજું યુદ્વ જહાજ મોકલીને ઈરાનને આર્થિક ભીંસમાં લાવીને શરણે આવવા મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નાકાબંધી લાંબા ચાલવાના અંદાજો વચ્ચે વિશ્વનો ક્રુડ ઓઈલના પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધીને ૧૦૫ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે. જે સારો સંકેત નથી અને આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ રોકાણકારો એ સાવધાની વર્તી થોભો અને રાહ જુઓ ની સ્થિતિ અપનાવવી જોઈએ.
ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની શક્યતાએ આગામી સપ્તાહમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે અન્યથા બજારની સ્થિતિ હજુ ડામાડોળ રહી શકે છે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ પાછલા સપ્તાહમાં શેરોમાં ખરીદદાર બન્યા બાદ ફરી સપ્તાહના અંતે મોટાપાયે વેચવાલ બનતાં બજારમાં મોટી ખાનાખરાબી જોવાઈ છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી જોવાઈ છે પરંતુ આ ખરીદી ધીમી પડી રહ્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. બજારના તેજી તરફી સુધારા માટે એફપીઆઈ-એફઆઈઆઈઝની વેચવાલી અટકવી અને ફરી ખરીદી થવી અતિ આવશ્યક છે.
રોકાણકારોએ આગામી દિવસોમાં સાવધાનીપૂર્વક પોઝિશન અને સાથે સાથે તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૂરી છે.
Investment in securities market are subject to market risks.Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






